Business

ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સુરતમાં પોસ્ટરયુદ્ધ: લખ્યું, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન..


સુરત: પાસોદરાની યુવતી ગ્રીષ્મા વેકરીયાના ઘાતકી હત્યા (Grishma murder) બાદ શહેરની જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં છેલ્લાં પંદર-વીસ દિવસમાં હત્યા, લૂંટની વધેલી ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે. ગ્રીષ્માની હત્યાથી લોકોનો ગુસ્સો બહાર આવ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ વરાછાની જનતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પોસ્ટરો મૂકી રોષ વ્યક્ત કર્યો છે.

સોમવારે રાતના અંધારામાં વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે, જેમાં હર્ષ સંઘવીના ચહેરા પર ચોક્ડી મારી છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’, આ ઉપરાંત પોસ્ટર લગાડનારાઓએ સુરતને ક્રાઈમ સિટી તરીકે ચિતર્યું છે. પોસ્ટર (Poster) મુકનારાઓએ ગૃહમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) રાજીનામું (resign) આપે તેવી માંગ કરી છે.

સોમવારે મોડી રાત્રે શહેરના કામરેજ, પૂણા, યોગીચોક, સરથાણા, મિનીબજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટરો કોણે લગાવ્યા એ વિગતો સામે આવી નથી. પરંતુ વીતેલા 15થી 20 દિવસમાં સુરત શહેરમાં જે રીતે એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે તેથી સુરતની જનતા હચમચી ગઈ છે. વિશ્વમાં ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતું શહેર ક્રાઈમ સિટી બનવા લાગ્યું હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે, ત્યારે ગૃહમંત્રીના રાજીનામાની માંગ ઉઠી છે.

તમને જણાવી દઈએ કે ગયા શનિવારથી સોમવારે રાત સુધીમાં જ શહેરમાં 3 હત્યાના બનાવ બની ગયા છે. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ શનિવારે પાસોદરાની સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા વેકરિયાનું ગળું તેના જ પરિવારજનોની નજર સામે ચીરી નાંખ્યું હતું. આ ઘટનાથી સૌરાષ્ટ્રવાસી સમાજ સહિત સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. આજે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આરોપીને આકરી સજાની માંગ કરી હતી. ગ્રીષ્માની હત્યા બાદ રવિવારે જિલાની બ્રિજ પર એક અખબારના તંત્રીને તેની જ પત્નીના કૌટુંબિક ભાઈઓએ દોડાવી દોડાવી પત્ની અને બે બાળકોની નજર સામે ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. અને સોમવારે રાત્રે મિનીબજારમાં ટેબલ મુકવા જેવી સામાન્ય લડાઈમાં એક હીરાદલાલે બીજા હીરા દલાલને પતાવી દીધો હતો. શહેરમાં જે રીતે હત્યા, લૂંટ અને ચોરીની ઘટના બની રહી છે તે જોતાં શહેરમાં પોલીસનો કોઈ જ ધાક રહ્યો નહીં હોય તેવું લાગી રહ્યુંછે.

Most Popular

To Top