Entertainment

તાપસી પન્નુ આ વર્ષે ખાસ ફિલ્મોથી ખાસ છે

તાપસી પન્નુએ હમણાં કરણ જોહરે તેના શોમાં કોફી પીવા ન બોલાવી તેથી જરાક અકડાઈને ટિપ્પણ કરી છે કે મારી સેકસલાઈફ એટલી દિલચસ્પ નથી કે કરણ જોહર તેના શોમાં મને બોલાવે. તાપસીની ટિપ્પણ એકદમ સાચી છે કારણકે કરણ જોહર હંમેશા સેક્સ અંગેના એવા સવાલો પૂછે છે જેમાં અમુક પ્રકારની અંગતતા બહાર આવે અને શો ચર્ચામાં રહે. કરણ તેના શોને સેન્સેશ્નલ બનાવે છે જેથી પ્રેક્ષકો તે જુએ અને વધારે સ્પોન્સર્સ મળે. આ શોમાં ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે પણ આવે છે. હકીકતે ઘણાં લાઈવ ટોક શો ફિલ્મોના પ્રમોશન માટે જ હોય છે.

અમિતાભ બચ્ચને ફરી ‘કૌન બનેગા કરોડપતિ’ ની સિઝન શરૂ કરી તે પણ આમીરખાન સાથે જ કરેલી, કારણકે તેની ફિલ્મ રજૂ થતી હતી. કરણ જોહર તાપસીને એવી તક આપી શકયો હોત કારણકે તેની ‘દોબારા’ રજૂ થઈ રહી છે. તાપસી આખાબોલી છે અને જે કહેવાનું હોય તો કહી દે છે પણ કારણ વિનાના વિવાદો ઊભા કરવાનું તેનું વલણ નથી. તે સતત કામ કરતી રહે છે. કંગના રણૌત સાથે તેની તુલના થાય છે પણ તે સ્વતંત્ર રીતે આગળ વધી રહી છે. કંગનાની ફિલ્મ શાહરૂખખાન સાથે ન હોય શકે પણ તાપસીની ‘ડંકી’ શાહરૂખ સાથે છે.

તાપસીએ પોતાનું સ્ટેટસ મોટું કરવા નિરંતર પ્રયત્ન કર્યો છે. તે મોટા સ્ટાર્સની હાજરીથી નાની થઈ જશે એવી ગ્રંથીથી પીડાતી નથી અને ફક્ત મહિલા કેન્દ્રી ફિલ્મ પૂરતી મર્યાદિત નથી રહેતી. કંગના જે કરે છે તે કંગનાની પસંદગી છે ને તેને તે પોષાતું હોય તો ભલે પોષાતું. તાપસી ફિલ્મ કેન્દ્રી જ રહે છે. રોમાન્સના કારણે યા કોઈ અભિનેત્રી પ્રત્યેની સ્પર્ધાના કારણે યા બીજા કોઇ કારણોસર ચર્ચામાં રહેવું તેને પસંદ નથી. જેમ દિપીકા, આલિયાની એક જગ્યા છે તેમ તાપસીની ઊભી થઈ છે. આ કારણે જ આ વર્ષે તે તેની ચાર-પાંચ ફિલ્મના કારણે ચર્ચામાં છે. ‘લૂપ લપેટા’ ફેબ્રુઆરીમાં રજૂ થયેલી પણ નેટફલિક્સ પર. તાપસી અત્યારે એવી ફિલ્મ ઈચ્છે છે જે તેની તાકાત પર બોક્સ ઓફિસ પર ખાસ બની શકે. બાકી, શાહરૂખ સાથેની ફિલ્મ વિશે તો ભરોસો છે. પહેલીવાર રાજકુમાર હીરાનીની ફિલ્મ મળી તે પણ તેની સ્ટાર વેલ્યુ સ્પષ્ટ કરે છે. તે પ્રતિક ગાંધી સાથે ‘વો લડકી હે કહાં’ કરી રહી છે. એક તરફ શાહરૂખ અને બીજી તરફ પ્રતિક ગાંધી. તાપસી પોતાને સ્ટારથી નહીં પાત્રો અને વિષયથી ઓળખાવે છે. તાપસી પન્નુ હિન્દી ફિલ્મોને વળગીને જ રહે છે પણ તેલુગુમાં ‘નીવેવરો’ કર્યા પછી પણ સાઉથ પર ફોક્સ નથી કરતી. તાપસી ફલેસ્કિીબલ સ્ટાર છે. •

Most Popular

To Top