Editorial

ડાર્કનેટ પર ચાલતા નાર્કોટિક્સ કૌભાંડમાં ઉચ્ચ પ્રશિક્ષિત લોકોની સંડોવણી: એક મોટી ચિંતાની બાબત

હાલમાં એનસીબીએ કેફી દ્રવ્યોની હેરાફેરીનું ભારતભરમાં ચાલતું એક નેટવર્ક પકડી પાડ્યું છે જેમાં ગ્રાહકના ઘરે કેફી દ્રવ્યો પહોંચાડવામાં આવતા હતા અને આ નેટવર્ક ચલાવવા માટે ડાર્કનેટનો અને ક્રિપ્ટકરન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો આ પહેલા કેફી દ્રવ્યોની હેરાફેરીના અને એવા બીજા અનેક કૌભાંડો પકડાયા છે અને તે કોઇ નવાઇની વાત નથી, પરંતુ આ જે કૌભાંડ પકડાયું તેમાં નવી અને મોટી ચિંતાની વાત એ છે કે આ કૌભાંડ આધુનિક ટેકનોલોજીઓનો અને ડાર્કવેબ કે ડાર્કનેટના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવતું હતું અને તેમાં લેવડ દેવડ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ કૌભાંડ સંદર્ભમાં જેઓ પકડાયા છે તેમાં ટેકનોલોજીનું બહોળું જ્ઞાન ધરાવતા ઉચ્ચ પ્રશિક્ષિત લોકો છે તે વધુ મોટી ચિંતાની વાત છે. ડાર્કનેટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠનો કે મોટી અપરાધી ગેંગો કરે છે તે વાત જાણીતી થઇ ગઇ હતી પરંતુ આપણા દેશમાં ડાર્કનેટનો ઉપયોગ કરીને આટલું મોટું કેફી દ્રવ્યોની હેરાફેરી અને વેચાણનું કૌભાંડ ચલાવાતું હતું તેવું બહાર આવ્યું છે તે ચોંકાવનારી વાત છે. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ગુનાખોર તત્વો કરી શકે છે તેવી દહેશત આપણા દેશમાં નિષ્ણાતો વ્યક્ત કરી જ રહ્યા હતા અને આ નાર્કોટિક્સ કૌભાંડમાં તે દહેશત સાચી પુરવાર થઇ છે.

કેન્દ્રીય કેફી દ્રવ્યો વિરોધી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ ચાર મહિનાના ઓપરેશન પછી ત્રણ મોટા ડ્રગ માર્કેટો – ડીએનએમ ઇન્ડિયા, ડ્રેડ અને ધ ઓરિએન્ટ એક્સપ્રેસ પકડી પાડ્યા છે – જેમના નેટવર્ક હીડન વેબ વર્લ્ડ પર ચલાવવામાં આવતા હતા. આ નેટવર્ક પકડી પાડવા માટે એનસીબીએ દિલ્હી-એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં ઓપરેશન ચલાવ્યું હતું. આ બાબતમાં ચાર કેસો દાખલ કરવામાં આવ્યા છે અને દેશવ્યાપી ઓપરેશન દરમ્યાન ૧૭ જપ્તીઓ કરવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું છે.

આ સંદર્ભમાં જે બાવીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં સોફ્ટવેર એન્જિનિયરો, એક નાણાકીય વિશ્લેષક, એક એમબીએ ગ્રેજ્યુએટ અને ખુદ એનસીબીના જ એક કર્મચારીનો સમાવેશ થાય છે અને આ બાબત ખરેખર આઘાતજનક છે. ટૂંક સમયમાં વધુ નાણા કમાઇ લેવાની લાલચે ઉચ્ચ પ્રશિક્ષિત લોકો પણ કઇ રીતે ગુનાખોરીમાં સંડોવાઇ જાય છે તેનું આ એક ઉદાહરણ છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ દેખીતી રીતે સંદેશ વ્યવહાર અને કદાચ ગુપ્ત રાહે પ્રચાર માટે કરવામાં આવતો હશે. આ કૌભાંડ આચરવા જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ડાર્કનેટ એ એક છુપૂં ઇન્ટરનેટ પ્લેટફોર્મ છે.

જેનો ઉપયોગ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અને પ્રિ-કન્ફીગર્ડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ વડે જ કરી શકાય છે, જે પ્લેટફોર્મનો ઉપયોગ અનામી સંદેશવ્યવહાર માટે, ખાસ કરીને ગેરકાયદે કાર્યો માટે કરવામાં આવે છે. તે ડાર્કવેબના નામે પણ ઓળખાય છે. પુનરોક્તિ દોષ વહોરીને પણ કહેવું પડશે કે ઉચ્ચ પ્રશિક્ષિત લોકો આવા કૌભાંડોમાં સંડોવાય છે તે વધુ મોટી ચિંતાની બાબત છે. ઝડપથી અઢળક નાણા કમાઇ લેવાની લાલચે જ આવા પ્રશિક્ષિત લોકો આવા કૌભાંડો અને ગુનાખોરીમાં સંડોવાતા હોય છે. સોફ્ટવેર એન્જિનિયરોની નિપુણતાનો ઉપયોગ કરીને ડાર્કવેબ પર આ આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું હશે.  ફાયનાન્શ્યલ એનાલિસ્ટ અને એમબીએના જ્ઞાનનો ઉપયોગ વહીવટી અને નાણાકીય બાબતો માટે કરવામાં આવ્યો હશે.

એનસીબીના કર્મચારીએ આ એજન્સીની નજરથી બચવા માટેની તરકીબો પુરી પાડી હશે અને આ રીતે આ આખુ કૌભાંડ ધમધમતું રહ્યું હશે. એ તો દેશના લોકોનું સદભાગ્ય કે કોલકાતામાં ડ્રગ્સનું એક પાર્સલ પકડાયું અને તેમાંથી આ આખું કૌભાંડ બહાર આવી ગયું. નાર્કોટિક્સ અથવા કેફી દ્રવ્યો દેશની યુવા પેઢીને ખોખલી કરી નાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. અનેક કુટુંબો માટે તે આર્થિક પાયમાલીઓ પણ સર્જે છે અને સરવાળે દેશને પારાવાર નુકસાન પહોંચાડે છે. કેફી દ્રવ્યોનો વ્યવસાય એ માનવતા સામેનો જઘન્ય અપરાધ છે છતાં શિક્ષિત લોકો પણ નાણાની લાલચે તે કરતા અચકાતા નથી તે કેટલી આઘાત જનક વાત છે? કેફી દ્રવ્યો સામેના કાયદાઓ વધુ કડક બનાવવામાં આવે તે સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આવા કૌભાંડોમાં થતો અટકાવવા માટે પુરતી તકેદારીની વ્યવસ્થાઓ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

Most Popular

To Top