National

દિલ્હીના બલજીત નગરમાં બે જૂથો વચ્ચે અથડામણ, એક યુવકની હત્યા થતાં ગુસ્સે થયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) બલજીત નગરમાં બે જૂથ વચ્ચે ઝઘડાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ત્રણ યુવકો વચ્ચે થયેલી લડાઈમાં એક યુવકને માર મારવામાં આવી તેની હત્યા (Murder) કરવામાં આવી હતી. હત્યા બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે સ્થાનિક લોકોએ ધટના સામે પોતાનો વિરોધ કર્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બે જૂથો વચ્ચેની લડાઈમાં નીતિશ નામના વ્યક્તિને માર મારી મોતને ધાટ ઉતારવામાં આવ્યો છે. ઉફિઝા, અદનાન અને અબ્બાસ નામની વ્યકિત પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. લડાઈમાં નિતેશ અને આલોક ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન નિતેશનું મોત થયું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ત્રણેય આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જોકે આરોપીઓ ફરાર છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસના સકંજામાં આવી જશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ મળી આવતુ નથી.

પોલીસે જણાવ્યું કે મારામારી બે જૂથો વચ્ચે થઈ હતી. એક તરફ નિતેશ, આલોક અને મોન્ટી હતા તો બીજી બાજુ ઉફિઝા, અદનાન અને અબ્બાસ હતા. લડાઈના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે નિતેશ અને આલોક વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લડાઈમાં નિતેશ અને આલોક ઘાયલ થયા હતા. બાદમાં નિતેશનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હત્યા બાદ લોકોએ પોતાનો રોષ વ્યકત કરતા રસ્તો બ્લોક કરી દીધો હતો. લોકોનું કહેવું છે કે નિતેશની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. પોલીસ દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. તે જ સમયે, RAF સહિત ભારે દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે. નિતેશના પરિવારજનોએ જણાવ્યું કે તે નિતેશ બજરંગ દળ અને સંઘ સાથે સંકળાયેલો હતો.

Most Popular

To Top