Comments

ફેબ્રુઆરીના ફુવ્વારા..!

ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદિયાને હું પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર! સળી કરવાની ટેવ જાય નહિ ને?  એમાં ક્યાં ઉંમરનો બાધ  આવે? લખાઈ તો ગયું કે, ફેબ્રુઆરીના ફુવ્વારા! પણ, ફેબ્એરુઆરી એટલે અધૂરા માસે અવતરેલો હોય એવો  વિકલાંગ મહિનો! એ શું ધૂળ ફુવ્વારા કાઢવાનો?  ફુવ્વારો તો શું પિચકારી પણ નહિ મારી શકે! બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓ સાથે હોવા છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાઈને, ‘દિવસ-દાન’ કર્યું હોય તો! બધા મહિના અંબાણીના વંશ-વારસ હોય એમ, ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, ને ફેબ્રુઆરી નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાવાળો! ખમતીધર મહિના પાસે ક્યારેય કટોરો લઈને માંગવા ગયો નથી કે, બે દિવસ આપો ને યાર, આપણે સમાજવાદ લાવીએ! ફીક્ષ ડીપોઝીટની બેંકેબલ યોજનામાં હલવાયો હોય એમ, ચાર વર્ષની ‘લીપયર્સ’ તપસ્યા કરે ત્યારે, માંડ એક દિવસ વધે! ૨૮ ના ૨૯ થાય! પછી ક્યાંથી ઊંચો આવે? માણસની ગરીબાઈ બધાંને દેખાય, ફેબ્રુઆરીની કોઈને દેખાય છે? 

મહિનાઓમાં અજાયબ મહિનો હોય તો આ ફેબ્રુઆરી મહિનો! અધૂરા માસે જન્મેલો હોવા છતાં, મહિનાઓમાં સ્થાન બીજા નંબરનું ધરાવે!  સુંદરતા તો ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ ની નાયિકા જેવી, પણ ૨૮ જ દિવસ હોવાથી, ગાલ ઉપર કાળું ઝાયું લાગી ગયેલું! જ્યારે-જ્યારે આ ફેબ્રુઆરીને હું જોઉં છું ને, મારું હૃદય ‘પોચું-પોચું’ થઇ જાય મામૂ..! મગજના ચકરડાં પણ ‘ફાસ્ટ’ ફરવા માંડે. કારણ કે, મારાં લગન પણ  ફેબ્રુઆરીમાં જ થયેલાં! આવા યાદગાર મહિના માટે હું નહિ લખું તો બીજું કોણ લખે? નહિ લખું તો રતનજી ખીજાય!

આ તો ‘ડીપાણ’ માં ગયા પછી ખબર પડી કે, પ્રાચીન લેટીન કેલેન્ડરમાં તો વર્ષના ૧૨ ને બદલે ૧૦ જ મહિના હતા, જુલાઈ, ઓગષ્ટ તો પાછલે બારણેથી ઘૂસેલા, ને ૧૦ ને બદલે ૧૨ મહિના થયેલા! પહેલાં દરેક માસના ૩૦ દિવસ હતા, પણ  પોતાના મહિનામાં દિવસ વધારવા બંને સમ્રાટોએ એવી જીદ  કરેલી કે, ફેબ્રુઆરીના બે દિવસ કાપી, જુલાઈ અને ઓગષ્ટના ૩૧ દિવસ કરેલા.  ત્યારથી ફેબ્રુઆરીના ૨૮ દિવસ થયેલા! આ ધંધો રોમન સમ્રાટ નુમા ઓમ્પીલિયર્સના વખતમાં થયેલો, ને ૧૦ ને બદલે ૧૨ મહિના કરેલા. બારેય મહિનાનું નામકરણ પણ રસપ્રદ છે!  રોમન દેવતા જેનસના નામ ઉપરથી જાન્યુઆરી, ફેબરૂલિયા શબ્દ ઉપરથી ફેબ્રુઆરી, રોમન યુદ્ધદેવતા માર્સના નામ ઉપરથી માર્ચ મહિનો, લેટીન શબ્દ ‘અમીરીટી’ (જેનો અર્થ થાય છે કળીઓનું ખીલવું) ઉપરથી એપ્રિલ મહિનો, રોમમાં વૃક્ષની દેવીનું નામ ‘મઈયા’ ઉપરથી મે મહિનો, જુનીયસ નામના લેટીન શબ્દ ( જેનો અર્થ થાય છે, યુવાન..!) 

ઉપરથી જૂન મહિનો, જુલિયસ સિઝરના નામ ઉપરથી જુલાઈ મહિનો, પ્રથમ રોમન બાદશાહ ઓગષ્ટના નામ ઉપરથી ઓગષ્ટ મહિનો, ‘સેપટેમ’ નો અર્થ સાત થાય, એના ઉપરથી સપ્ટેમ્બર મહિનો, ‘ઓકટો’ નામના લેટીન શબ્દનો અર્થ આઠ થાય, એના ઉપરથી ઓક્ટોબર મહિનો, ‘નોવેમ’ નામના લેટીન શબદનો અર્થ નવ થાય, એના ઉપરથી નવેમ્બર મહિનો અને ‘ડિસેમ’ નામના લેટિન શબ્દનો અર્થ દશ થાય, એના ઉપરથી ડિસેમ્બર મહિનો નામ પડેલું! સમ્રાટ રમેશ ચાંપાનેરીનો જન્મ એ વખતે થયેલો નહિ, બાકી તો ૧૨ ને બદલે તેર મહિના થાત અને એકાદ મહિનાનું નામ ‘રોમેશ’ પણ પડ્યું હોત! સારું થયું કે એવું બન્યું નહિ, નહિ તો ફેબ્રુઆરી ઓર ટૂંકો થાત.! આ તો એક અનુમાન, બાકી જે થયું તે સારું જ છે. આમ પણ ૧૩ નો આંકડો ક્યાં શુકનિયાળ ગણાય છે?  હશે, મહિનાઓની વંશાવલિમાં આપણે પડવું નથી. આ તો અડફટમાં આવી, એટલે લખી! 

કહેવાય છે કે, ‘જિસકા કોઈ નહિ ઉસકા તો ખુદા હૈ યારો..!’ બાકી ફેબ્રુઆરી મહિનો એટલે ઝાકમઝોળ! લોકો ભલે કહેતાં હોય કે, “લાંબા સાથે ટૂંકો ચાલે, મરે નહિ તો માંદો પડે”  ત્યારે ફેબ્રુઆરી માટે એવું નહિ, યુવાનો તો ફેબ્રુઆરી આવે ને મૌજમાં આવે! એ આખો મહિનો જ યુવાનોનો! ઘરની ચાર દીવાલમાંથી કાઢી બાગ-બગીચા ને હોટલમાં ઘસડી જવાનો મહિનો. યુવાનોના હૈયાંને હચમચાવી નાંખે. એના દરેક દિવસ કોઈ ને કોઈ ખાસ પ્રસંગ લઈને આવે. તિથિ ચોઘડિયાં કોઈ નડે જ નહિ,  આખેઆખો LOVE MONTH! અમારા જમાનામાં પણ ફેબ્રુઆરી મહિનો તો હતો, પણ જણનારીમાં જ જોર નહિ હોય તો, ફેબ્રુઆરી પણ શું જીવ કાઢે? નહિ રોમેન્ટિક કે નહિ એન્ટીક! એ વખતે અમારી પાસે અત્યારના જેવી ‘LOVE LINE’ જ  નહિ ને?  ગમતી છોકરી આગળ પણ ખમીસ ના કોલર ચાવતા, પણ I LOVE YOU કહેવા હોઠ નહિ ઉપડતા. ઉપાડવા જઈએ તો રતનજી ખીજાય! દુકાને દાળ લેવા મોકલ્યો હોય તો ‘હળી’ કરીને આવતાં ખરાં, પણ એને પ્રેમ કહેવાય એટલી અક્કલ નહિ! લેંઘા ટાઈટ રાખવા જઈએ કે, યાર..‘વેલેન્ટાઈન’ કરવા જઈએ? ભૂલમાં પણ પ્રેમલા-પ્રેમલી જેવું કરવા ગયા તો, બાપા ઓટલા ઉપર જ ધોઈ નાંખતા, બાથરૂમ સુધી તો પહોંચવા પણ નહિ દે! નહિ મોઢાની કોઈ નકશી કે, નહિ કોઈ હેર સ્ટાઈલ! તેલના કુંડામાં માથું પલાળીને ફરતાં હોય એવાં, તેલિયા માથાવાળાને ભેટે પણ કોણ? જે છોકરી ગમતી એ ‘છીઈછીઈ’ બોલીને જતી રહેતી!  બારણામાં ભલે, કેસુડાં ખીલીને ‘ફાટ-ફાટ’ થતાં હોય, વાસંતી વાયરા ભલે વાતા હોય, પણ બાપાનો ધાક જ એવો કે, ચણીબોર જેટલાં પણ રોમેન્ટિક નહિ થવાતું.

પ્રેમના પરપોટા તો ફૂટે, પણ બાપાને કહેવાય થોડું કે, બાપા હું લફરાંમાં છું! દિલ લગા ગધીસે તો, પરી ક્યા ચીજ હૈ? (એ કોણ બોલ્યું? સખણા રહો ને યાર? અમારા બરડા શું કામ નકશીવાળા બનાવડાવો છો?) આવું બબડી જવાતું, પણ બોલાતું નહિ. વાંઝણી મર્યાદા રાખતાં! આજે તો જલસા છે દોસ્ત! બારમું-તેરમું તો બે જ વાર આવે, પણ ફેબ્રુઆરીમાં પ્રેમના DAYS એટલા બધા આવે કે, બધા DAYS ને કમ્પ્લીટ ઉજવવા જઈએ તો, મજનુઓ બેવડ વળી જાય!  ફ્રેન્ડશીપ ડે, કોમ્પ્લીમેન્ટ્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડીબેર ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઈન ડે, સ્લેપ ડે, કિક ડે. પરફ્યુમ ડે, ફલર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે. વગેરે વગેરે! માત્ર મરીમસાલા ડે કે કાનનો મેલ કાઢવાના ડે જ નહિ આવે!

લાસ્ટ ધ બોલ
બગીચામાં લટાર મારવા ગયો તો ત્યાં એક સુવિચાર લખેલો. “ઝાડવા ઉપર પ્રેમિકાનું નામ લખવાને બદલે પ્રેમિકાની યાદમાં એક ઝાડ ઉગાડો, પ્રેમ અમર બની જશે!” આ વાંચી,  શ્રીશ્રી ભગાએ પોતાની પ્રેમિકાની ગણતરી કરી. સંખ્યા  એટલી  વધી ગઈ કે, પાંચ વીંઘાના ખેતરમાં શેરડી જ વાવી દીધી!  એના કપાળમાં કાંદા ફોડું!
                – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top