National

પીએમ મોદીને તેમના જ દેશમાં આવેલા આ મંદિરે જવા ન દેવાયા, ખુદ વડાપ્રધાને કર્યો ખુલાસો

જલંધર: (Punjab) પંજાબમાં આગામી દિવસોમાં ચૂંટણી (Election) યોજાવા જઇ રહી છે. જો કે આ ચૂંટણી પહેલા પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રધાનમંત્રીની (PM) સુરક્ષા (Security) ચૂક બાદ હવે તેઓને મંદિરે (Temple) જતા પણ રોકવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને જલંધરમાં યોજાયેલી રેલી દરમ્યાન ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેઓ જલંધરના પ્રસિદ્ધ દેવી તાલાબ મંદિરની મુલાકાત લેવા માગે છે, પરંતુ પોલીસ અને વહીવટીતંત્રે કહ્યું કે તેઓ ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી લઈ શકતા નથી. જેના કારણે વિવાદ છંછેડાયો છે. આ અગાઉ પંજાબ પોલીસે વડા પ્રધાનની સુરક્ષામાં ચૂક કરી હતી. જે મામલે વિવાદ થયા બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. અને હજુ પણ આ મામલે તાપસ ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર પંજાબ પોલીસ પોતાના આવા રવૈયાના કારણે વિવાદમાં આવી છે.

પંજાબમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ રેલી યોજી હતી. આ રેલીમાં તેઓએ CM ચરણજીત ચન્નીનું હેલિકોપ્ટર રોકવાના મુદ્દે કોંગ્રેસ પર આડકતરી રીતે આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ને સત્તાનો એટલો ઘમંડ હતો કે તેઓએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના કારણે મારા હેલિકોપ્ટરને ઉડવા ન દીધું હતું. આ રેલીમાં વડાપ્રધાને મોટો ખુલાસો કર્યો હતો. તેઓ એ જણાવ્યુ હતું કે હું રેલી પછી શ્રી દેવી મતાજીના મંદિરમાં દર્શન કરવા માંગતો હતો. જોકે અહીંની પોલીસ અને પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા. તેમણે કહ્યું કે અમે બંદોબસ્ત ન કરી શકીએ. તમે હેલિકોપ્ટરમાં જાવ. હું બીજી વખત જરૂર જઈશ અને માતાજીના ચરણોમાં માથું ટેકવીને આવીશ.

જાન્યુઆરીમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થતા વિવાદ થયો હતો
આ અગાઉ પંજાબ પોલીસ વડા પ્રધાનની સુરક્ષા ચૂકને લઈ વિવાદમાં આવી હતી.  ગત 5 જાન્યુઆરીએ, મોદીની સુરક્ષા પંજાબમાં જ ભંગ કરવામાં આવી હતી જ્યારે તેઓ ફિરોઝપુરમાં કેન્દ્રીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે ભટિંડાથી રોડ માર્ગે જઈ રહ્યા હતા. તેમના કાફલાને વિરોધીઓએ ફ્લાયઓવર પર રોકી દીધો હતો અને મોદી લગભગ 20 મિનિટ સુધી ત્યાં ફસાયા હતા. આ મામલામાં તેમની સુરક્ષા ખતરામાં હતી છતાં પંજાબ પોલીસે મોદી સુરક્ષિત હોવાનું જ રટણ ચલાવ્યું હતું. આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. કોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે પોતાના જ નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. તે સમિતિ હજુ પણ તપાસ કરી રહી છે. સુરક્ષા ચૂક બાદ  મોદીની મંદિર મુલાકાતમાં પંજાબ પોલીસે  હાથ ઉંચા કરતા ચૂંટણીમાં આ એક હોટ મુદ્દો બની જાય તો નવાઈ નહી.

Most Popular

To Top