
દેશમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટેના નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ તા.16મી એપ્રિલથી શરૂ કરી દેવામાં આવ્યો. અગાઉ 2023માં આ બિલ પર જ્યારે મતદાન થયું ત્યારે આ બિલની તરફેણમાં 454 અને વિરૂદ્ધમાં 2 મત પડ્યા હતા. જોકે, તા.17મી એપ્રિલના રોજ બંધારણીય સુધારા પર કેન્દ્ર સરકારને પછડાટ મળતાં મહિલા અનામત બિલ પણ પાસ થઈ શક્યું નથી.
જોકે, આ બિલે ભારતમાં એક નવો જ યુગ શરૂ કર્યો છે. જે મહિલાઓનો યુગ છે. અત્યાર સુધી દેશના રાજકારણમાં મોટાભાગે પુરૂષોનું જ પ્રતિનિધિત્વ હતું પરંતુ હવેથી ઓછામાં ઓછી 33 ટકા મહિલાઓ જ હશે. રાજકીય પક્ષોએ હવે સત્તા માટે મહિલાઓને આગળ કરવી પડશે. આજે ભલે મહિલાઓ માટે અનામત બિલની વાત થતી હોય પરંતુ શરૂઆતમાં મહિલા અનામતનો સૌથી મોટો વિરોધ મહિલા નેતાઓએ જ કર્યો હતો! બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ઘણી મહિલા સભ્યો માનતી હતી કે આઝાદ ભારતમાં મહિલાઓને યોગ્યતાના બળે આગળ આવવું જોઈએ, અનામતની જરૂર નથી.
તેમની દલીલ હતી કે લોકશાહી મહિલાઓને પોતાનું સ્થાન આપી દેશે. પરંતુ સમય જતાં આ આશાવાદ ઓગળી ગયો અને સમજાયું કે સમાજમાં માળખાકીય અવરોધો એટલા મજબૂત છે કે ‘સમાન તક’ની વાત માત્ર કલ્પના જ છે. આથી વિચાર બદલાયો અને 1990ના દાયકા સુધી આવતાં આવતાં મહિલાઓ માટે 33% અનામતની માંગ જોર પકડવા લાગી.
1996માં એચ.ડી. દેવગૌડાની સરકારે સૌપ્રથમવાર આ બિલ રજૂ કર્યું હતું. તે સમયે કોંગ્રેસ, ડાબેરીઓ અને દક્ષિણના પક્ષોએ તેનું સ્વાગત કર્યું. પરંતુ સમાજવાદી પાર્ટી અને ભાજપના જ અંદરના વર્ગો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમાં પણ તે સમયે ભાજપના સાંસદ ઉમા ભારતીએ તો એવી માંગણી કરી હતી કે પંચાયતી રાજની જેમ અહીં પણ પછાત જાતિની મહિલાઓ માટે અલગથી અનામત હોવી જોઈએ. આ માંગણીને કારણે જ ‘ક્વોટા-ઇન-ક્વોટા’ની નવી લડાઈ શરૂ થઈ હતી. 1998માં જ્યારે અટલ બિહારી વાજપેયી સરકારે બિલ ફરીથી રજૂ કર્યું ત્યારે સભ્યોએ સખત વિરોધ કર્યો અને ગૃહની અંદર જ કાયદાની નકલો છીનવીને ફાડી નાખી.
AIADMKના વડા જે. જયલલિતાએ ટિપ્પણી કરી કે, ‘પુરુષો આ બિલના સમર્થનમાં ફક્ત હોઠ હલાવી રહ્યા છે, મનથી તો તેઓ આ બિલને રોકવા જ માંગે છે.’ જનતા દળના નેતા શરદ યાદવે તો એવી વિવાદી ટિપ્પણી કરી કે, ‘અમે એવું નહીં થવા દઈએ કે માત્ર ‘પરકટી મહિલા’ (ટૂંકા વાળવાળી, શહેરી મહિલા) જ સંસદમાં આવે.’ આરજેડીના લાલુ પ્રસાદ યાદવે એવા આક્ષેપો કર્યા કે, આ બિલ લઘુમતીઓ અને પછાતોનું ગળું દબાવી રહ્યું છે. આ વિરોધ એટલો તીવ્ર હતો કે 1999માં સરકાર પડતાં જ આ બિલ રદ થઈ ગયું.
મહિલા અનામત બિલ માટે બાદમાં 2008માં યુપીએ સરકારે ફરી પ્રયાસો કર્યા હતા. જોકે, તેમાં પણ વિરોધીઓ અડી ગયા હતા. શરદ યાદવે સંસદમાં એવું કહ્યું કે, અમારી પાસે સંખ્યાબળ નથી પરંતુ આ બિલનો વિરોધ કરવા માટે હું મરવા તૈયાર છું. જે તે સમયે સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહે આ બિલને નેતૃત્વ ખતમ કરનારું ‘કાવતરું’ ગણાવ્યું હતું. મુલાયમસિંહ એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી કે, ‘ગ્રામીણ મહિલાઓ ‘એટલી આકર્ષક’ હોતી નથી, તેથી ફક્ત ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની પત્નીઓ અને દીકરીઓ જ આગળ આવશે.’ 9 માર્ચ, 2010ના રોજ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે ગૃહમાં ભારે ધમાલ મચી. 7 સાંસદોએ સ્પીકરના પોડિયમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને બિલ ફાડી નાંખ્યું. તેમને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું, પરંતુ લોકસભામાં ક્યારેય રજૂ ન થઈ શક્યું. આખરે 2023માં તમામ રાજકીય પક્ષો સમજી ગયા કે મહિલાઓને અનામત આપ્યા વિના છૂટકો નથી અને તેને કારણે 2023માં આ બિલ પાસ થઈ ગયું હતું.
હવે ખરી કસોટી મહિલાઓની છે. મોટાભાગે એવું થાય છે કે મહિલાઓ ચુંટાયા બાદ તેમના સ્થાને તેમના પતિ જ વહીવટ કરે છે. જેને કારણે ભારે વિવાદો થાય છે. મહિલા અનામતનો અમલ શરૂ થઈ જશે પરંતુ સાથે સાથે આ વાતનો તમામ રાજકીય પક્ષોએ ખ્યાલ રાખવાનો રહેશે કે જે મહિલાઓને ટિકીટ આપવામાં આવે તે મહિલા એટલી સક્ષમ હોવી જ જોઈએ કે જે પોતાના પદની ગરીમાને શોભાવી શકે. જો આવી મહિલાઓ રાજકારણમાં આવશે તો જ આ બિલની સાર્થકતા રહેશે તે નક્કી છે.