Charchapatra

ડીગ્રીના ઢગલા, સાચા શિક્ષકોનો અભાવ

બી.ઍડ્.ના શિક્ષણજગતમાં એક કડવો પ્રશ્ન ઊઠે છે કે ડિગ્રી તો સહેલાઈથી મળી રહી છે, પરંતુ સાચા શિક્ષકો ક્યાં છે? બી.ઍડ્.નો હેતુ શિક્ષકની તાલીમ આપવાનો છે, પરંતુ આજે તે ઘણી જગ્યાએ માત્ર “ઔપચારિકતાનું કેન્દ્ર”બનીને રહી ગયું છે. કાગળ પર પાઠ આયોજન સુંદર લાગે છે, ફાઈલો રંગીન બને છે, પરંતુ વર્ગખંડમાં અપાતું શિક્ષણ? તાલીમાર્થીઓને શીખવવામાં આવે છે કે “નોંધ કેવી રીતે સુંદર તૈયાર કરવી”, પરંતુ “બાળકને કેવી રીતે સમજવું” એ પ્રશ્ન અજવાળામાં આવતો જ નથી. પરિણામે, ડીગ્રી ધરાવતો શિક્ષક મળે છે, પરંતુ પ્રેરણા આપતો શિક્ષક દુર્લભ બની રહ્યો છે.

સમાજ પણ અહીં નિર્દોષ નથી. ડિગ્રીને જ ગુણવત્તાનો માપદંડ માનવાની માનસિકતા, ઝડપી નોકરીની દોડ અને પાસ થવું એટલે પૂરતું જેવી વિચારસરણી આ સમગ્ર બાબતો શિક્ષણને વ્યવસાય બનાવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં શિક્ષણ એક જવાબદારી નહીં, પરંતુ એક વ્યવહાર બની ગયું છે. જો હવે પણ આપણે સમજીશું નહીં, તો ભવિષ્યમાં તાલીમાર્થીઓ બી.ઍડ્.ની સાચી તાલીમથી નહીં, પરંતુ સમાજે ઉપજાવી કાઢેલી ખોટી પદ્ધતિઓથી ઘડાશે. અંતે આ વાસ્તવિકતા જોતાં સમજાશે કે તાલીમાર્થીઓને ડીગ્રી તો મળી પરંતુ તેઓ સાચા શિક્ષક બન્યા ખરા?
સુરત – સાગર અનિલભાઈ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચિંતા તો દરેક માનવીને હોય છે
જીવનની દરેક પળ ચિંતામાં જ વીતે છે. વિદ્યાર્થીકાળથી જિંદગીપર્યંત અનેક પ્રકારના પ્રશ્ર્નો મુંઝવતા હોય છે. પ્રશ્નોનું સમાધાન યેનકેન પ્રકારે મળે છે પણ ધીરજ રાખવામાં આવે તો સમાધાન કરાવનારા સાચા માર્ગદર્શક મળી રહેવા જોઈએ. એમ કહેવાય કે ચિંતા એક જાતનો રોગ છે પણ આ રોગથી કોઈને મુક્તિ મળી નથી અને મળવાની નથી. માટે જીવન પસાર કર્યા વગર છૂટકો નથી.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top