Dakshin Gujarat

રાજપીપળા: નજીવી બાબતે સાળાએ બનેવીને ચપ્પુના 6 ઘા ઝીંકી દીધા

રાજપીપળા: (Rajpipla) રાજપીપળા શહેરના સિંધીવાડ વિસ્તારમાં રહેતા એક ઈસમ પર તેના જ સાળાએ નજીવી બાબતે ચપ્પુના (Knife) ઘા મારી જીવલેણ હુમલો કરતાં લોકટોળાં એકઠાં થયાં હતાં. ત્યારબાદ ઇજાગ્રસ્તને રાજપીપળા સિવિલમાં લઈ જવાયો હતો.

  • રાજપીપળાના સિંધીવાડમાં નજીવી બાબતે સાળાએ બનેવીને ચપ્પુના 6 ઘા માર્યા
  • લગ્નમાં વડોદરા જવા બાબતે ઝઘડો થતાં પત્નીએ ભાઈને બોલાવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં રહેતા સમીરખાન નાશિરખાન બલુચ (ઉં.વ.૩૨)ને તેમનાં પત્ની સાઈમા સાથે લગ્નમાં વડોદરા જવા બાબતે નજીવી બોલાચાલી થયા બાદ રિસાયેલી પત્નીએ તેમના ભાઈ સાકીર અયુબભાઇ સિંધી (રહે.,કાશીપુરા,વડોદરા)ને ફોન કરી રાજપીપળા તેની સાસરીમાં બોલાવતાં તેણે રાજપીપળા આવી પોતાના બનેવી સમીર ખાન સાથે માથાકૂટ કરી ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાયેલા સાળાએ ચપ્પુ વડે બનેવીને ઉપરાછાપરી છ ઘા મારી દેતાં ઘટના સ્થળે બૂમાબૂમ અને નાસભાગ થઈ હતી.

સ્થાનિકોનાં ટોળાં ભેગાં થતાં ચપ્પુ મારનાર સાકીર જમાદાર ત્યાંથી નાસી ગયા બાદ ઇજાગ્રસ્ત લોહીલુહાણ સમીર બલૂચને સ્થાનિકો તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા બાદ આ બાબતની જાણ રાજપીપળા પોલીસને કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજપીપળામાં કુરિયરના ધંધા સાથે સંકળાયેલા શખ્સને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા
રાજપીપળા: રાજપીપળાના રમેશ ભાઇલાલ ગાબુ અંજની કુરિયરના નામથી પ્રોપરાઇટર તરીકે કામકાજ કરે છે. તેમને કામ અર્થે ભાડાની ગાડીની જરૂરિયાત પડતી હોવાથી નાંદોદના ટંકારી ગામના વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલને તેમની ગાડી સાથે કામ માટે બોલાવતા હતા. અને તેનાથી બંનેની ઓળખાણ થઈ હોવાથી રમેશભાઈ પોતાનો એક સેકન્ડ હેન્ડ ટેમ્પો ખરીદવો હોય અને થોડા પૈસા ખૂટતા હોય તેમ જણાવી વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલ પાસે હાથ ઉછીના રૂ. ૨,૧૦,૦૦૦ની માંગણી કરી લીધા હતા અને બે મહિનામાં પરત આપી દેવાનો વાયદો કર્યો હતો.

જે વાયદા મુજબ નાણાં પરત ન આવતાં વિક્રમસિંહે તેમની પાસે માંગણી કરતાં રમેશભાઈએ એક ચેક લખી આપ્યો હતો. જે ચેક બેંકમાં નાંખતાં ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ વિક્રમસિંહે વકીલ તપનભાઇ મઢીવાલા મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષના વકીલ તપન.એચ.મઢીવાલાની ધારદાર દલીલો તેમજ પુરાવાને માન્ય રાખી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-રાજપીપળા કોર્ટે તા.૬/૫/૨૩ના રોજ રમે ગાબુને એક વર્ષની કેદની સજા તેમજ વળતરના રૂ.૨,૧૦,૦૦૦ દિન-૬૦માં ચૂકવી આપવા અને તે ન ચૂકવે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરતાં ખોટા ચેક લખી આપનાર અન્યોમાં ફફડાટ ફેલાયો હતો.

Most Popular

To Top