National

એબીજી શિપયાર્ડને 22 હજાર કરોડની લોન આપનાર બેન્કોનો નાણામંત્રીએ કર્યો બચાવ, કહ્યું- વહેલું કૌભાંડ પકડ્યું

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક છેતરપિંડી (India’s Biggest Bank Fraud) સામે આવી છે. જે મામલે  CBIએ દેશની જાણીતી શિપિંગ કંપની ABG શિપયાર્ડ (ABG Shipyard) સામે ફરિયાદ નોંધી હતી. એબીજી શિપયાર્ડ દ્વારા 28 બેંકોની સામે 22,842 કરોડ રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો છે. આ મામલે નાણાં  મંત્રી  નિર્મલા સીતારમણનું નિવેદન સામે આવ્યું છે.  નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બેંકોએ  સરેરાશ કરતાં ઓછા સમયમાં આ છેતરપિંડી ઝડપી પાડી છે. આ છેતરપિંડી મામલે તેઓએ અગાઉની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના કાર્યકાળ દરમિયાન એબીજી શિપયાર્ડને લોન આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે નાણાં સીતારમણે બેઠક યોજી હતી જે બાદ બેંકોને આ મામલે ક્રેડિટ મળશે તેવું જણાવ્યું હતું.

દેશની જાણીતી ખાનગી  શિપયાર્ડ કંપની એબીજી  શિપયાર્ડનું સૌથી મોટું  રૂ. 22,842 કરોડનું બેંક ભોપાળું સામે આવ્યું છે. જેણે ખળભળાટ મચાવી દીધો છે. સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિડેટ કંપનીના તત્કાલીન અધ્યક્ષ તેમજ પ્રબંધ નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્યોની સામે ફરિયાદ નોંધી છે. દેશના સૌથી મોટા  બેંક કૌંભાડ મામલે નાણાંપ્રધાન નિર્મલા સિતારમણનું નિવેદન સામે આવ્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અગાઉની યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એબીજી શિપયાર્ડને લોન આપવામાં આવી હતી. કાર્યકાળ દરમિયાન 30 નવેમ્બર, 2013ના રોજ કંપનીનું ખાતું પણ એનપીએ બની ગયું હતું. ધિરાણ આપનારી તમામ બેંકો દ્વારા માર્ચ 2014માં દેવાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો ન હતો. જો કે આ કૌભાંડ મામલે તેઓએ  ABG શિપયાર્ડ બેંકની છેતરપિંડીમાં પ્રથમ ફરિયાદ નોંધાવવામાં પાંચ વર્ષ લાગ્યાં તેનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ છેતરપિંડી સરેરાશ કરતા ઓછા સમયમાં પકડાઈ છે અને આ મામલે કાર્યવાહી ચાલી રહી છે.

આ કૌભાંડ મામલે નાણાં મંત્રીએ  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેની બેઠક યોજી હતી . જે બાદ તેઓએ જણાવ્યું હતું કે  સામાન્ય રીતે બેંકોને આવા કેસ પકડવામાં 52 થી 56 મહિનાનો સમય લાગે છે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જેની સામે  આવી છેતરપિંડીને પકડવામાં તેમને સરેરાશ કરતાં ઓછો સમય લાગ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે બેંકોને ક્રેડિટ મળશે. આઈસીઆઈસીઆઈ બેંકના નેતૃત્વમાં લગભગ બે ડઝન બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. એબીજી શિપયાર્ડ કંપનીને 2013 પહેલા લોનની મોટાભાગની રકમ મળી ગઈ હતી. બેંક છેતરપિંડી અટકાવવા માટે, વર્તમાન સરકારે 2014 માં એક નીતિ બનાવી હતી, જેમાં શંકાસ્પદ ખાતાઓના ફોરેન્સિક ઓડિટની જોગવાઈ કરવામાં આવી હતી. બીજા વર્ષથી આ પ્રક્રિયા શરૂ થઈ છે જે હજુ પણ ચાલુ છે.

Most Popular

To Top