Comments

ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવે એ પહેલાં બિહારથી ભાજપ માટે લાપસીનાં આંધણ મૂકી શકાય એવા સમાચાર આવ્યા છે. બિહારમાં પહેલી વાર ભાજપના મુખ્યમંત્રી સત્તાનાં સૂત્રો સંભાળે છે. સમ્રાટ ચૌધરી નવા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપ માટે આ એક મોટી સિદ્ધિ છે પણ સાથે એક વાત નોંધવા જેવી એ છે કે, ભાજપમાં બીજા પક્ષમાંથી આવી મંત્રી અને મુખ્યમંત્રી બનવા સુધીના કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. ‘બહારનાં’ લોકો ખુરશી પર બેસવા લાગ્યાં છે અને એ કારણે પક્ષનાં કાર્યકર્તાઓમાં એક પ્રકારે અસંતોષ પણ છે. એટલું જ નહીં આ કારણે પક્ષના મૂળ તાણાવાણા છે એ તૂટી રહ્યા છે. જેનું નુકસાન ભવિષ્યમાં થઇ શકે છે. સમ્રાટ ચૌધરીનો ઈતિહાસ સુવિદિત છે. એ પહેલાં આરજેડીમાં હતા. મંત્રી બનેલા પછી જેડીયુમાં આવ્યા અને મંત્રી હતા બાદમાં ભાજપમાં આવ્યા અને હવે મુખ્યમંત્રી બન્યા છે. આવું પ્રમાણ હિન્દીભાષી રાજ્યોમાં ઓછું છે પણ ઇશાન ભારતમાં ઘણું બધું છે. 

શરૂઆત કરીએ બહુચર્ચિત ચહેરો હિમંત બિસ્વા શર્માથી. તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસમાં હતા.  તરુણ ગોગોઈની સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. ૨૦૧૫માં તેઓ ભાજપમાં જોડાયા અને ૨૦૨૧માં આસામના મુખ્યમંત્રી બન્યા. બીજા મુખ્યમંત્રી પણ તપાસનો સામનો કરી રહ્યા છે. અરુણાચલનાં મુખ્યમંત્રી પેમા ખાંડુ. તેઓ મૂળ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યા હતા, ત્યાર બાદ આખો પક્ષ લઈને પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાયા અને અંતે ૨૦૧૬ના અંતમાં ભાજપમાં ભળી ગયા. અત્યારે ભાજપના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. એમની સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઇ છે.

કેટલાક દાખલા વિશિષ્ટ છે. ઉત્તરાખંડમાં વિજય બહુગુણા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા, પરંતુ ૨૦૧૬માં બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. જો કે, તેઓ ભાજપમાં આવ્યા પછી ફરી મુખ્યમંત્રી બન્યા નહોતા, પણ તેમના પક્ષપલટાએ ભાજપને સત્તા મેળવવામાં મદદ કરી હતી. જગદંબિકા પાલ મૂળે કોંગ્રેસનાં નેતા હતાં. ૧૯૯૮માં તેમણે કલ્યાણ સિંહની સરકાર સામે બળવો કરીને માત્ર ૪૮ કલાક માટે મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું (જો કે તે વિવાદાસ્પદ હતું). પાછળથી તેઓ ભાજપમાં જોડાયાં હતાં. જો કે, ભાજપમાં જોડાયા બાદ તેઓ મુખ્યમંત્રી નથી બન્યાં પણ સાંસદ તરીકે કાર્યરત છે.

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારે ભાજપની સરકાર તો બની, પણ મુખ્યમંત્રીપદ માટે ભાજપે પોતાના જ નેતા શિવરાજસિંહ ચૌહાણ પર પસંદગી ઊતારી હતી.ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં અન્ય પક્ષમાંથી આવેલા મુખ્ય ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલમાં તેઓ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં કેબિનેટ મંત્રી  તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

બીજા છે કુંવરજી બાવળિયા. લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા હતા. ૨૦૧૮માં ભાજપમાં જોડાયા બાદ તેમને તરત જ મંત્રીપદ આપવામાં આવ્યું હતું. હાલના મંત્રીમંડળમાં પણ તેઓ કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે. રાઘવજી પટેલ અગાઉ કોંગ્રેસમાં હતા. ૨૦૧૭માં ભાજપમાં આવ્યા બાદ તેઓ સરકારમાં કૃષિ મંત્રી જેવો મહત્ત્વનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસના મુખ્ય દંડક હતા. ૨૦૧૭ની રાજ્યસભા ચૂંટણી વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા. અત્યારે તેઓ મંત્રીમંડળમાં ઉદ્યોગ અને શ્રમ-રોજગાર જેવા મહત્ત્વના વિભાગોના કેબિનેટ મંત્રી છે. ગુજરાતના ૨૫-૨૬ મંત્રીઓના મંડળમાં લગભગ ૨૦% થી ૨૫% મંત્રીઓ એવા હોય છે, જેઓ કારકિર્દીના કોઈ તબક્કે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા હોય.

કેન્દ્રની મોદી સરકારની વાત કરીએ તો ૨૦૨૪માં રચાયેલી કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓની સંખ્યા સારી એવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, રાવ ઇન્દ્રજીત સિંહ અને સર્બાનંદ સોનોવાલ જેવા નેતાઓ અગાઉ કોંગ્રેસ અથવા પ્રાદેશિક પક્ષોમાં હતા. કેન્દ્રના ૭૧ મંત્રીઓમાંથી અંદાજે ૧૫ ટકાથી ૨૦ ટકા  નેતાઓ પાયાના ભાજપી કાર્યકરોને બદલે અન્ય પક્ષોમાંથી આવેલા છે. ભાજપશાસિત રાજ્યોમાં સ્થિતિ જોઈએ તો ઉત્તર-પૂર્વનાં  રાજ્યોમાં ભાજપના મંત્રીમંડળના લગભગ ૪૦ ટકા થી ૫૦ ટકા નેતાઓ એવા છે જેઓ અગાઉ કોંગ્રેસ કે સ્થાનિક પક્ષોમાં હતા. આસામમાં તો મુખ્યમંત્રી પોતે પણ પૂર્વ કોંગ્રેસી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (શિંદે)-NCP (અજિત પવાર) ની સરકાર હોવાથી, મંત્રીમંડળમાં મોટી સંખ્યામાં એવા નેતાઓ છે જેઓ ભાજપની મૂળ વિચારધારાના નથી. મધ્ય પ્રદેશ અને હરિયાણામાં અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓનું મંત્રીમંડળમાં પ્રમાણ આશરે ૨૦% થી ૩૦% જેટલું રહે છે. બીજા પક્ષોના નેતાઓને તોડી પોતાના પક્ષમાં લાવવા અને એથી ભાજપ સત્તા તો મેળવે છે પણ એ કારણે પક્ષનું જે પોત છે, અનુશાસન છે એ તૂટે છે. ભાજપને અત્યારે કોઈ નુકસાન નથી પણ ભવિષ્યમાં ભાજપની વિચારધારા અને પક્ષના તાણાવાણાને જરૂર નુકસાન થઇ શકે છે. પાર્ટી વિથ અ ડીફરન્સ તો એ રહ્યો નથી.

કેજરીવાલની હિંમતને દાદ દેવી પડે
અરવિંદ કેજરીવાલ અન્ના આંદોલનમાંથી જન્મ્યા અને ત્યારથી અત્યાર સુધીમાં એમનામાં ઘણો બદલાવ આવ્યો છે અને એ ચર્ચાસ્પદ રહ્યો છે. એમની સામે અનેક પ્રકારે આક્ષેપો છે. દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે જ એમને શરાબનીતિના મુદે્ અંદર કરી દેવાયા. જેલમાં ખાસ્સો સમય રહ્યા અને બાદમાં કોર્ટે એમને બાઈજજત બારી કર્યા. એમની સામે કોઈ ગુનો બનતો નથી એમ કહ્યું. હવે કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને ત્યાં અદ્ભુત દૃશ્યો રચાયાં છે. ભારતના કાનૂની ઈતિહાસમાં કદાચ પહેલી વાર બન્યું છે કે, કોઈ પૂર્વ મુખ્યમંત્રી પોતાના કેસની પેરવી ખુદ કરતા હોય અને એમણે જજ સ્વર્ણકાન્તા શર્મા સામે દલીલો રજૂ કરી તેઓ પક્ષપાતી બની શકે છે માટે એમણે આ કેસમાંથી હટી જવું જોઈએ એવી દલીલો તર્કબદ્ધ રીતે કરી.

કેજરીવાલે દાવો કર્યો છે કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનાં બાળકો કેન્દ્ર સરકારના પેનલ કાઉન્સિલ (સરકારી વકીલોની પેનલ)માં સામેલ છે. કેજરીવાલે આને ‘હિતોના સંઘર્ષ’નો ગંભીર મામલો ગણાવ્યો છે. કેજરીવાલે સોગંદનામામાં જણાવ્યું છે કે સોલિસિટર જનરલ તુષાર મહેતા, જેઓ આબકારી નીતિ  કેસમાં સીબીઆઈ તરફથી હાજર થાય છે, તેઓ જ આ પેનલ કાઉન્સિલને કેસની ફાળવણી કરે છે. આથી, નિષ્પક્ષ સુનાવણી અંગે શંકા ઊભી થાય છે. કેજરીવાલે આ પહેલાં પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જસ્ટિસ શર્માને આ કેસથી અલગ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, આ મામલે તેમની એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આગળ આ કેસમાં શું બને છે એ રસપ્રદ બનવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top