Dakshin Gujarat

‘તારા તાટીયા તોડી બધી ભમરી ઉતારી જેલમાં ધકેલી દઇશ’ PSIની સરપંચને ધમકી

ઘેજ : ચીખલી (Chikhli) ગ્રામ પંચાયતના આંતરિક વહીવટમાં કૂદી પડી સરપંચને ‘તારા હાથ તાટીયા તોડી નાંખીશ, તારી બધી ભમરી ઉતારી નાંખીશ, જેલના સળિયા પાછળ ધકેલી દઇશ’ તેમ કહી ધમકાવનાર પીએસઆઇ કે.એમ. વસાવા વિરુધ્ધ સરપંચે ગૃહમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. સરપંચે સાફ-સફાઇ માટે ગ્રામ પંચાયતના જાહેર શૌચાલયને તાળુ મરાવતા એક દુકાનદારના ઇશારે પીએસઆઇ વસાવા પંચાયતના વહીવટમાં કૂદી પડી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચને (Sarpanch) દમદમાટી આપી હતી.

ચીખલીના સરપંચ વિરલ પટેલે રાજ્યના ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા, રેંજ આઇજી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે લાયન્સ બ્લડ બેંકની સામે ગ્રામ પંચાયત શોપીંગ સેન્ટરમાં આવેલા શૌચાલયમાં દુર્ગંધની ફરિયાદને પગલે કર્મચારીઓ સફાઇ માટે જતા ત્યાં સ્ટાર રેફ્રીજરેશન નામના દુકાનદારે માલસામાન મુકી શૌચાલયને તાળુ મારી દેતા સરપંચે જઇને શૌચાલયની સફાઇ કરાવી તાળુ મારી બંધ કરાવી દીધુ હતું. આ અંગે સ્ટાર રેફ્રીજરેશનના માલિકે સરપંચને ‘પીએસઆઇ વસાવા સાથે મારા ખાવા-પીવાના સબંધો છે, તેને વાત કરી તમારી પાસેથી શૌચાલયની ચાવી લઇ લેવાનું જણાવ્યું હતું. બાદમાં પીએસઆઇ કે.એમ. વસાવાએ સરપંચને ફોન કરી ‘તમે સ્ટારવાળાને શૌચાલયની ચાવી કેમ નથી આપતા, તમે તાત્કાલિક મળવા આવી જાવ, કહેતા સરપંચ ત્યાં જતાં પીએસઆઇ વસાવાએ ‘તારામાં ભમરી આવી ગઇ છે, તારી ભમરી ઉતારવી પડશે, તારે જાહેર શૌચાલયની ચાવી સ્ટારવાળાને આપી દેવી પડશે’ કહી ધમકી આપી હતી. સરપંચે આ જાહેર શૌચાલય છે અને તમામ દુકાનદારો માટે છે. તેમ કહેતા પીએસઆઇ વસાવાએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારવા માટે ઊભો થઇ, તારા હાથ તાટીયા તોડી નાંખી જેલના સળિયા પાછળ ધકેલી દઇશ’ તેમ કહી ગાળા – ગાળી કરી હતી. જેને પગલે સરપંચે વિરલભાઇએ જરૂરી તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે. તેમ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.

દુકાનમાં કેટલાક પોલીસ કર્મીઓનો ખાણી-પીણીનો અડ્ડો!
પીએસઆઇ વસાવાની એકાદ માસ પૂર્વે જ બીલીમોરાથી ચીખલી પોલીસ મથકમાં બદલી થઇ હતી. બીલીમોરા સ્વતંત્ર પોલીસ મથક છોડવાનું કદાચ તેમને દુ:ખ હોય શકે. પરંતુ આ પ્રકારે એક દુકાનદારની પોતે જ પાર્ટી બની જઇ ખાખી વર્દીના સત્તાના નશામાં ભાન ભૂલી આ પ્રકારે ગામના પ્રથમ નાગરિક એવા ચૂંટાયેલા સરપંચને ધમકાવવા પાછળનું કારણ શું ? બદલી માટે વિવાદ કરવાનું તરકટ તો નથી ને ? ચીખલી ગ્રામ પંચાયત શોપીંગ સેન્ટરમાં એક દુકાનદારની દુકાનમાં કેટલાક પોલીસ કર્મીઓનો ખાણી-પીણીનો અડ્ડો હોવાનું પણ કહેવાય છે. કેટલાક ખાખી વર્દીધારી આ દુકાનમાં રાત્રિ દરમ્યાન પડ્યા પાથર્યા રહેતા હોવાનું પણ કહેવાય છે ત્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ જરૂરી જણાય છે.

Most Popular

To Top