National

23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ કોન્ફરન્સ: PM મોદી 40 કલાકમાં ત્રણ દેશના દિગ્ગજો સાથે કરશે મીટિંગ

પ્રધાનમંત્રી મોદી (PM Modi) 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું ગઠબંધન છે. ક્વાડ સમિટમાં હાજરી આપવા ઉપરાંત પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ (America President) જો બાઈડન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. પીએમ મોદી 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી 40 કલાક જાપાનમાં રહેશે અને 23 બેઠકોમાં ભાગ લેશે. ઉપરાંત 36 જાપાની સીઈઓ અને વિદેશી ભારતીયો સાથે વાતચીત કરશે.

ક્વાડ કોન્ફરન્સમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ક્વાડ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સકારાત્મક અને રચનાત્મક એજન્ડાના અમલીકરણ પર ભાર આપવાનો છે. કોન્ફરન્સ દરમિયાન આ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ છે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમજ ભવિષ્યમાં શું પગલાં લઈ શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની મનસ્વી અને આક્રમક ગતિવિધિઓને રોકવા માટે અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સમૂહ ક્વાડે એક નવી યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં અને તેની યોજનાઓને સમજવામાં મદદ કરવા માટે જાપાનના ટોક્યોમાં યોજાનારી બેઠક દરમિયાન ચાર દેશો મંગળવારે સંયુક્ત પહેલનું અનાવરણ કરશે. ચોંકાવનારી વાત એ છે કે ક્વાડ ગ્રૂપ જે પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે તે અંતર્ગત ચીનની ગેરકાયદેસર માછીમારીની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે ક્વાડ સમુદ્રમાં ચીનની જાસૂસી પ્રવૃત્તિઓ વિશે સીધી વાત કરવાને બદલે તેની માછીમારી પ્રવૃત્તિઓ પર તેની દેખરેખ ક્ષમતા પર કેમ ધ્યાન કેન્દ્રિત કરશે.

ચીન સતત આ જ માછીમારીના જહાજો કોરિયાથી જાપાન અને ભારતમાં દેખરેખ માટે મોકલી રહ્યું છે. જાપાનના સસાકાવા પીસ ફાઉન્ડેશન (SPF) સેન્ટર ફોર આઇલેન્ડ સ્ટડીઝની માહિતી અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) આ માછીમારી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય દેશની સરહદોમાં પ્રવેશ કરે છે. મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પીએમ એન્થોની અલ્બનિસ મંગળવારે સમિટ પછી તેમની નવી યોજનાની શરૂઆત કરશે. અમેરિકાના એક અધિકારીએ દાવો કર્યો હતો કે હાલમાં ઈન્ડો-પેસિફિકમાં ગેરકાયદે માછીમારીની 95 ટકા ઘટનાઓ માટે ચીન જવાબદાર છે.

બીજી તરફ પીએમ મોદીની જાપાન મુલાકાત દરમ્યાન જાપાનના વડાપ્રધાન તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મંત્રણા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાનના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું છે કે ભારત-અમેરિકા સંબંધો બહુપક્ષીય છે. વેપાર, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા અને શિક્ષણથી લઈને ઉર્જા સુધીના ઘણા ક્ષેત્રોમાં અમારો લાંબા સમયથી ચાલતો સહયોગ સતત વધી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદીની બાઈડન સાથેની બેઠકમાં ચર્ચા થશે.


Most Popular

To Top