Madhya Gujarat

1લી જાન્યુઆરી,24ના રોજ રામ મંદિર તૈયાર હશે: અમિત શાહ

નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ આડીનાર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં આવી પહોંચ્યા હતા. શાહે જંગી જનસભાના સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા કામો વાગોળ્યા હતા. નડિયાદ તાલુકાના અને મહુધા વિધાનસભામાં આવતા આડીનાર ખાતે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું. મહુધાના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે.

કોંગ્રેસ પર આક્રમક થતા શાહે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા. કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા છે. ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ હોય કે પીવાનું પાણી પહોંચાડવાનું કામ, ગરીબ પરિવારોમાં બિમારીની ચિંતા દૂર કરવાનું કામ, માં કાર્ડ, પીએમજય યોજના, 130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. કોરોનામાં અને ત્યાર પછી ગરીબોના ઘેર મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે.

ગુજરાતમાં સૌથી વધુ મૂડીરોકાણ, સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. રાજ્યમાં કરફ્યુ ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. અમિતભાઇ શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. તેમજ 370 અને રામમંદિરના કામમાં કોંગ્રેસે અવરોધ ઉભા કર્યા હોવાનું જણાવ્યુ હતુ. ગૃહમંત્રીએ ઉમેર્યુ હતુ કે, કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે. રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ, કાશીવિશ્વનાથ, ઉજૈન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી સરકારે કામ કર્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી. આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાલક્ષી કાર્યોથી સૌ વાકેફ છે ત્યારે તેમના વિશ્વાસને મજબૂત કરવા આપણે સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી હતી.

દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી
આ બેઠકમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. દેવુસિંહે જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ઠાલા વચનો લઈને નીકળ્યા છે, કેટલાક મફત આપવા નીકળ્યા છે. પરંતુ તે લોકોની નજર ગુજરાતની તિજોરી પર છે. એવા લોકોની નજરથી ગુજરાતને બચાવવું છે. આ ગુજરાત 27 વર્ષ પહેલાં કેવું હતું. અને સતત 27 વર્ષ જનતાના આશીર્વાદથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. જેમાં જનતાની સુખકારીમાં સતત વધારો થયો છે. માળખાગત સુવિધાઓ વધી છે. નર્મદા યોજનાનું કામ સુપેરે પૂરું થયું એ બધું જ શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારને આભારી છે.

Most Popular

To Top