National

બીજા દિવસે પણ ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસનો હંગામો

નવી દિલ્હી: (New Delhi) આજે બીજા દિવસે ઈડી દ્વારા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સાડા ચાર કલાક પૂછપરછ કરાઈ હતી. સાંજે 4 કલાકે તેઓ ઈડીની (ED) ઓફિસની બહાર આવ્યા હતા. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલાં અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ બે દિવસની પૂછપરછ બાદ પણ ઈડીના અધિકારીઓ રાહુલ ગાંધીના જવાબોથી સંતુષ્ટ નથી. બીજી તરફ કોંગ્રેસ (Congress) નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ઢસડીને પોલીસે વાનમાં બેસાડી દીધા હતા. વિરોધ દરમિયાન સુરજેવાલા અને ચિદમ્બરમને ઈજા થઈ હતી.

આ અગાઉ નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે જોડાયેલા મામલામાં રાહુલ ગાંધીની સોમવારે લગભગ 8.30 કલાક સુધી પૂછપરછ કરાયા બાદ આજે મંગળવારે પણ તેમને પૂછપરછ માટે બોલાવાયા હતા. ગઈકાલની જેમ આજે પણ રાહુલ વહેલી સવારે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યારબાદ બહેન પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ-સમર્થકો સાથે ED ઓફિસ તરફ આગળ વધ્યા. દિલ્હી પોલીસ ગઈકાલની જેમ પહેલેથી જ એલર્ટ પર હતી. અકબર રોડ પર કલમ ​​144 લાગુ કરવામાં આવી હતી. આજે પણ કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કર્યો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “2015માં આ મામલામાં રાહુલ ગાંધીને ક્લીનચીટ અપાઈ હતી. હવે પાછું શું થયું?. ગાંધી પરિવારને જાણી જોઈને ત્રાસ આપવાનું કાવતરું છે.” કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દિલ્હીની સડકો પર વિરોધ પ્રદર્શન કર્યો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસનો આરોપ છે કે તેમના કાર્યકર્તાઓને આજે કોંગ્રેસ હેડક્વાર્ટર સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. કારણ કે અકબર રોડ પર કલમ ​​144 લાગુ કરવામાં આવી હતી. આ અંગે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, અહીંના પોલીસ પ્રશાસનને સરકાર તરફથી કેટલા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે તે સમજની બહાર છે. કાયદાને ચાલવા દો, જો 144 લગાવવામાં આવે તો તમને કસ્ટડીમાં લઈ લો, પરંતુ તમે પાર્ટીને ઓફિસમાં આવતા રોકી શકતા નથી, લોકશાહીની હત્યા થઈ રહી છે.

આ અગાઉ સવારે રાહુલ ગાંધી ED ઓફિસ જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પાછળ સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ED ઓફિસ આવતા પહેલા રાહુલ કોંગ્રેસ હેડક્વાર્ટર ગયા હતા. પ્રિયંકા ગાંધી પણ રાહુલ સાથે કારમાં ED ઓફિસ પહોંચ્યા હતા.

Most Popular

To Top