Madhya Gujarat

આપણા રાષ્ટ્ર ધ્વજની સમગ્ર વિશ્વએ નોંધ લીધી

વિરપુર : મહીસાગર જિલ્લામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી વીરપુર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. મહીસાગર જિલ્લામાં મહાનુભાવો અને અધિકારીના હસ્તે વિવિધ વિભાગના શ્રેષ્ઠકર્મીઓ અને રમતવીઓ – કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી વિરપુર ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે.

તેમજ દેશની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. દેશવાસીઓમાં સ્વાભિમાનની રાષ્ટ્રભચેતના જગાડવાના અવસર સમાન આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવ્યું હતું. આજની યુવા પેઢીને દેશની આઝાદીમાં મહામૂલું યોગદાન આપનાર આ વીર સપૂતોની ગાથાઓથી વાકેફ કરીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રજ્જવલિત કરવામાં આવી છે. આજે ભારત દેશ પ્રત્યે, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, આપણા વ્યવહાર પ્રત્યે સારી લાગણીઓ અને આપણા રાષ્ટ્ર ધ્વજની સમગ્ર વિશ્વ નોંધ લઇ રહ્યું છે.

અર્જુનસિંહે વધુમાં જણાવ્યું કે, દેશના તમામ નાગરીકો ગર્વથી કહે છે કે યે આન તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ, અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ. હર ઘર તિરંગા અભિયાનમાં મહીસાગર જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઇને સમગ્ર દેશ સહિત રાજય, જિલ્લામાં ગામે-ગામ દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બનાવી રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવી સમગ્ર દેશમાં એક અનોખું દેશભકિત સભર વાતાવરણ ઉભું કર્યું તે બદલ તેઓએ જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે વિરપુર તાલુકા સહિત જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશ ભક્તીના સાસ્કૃતિક રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમ સ્થળે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત કલેક્ટર ડૉ.મનીષકુમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરને રૂા.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પચાયત પ્રમુખ રમિલાબેન ડામોર, પંચમહાલ સાંસદ રતનસિહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય અજીતસિહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસવડા આર.પી.બારોટ, અધિક નિવાસી કલેકટર એ.આઇ.સુથાર, ડીઆરડીએ ડાયરેક્ટર જે.કે.જાદવ, લુણાવાડા પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ, બાલાસિનોર પ્રાંત અધિકારી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

અમૃત સરોવર હેઠળ તળાવોને રમણિય સ્થળ બનાવવામાં આવ્યાં
મહીસાગર જિલ્લામાં પણ અમૃત સરોવરો આકાર પામી રહ્યા છે. જે પૈકી આજે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તૈયાર થયેલા વિવિધ અમૃત સરોવરોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના જે ગામોમાં આ અમૃત સરોવર આકાર લઇ રહ્યા છે તે ગામોમાં આ તળાવો એક રમણિય સ્થળ બની રહે તે માટે મનરેગા યોજના હેઠળ પાથ-વે, નાગરિકોને બેસવા માટે બાંકડા, તળાવની ફરતે વૃક્ષોનું વાવેતર, બાળકો આનંદ-પ્રમોદ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યાં હતાં.

Most Popular

To Top