Entertainment

વિશ્વજીતનો દિકરો પ્રસોનજીત ‘જયુબિલી’ વેબ સિરીઝમાં એક સમય ઊભો કરશે

પ્રસોનજીત બંગાળી ફિલ્મોનો મોટો સ્ટાર અને ફિલ્મનિર્માતા છે. તે હવે રિલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ અને આંદોલન ફિલ્મ્સની વેબ સિરીઝ ‘જયુબિલી’માં મુખ્ય અભિનેતા તરીકે આવી રહ્યો છે. એમેઝોન પ્રાઇમ પર આવનારી આ સિરીઝમાં પ્રસોનજીત સાથે અદિતી રાવ હૈદરી, અપારશકિત ખુરાના, સિધ્ધાંત ગુપ્તા અને શ્વેતા બસુ પ્રસાદ, વામિકા ગબ્બી કામ કરી રહ્યા છે. આ સિરીઝમાં હિન્દી ફિલ્મોના સ્થાપના સમયની વાત છે. ‘ઔરંગઝેબ’ અને ‘કલારી ઓફ 83’ લખનારા અતુલ સરબરવાલે આ સિરીઝ લખી છે. આઝાદી પછીના ભારતમાં ફિલ્મો કેવી રીતે બનતી થઇ તેની કહાણી છે. પ્રસોનજીત હિન્દી વેબ સિરીઝ માટે હા પાડે એ મોટી વાત છે.

પ્રસોનજીત હિન્દી ફિલ્મમાં જાણીતા રહેલા વિશ્વજીત જેવા અભિનેતાનો દિકરો છે. વિશ્વજીત બંગાળી ફિલ્મો છોડી હિન્દીમાં આવી ગયેલો, જ્યારે પ્રસોનજીત બંગાળી ફિલ્મોમાં જ રહ્યો છે. હવે તો તે બંગાળીમાં ઘણી ટી.વી. શ્રેણી પણ બનાવી ચૂકયો છે. લગભગ ત્રણસો જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પ્રસોનજીતને ડેવિડ ધવને 1990માં ‘આંધીયા’માં લીધો હતો. મેહુલકુમારની ‘મીત મેરે મન કે’માં આયેશા ઝુલ્કા, સલમા આગા સાથે પણ આવ્યો છે. 21 વર્ષ પછી વળી તે ‘શાંઘાઇ’માં દેખાયેલો. હવે ‘જયુબિલી’થી ફરી હાજર છે. આ સિરીઝને તે બહુ ખાસ ગણે છે. કારણ કે હિન્દી ફિલ્મના એક યુગને જીવંત કરવાની તેમાં વાત છે. પ્રસોનજીત હિન્દી ફિલ્મોનો ચાહક રહ્યો છે, કારણ કે પિતા વિશ્વજીત વડે તેણે એક સમયની ફિલ્મો જોઇ છે.

Most Popular

To Top