Entertainment

આમીરખાનની બહેન નિખત ખાન હવે TV સિરીયલમાં…

સ્ટારપ્લસ પર હવે ‘સાથ નિભાના સાથિયા-2’ની જગ્યા ‘બન્ની ચાવ હોમ ડિલીવરી’ નામના શોએ લીધી છે. સોમ થી શનિ રાત્રે 9 વાગ્યે દર્શાવનારા આ શોમાં સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી એક સાહસી સ્ત્રી ફૂડ ડિલીવરી બિઝનેસ ચલાવે છે અને એ દરમ્યાન યુવાન નામના એક યુવાનનો પરિચય થાય છે, જે એક ખાસ પ્રકારની જરૂરિયાતમાં જીવી રહ્યો છે. આ મળવું તે બન્નેના જીવનને બદલી નાંખે છે. પ્રવીષ્ટ મિશ્રા(યુવાન), પૂજા સીંઘ, ઉલ્કા ગુપ્તા(બન્ની), સોનલ વેંગુલકર, પાર્વતી સેંગલ, પાયલ ગુપ્તા, નિખત હેગડે વગેરે અભિનીત આ ટી.વી. સિરીયલનો ક્રિયેટિવ ડાયરેક્ટર ઈમરાન મીર છે.

શશી સુમિત પ્રોડક્શન્સ આ સિરીયલ પહેલા ‘મોસે છલ કિયે જાય’, ‘મીત – બદલેગી દૂનિયા કી રીત’, ‘દીયા ઔર બાતી હમ’, ‘દિલ સે દિલ તક’, ‘રિશ્તા લિખેંગે હમ નયા’ જેવી સિરીયલો બનાવી ચૂક્યા છે. પણ આ ઘરે ટિફીન પહોંચાડવાનો વિષય આવ્યો નથી. ગુજરાતમાં નીલમ પંચાલ અભિનીત ‘21મું ટિફીન’ ફિલ્મ આ પ્રકારના વિષયને સ્પર્શી ચૂકી છે, ને હિન્દીમાં ઈરફાન ખાન અભિનીત ‘લંચબોક્સ’માં પણ આ વિષય જૂદી રીતે આવ્યો છે. જો કે આ સિરીયલ એક જૂદી વાર્તા તરફ લઈ જશે.

આ સિરીયલમાં બન્નીનું મુખ્ય પાત્ર ભજવતી ઉલ્કા ગુપ્તા યુટ્યૂબ પર લોકપ્રિય શેફ નિશા મધુલીકા પાસે રસોઈ બનાવવાનું શીખી છે. પણ આ સિરીયલની એક ખાસ વાત એ છે કે આમીર ખાનની બહેન નિખત ખાન TV સિરીયલમાં પ્રથમવાર કામ કરશે. નિખત આ પહેલા ‘લગાન’, ‘હમ હે રાહી પ્યાર કે’, ‘તુમ મેરે હો’ જેવી પાંચેક ફિલ્મોના નિર્માતા સાથે સંકળાયેલી હતી. છેલ્લાં કેટલાક વર્ષથી તે TV એડમાં પણ દેખાતી રહે છે અને ‘મીશન મંગલ’, ‘સાંડ કી આંખ’, ‘તાન્હાજી’ અને કેટલીક વેબ સિરીઝમાં આવી છે.

પણ આ તેની પ્રથમ TV સિરીયલ છે. નિખત ખાન (સંતોષ હેગડે સાથેના લગ્ન પછી નિખત હેગડે) ક્યારેય જણાવતી નથી કે તે આમીર ખાનની બહેન છે. તે પોતાની રીતે કામ મેળવવામાં માને છે. અભિનયનો શોખ પણ તેણે છેલ્લા થોડા વર્ષોમાં જ કેળવ્યો છે. બહુ શાંત અને શાલીન વ્યક્તિત્વ ધરાવતી નિખત બહુ મહત્વાકાંક્ષી બન્યા વિના કામ કરે છે. હંમેશા સ્મિત કરતી નિખત એક સમયે એર હોસ્ટેસ હતી. સેહર અને શ્રવણ નામના બે સંતાનોની મમ્મી નિખત જીવનના અનેક સંઘર્ષો જોઈ ચૂકી છે, પણ અંદરથી હાર્યા વિના સ્વમાનપૂર્ણ રીતે જીવી છે.

Most Popular

To Top