Comments

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ માટે વિદ્યાર્થીઓ સિવાય બધા જ જવાબદાર છે

થોડા સમય પહેલાં શિક્ષણમાં ભ્રષ્ટ વ્યવસ્થા માટે એક ટુચકો પ્રખ્યાત હતો ( જોક ) એક અંતરિયાળ ગામડાની શાળામાં ઇન્સ્પેકશન આવ્યું. શાળા કાગળ ઉપર ચાલતી હતી.હકીકતમાં શિક્ષણ જેવું કશું હતું નહીં. શાળાના સંચાલકે ઇન્સ્પેકશન માટે આખી એક દિવસની વ્યવસ્થા ઊભી કરી. ઇન્સ્પેકશન આવ્યું.એક ઇન્સ્પેકટર આવ્યા ..ચાલો વર્ગ ખંડમાં …પ્રિન્સીપાલે એક  શિક્ષકને સાથે મોકલ્યા …..સાહેબ તો વર્ગમાં ગયા. વિદ્યાર્થીઓને કહ્યું કે હું થોડા પ્રશ્નો પૂછું તેના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન ‘સૂર્ય કઈ દિશમાં ઊગે છે”? છોકરાઓએ હાથ લાંબો કરી કહ્યું, “આણી કોર” …..સાહેબ બોલ્યા :હા પણ દિશા કઈ? છોકરા બોલ્યા, “ભગો જાણે” ….શિક્ષકે સાહેબને કહ્યું, એમને આવડે છે. પણ ,એમની ભાષા આવી છે . સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો “દેશના રાષ્ટ્રપતિ કોણ છે?”  છોકરા કહે, “ભગો જાણે. હવે સાહેબ ગુસ્સે થયા. અલ્યા તમને આટલું ય નથી આવડતું.  ભણશો જ નહીં તો ભીખ માંગશો ડોબાઓ ..અને આટલું સાંભળતાં જ એક છોકરાનો પીત્તો ગયો ..સાહેબ, જેમ તેમ ના બોલો ..અમે ભીખ નો માગીએ ..અમે તો ભેંસ ચરાવતા હતા. આ તો આ સાહેબ કહે કે ચાલો, એક સાહેબ આવે છે તો થોડી વાર રૂમમાં બેસો ..પછી જમવા મળશે ..એટલે આવ્યા. જમવાનું ના હોય તો વાંધો  નથી, પણ જેમ તેમ નહીં સાંભળીએ.

સાહેબે શિક્ષક સામે જોયું …ઉલ્લુ બનાવો છો? શિક્ષકમાં જ નૈતિકતા ના હોય તો આ લાઈનમાં જ શા માટે આવો છો. જરીક તો શરમ કરો ,,ગાયો ભેંસ ચરાવતા છોકરા ભેગા કરવાના? આટલું બોલ્યા ત્યાં શિક્ષકનો પિત્તો ગયો. એ સાહેબ ભાનમાં રહો.આ તો મને અહીંના સંચાલકે વિનંતી કરી એટલે આજના દિવસ માટે હા પાડી, બાકી મારે આવી નાવારાઈ નથી. શિક્ષક થવું હોત તો ક્યારનોય થઇ ગયો હોત. મારી તો ત્રણ હોટલ અને છ લકજરી બસો છે. ઇન્સ્પેકશનમાં આવેલા સાહેબ ચમક્યા …ઓહ તો તમે પણ નકલી છો ..ચાલો પ્રિન્સીપાલ પાસે …બન્ને ઓફિસમાં ગયા અને સાહેબે પ્રિન્સીપાલને ધમકાવ્યા.આવા ધંધા? અમને ઉલ્લુ બનાવો છો કે દેશ સાથે ગદ્દારી કરો છો? સાહેબ બોલતા ગયા અને પ્રિન્સીપાલ ચુપચાપ સાંભળીને ટેબલના ખાનામાંથી એક નોટોનું બંડલ કાઢ્યું  ..ઇન્સ્પેક્ટર  સામે ફેંક્યું અને બોલ્યા ..લ્યો આ

ઇન્સ્પેકટર બગડ્યા ..મને લાંચ આપો છો …મને તમારા જેવો ગણ્યો? …..તમે મને ઓળખતા  નથી  ત્યાં પ્રિન્સીપાલ બોલ્યા .  સાહેબ લઈ લો દસ હજાર છે. મારા ફુવા કહેતા જ હતા કે એક સિધ્ધાંતનું પૂંછડું ઇન્સ્પેકટર આવશે, ગુસ્સો કરશે, પણ તું જવાબ ના આપીશ. આ દસ એના મોં ઉપર મારજે એટલે ચૂપ થઇ જશે … મેં આહીં મૂક્યા.બાકી ફુવા હોત તો ફેંક્યા જ હોત ……અને થોડો સન્નાટો છવાયો. ઈન્સ્પેકટર મલક્યા અને દસ હાજર ઉઠાવતા બોલ્યા..કંઈક તો સાચું રાખો..આ તો ઠીક છે કે મારા કાકાને તાવ આવ્યો એટલે મને મોકલ્યો. બાકી મારા કાકા જાતે આવ્યા હોત તો તમને અંદર કરી દેત ….કંઈક શરમ કરો . ભગવાનની તો બીક રાખો. અને સાવ દસ? મોંઘવારી તો જુવો અને શિક્ષણ સંસ્થામાં સ્મિત ફેલાયું.

કોઈ પણ દેશ કાળમાં જ્યારે ગમ્મતમાં કહેલી વાતો ,ટુચકાઓ સાચા પડવા માંડે તો સમજવું કે સ્થિતિ ગંભીર છે. ગુજરાતમાં અત્યારે શિક્ષણની હાલત ગંભીર છે. સંસ્કૃતમાં સુવાક્ય છે કે ધર્મ ધીરજ સ્ત્રી અને મિત્રની ખરી કસોટી વિપત્તિકાળમાં થાય છે. આપણી વ્યવસ્થાઓ અને ફરજો એ જ આપણો ધર્મ નક્કી કરે છે અને કોરોના જેવા વિપત્તિ કાળમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે છે જ આપણું ખરું ચરિત્ર!

આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવો વાળી  સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ મજબુર બની ગયા .થોડું ઘણું પણ જે ચાલતું હતું તે ખાડે ગયું  અને આજે સ્થિતિ એ છે કે કોરોના કાબૂમાં આવ્યો પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અરાજકતા ઘટવાનું નામ લેતી નથી .શાળા કક્ષાના પ્રશ્નો જુદા છે અને કોલેજ કક્ષાએ પ્રશ્નો જુદા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ નિસ્બતપૂર્વક વિચારતું જ નથી કે આ મુશ્કેલ સ્થિતિમાં શું કરવાથી શિક્ષણ  સારી રીતે ચાલે?

આ આખી વ્યવસ્થાનો લાભ થોડા લોકોને અજાણતાં મળશે. હવેનાં ત્રણ ચાર વર્ષ મેરીટની કટોકટી થશે નહીં. હમણાં આપણને એ વાંચવા નહીં મળે કે રિક્ષાવાળાનો છોકરો ટોપ થયો ..મજૂરનો દીકરો બોર્ડમાં પ્રથમ આવ્યો..ના હવે આવું ક્દાચ જ  બનશે. કારણ કે, વાવાઝોડું હોય ,પૂર હોય કે કોરોના આપત્તિઓ ગરીબ અને મજદૂર વર્ગને વધારે હેરાન કરે છે. સમાજમાં એક ઉચ્ચ સમ્પન્ન વર્ગ છે. કોરોના હોય કે ના હોય એમનાં બાળકો સતત અને સારી રીતે શિક્ષણ મેળવતાં રહે છે. સામાન્ય સંજોગોમાં આ સગવડો સાથે ભણતાં બાળકોને સામાન્ય વર્ગનાં બાળકોનો સામનો કરવો પડે છે જેઓ જાતે કે ઓછાં સાધનો વડે ભણે છે છતાં મેરીટ મેળવે છે. હવે કોરોનાને કારણે શાળા કોલેજોની ખાસ તો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજોની જે હાલત થઇ છે તેમાં ભોગવવાનું આ સામાન્ય ઘરનાં બાળકોને થયું છે.

ગુજરાતમાં સ્કૂલ કક્ષાએ હવે ખાનગી સ્કૂલોનું પ્રભુત્વ છે. સરકારી શાળામાં માત્ર ગરીબ વિદ્યાર્થીઓ જ હોય છે. હવે ફાઈવસ્ટાર સ્કૂલોને બાદ કરતાં બંગલા ટેનામેન્ટમાં ફૂટી નીકળેલી ખાનગી શાળાઓએ કોરોના કાળમાં શિક્ષકો કાં તો છૂટા કરી દીધા છે અથવા અડધા પગારે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. આમાં બાળકો કરતાં વાલીઓને સંતોષ થાય છે. સો એક ભ્રમમાં જીવે છે કે શિક્ષણ ચાલે છે. ના સરકારે આ વિપત્તિ કાળમાં શિક્ષણ કઈ રીતે ચલાવવું તેની તજજ્ઞો સાથે મીટીંગ કરી છે ના શિક્ષણવિદોએ સરકારમાં મુદ્દાસર રજૂઆત કરી છે. કાગળ ઉપર જેમનાં નામ છે તે શિક્ષણ બોર્ડના સભ્યો કે યુનિવર્સિટી બોર્ડના સભ્યોએ માત્ર શિક્ષણને પાટે ચડાવવા ચર્ચા વિકાસ કર્યો હોય તેવું ક્યાંય સાંભળવા વાંચવા મળ્યું નથી. આમ નવી શિક્ષણ નીતિના અમલ માટે કેવી તૈયારી છે ( પરિપત્રો બહાર પાડવા સિવાયની ) તે કોઈ જોતું નથી.

સામાન્ય રીતે બાળકો ભણતાં નથી તેવી ફરિયાદ થાય છે. પણ માત્ર કોરોના કાળ અને તે પછીની સ્થિતિનો અભ્યાસ  કરો તો કહેવું પડે કે આજની સ્થિતિ માટે વિદ્યાર્થી સિવાય બધા જ જવાબદાર છે. ગ્રાન્ટ ઇન કોલેજોમાં ઊંચા પગારવાળા અધ્યાપકો છે પણ ભણનારાં વિદ્યાર્થીઓ નથી. ગુજરાતની કેટલી યુનિવર્સિટીમાં હજુ આગળના  સેમ.ની પરીક્ષાઓ ચાલે છે. બીજું સેમ. ક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી. આની  અસર આગળનાં વર્ષોમાં જશે. સ્કૂલ કક્ષાએ દસમા બારમાની પરીક્ષા સિવાયના વર્ગોમાં શિક્ષણ ચાલે છે તે માત્ર ભ્રમ છે. ગામડાની કોલેજમાં એક અધ્યાપકને  એક પત્રકાર મિત્રે પૂછ્યું કે તમારે હિજાબનો પ્રશ્ન છે ત્યારે અધ્યાપકે કહ્યું કે હાજરી જ નથી ત્યાં હિજાબનો પ્રશ્ન ક્યાંથી હોય?  આપણે રાહ જોઈએ કે વાલીઓ બાળકને નિયમિત ભણાવવા માટે  ચિંતા કરતા થાય. શિક્ષકો અધ્યાપકો અમારે ભણાવવું છે …એ માંગ  કરે અને સરકાર શિક્ષણની ગાડી  પાટે ચડાવવા મીટીંગ કરે. મીડિયા, પત્રકારો સરકાર ,વાલી અને યુનિવર્સિટી ને પ્રશ્ન કરે, બાકી ….શરૂઆતમાં લખેલા ટુચકામાં અને વાસ્તવિક સ્થિતિમાં કોઈ ફેર નહીં રહે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top