National

બે મહિના બાદ રાજ કુંદ્રાનો જામીન પર છૂટકારો, પોર્ન ફિલ્મોગ્રાફી કેસમાં જેલમાં હતા

પોર્ન ફિલ્મોગ્રાફી (Porn Filmography) કેસમાં ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) જામીન અરજી પર નિર્ણય લેતા તેને મુંબઈ કોર્ટે મોટી રાહત આપી છે. રાજ કુન્દ્રાને 60 દિવસ પછી જામીન મળ્યા છે. પોર્નોગ્રાફી કેસના આરોપી ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન (Bail) આપવામાં આવ્યા છે. રાજ 27 જુલાઈથી ન્યાયિક કસ્ટડીમાં હતા. તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બરે રાજે કોર્ટમાં જામીન અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમને ‘બલિનો બકરો’ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ રાજની જામીન અરજી અનેક વખત ફગાવી દેવામાં આવી હતી.

રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે આખી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં એક પણ આરોપ રાજ કુંદ્રા વિરુદ્ધ નથી, જે સાબિત કરે કે કોઈ વીડિયો શૂટિંગમાં રાજ સક્રિય રીતે સામેલ ન હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કુંદ્રાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેનું નામ પોલીસે જબરજસ્તી કેસમાં સામેલ કર્યું છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આની પાછળનું કારણ તો એજન્સી જ કહી શકે છે, પરંતુ તેને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો છે. તપાસમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કુંદ્રાનું ‘આપત્તિજનક સામગ્રી’ બનાવવાના કોઈ પણ ગુનામાં દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.

તાજેતરમાં, શિલ્પા શેટ્ટી માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગઈ હતી, જ્યાં તે પગપાળા ચાલી હતી અને માતાના આશીર્વાદ લીધા હતા. તે જ દિવસે મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમે રાજ કુંદ્રા અને તેના સહયોગી રાયન થોર્પે વિરુદ્ધ 1500 પાનાની ચાર્ટ-શીટ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી. શિલ્પાની આ યાત્રા રાજની મુક્તિ સાથે જોડાયેલી હતી. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી. જોકે હવે તેની આ યાત્રા ફળી હોય તેવું લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો. તે પછી જિલ્લા કોર્ટ (એસ્પ્લેનેડ કોર્ટ)એ પછી તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારથી તે જેલમાં જ હતો. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

Most Popular

To Top