Columns

સાચી વાત જણાવી દો

પીહુ હવે ધોરણ દસ પાસ કરી, સ્કૂલ છોડી કોલેજમાં દાખલ થઇ. કોલેજના દિવસો શરૂ થયા, મિત્રો બન્યા, ભણી પણ લીધું અને હવે પીહુનો આજે જોબ પર જવાનો પહેલો દિવસ હતો. ઘણી બધી સૂચનાઓ મળી. ‘ધ્યાન રાખજે.’ ‘પોતાનું કામ મન લગાવીને કરજે’… ‘કૈંક બરાબર ન લાગે તો તરત ઓફિસમાં બોસને કે અમને વાત કરજે.’ ‘કોઈ તારી પર પોતાનું કામ થોપે કે અન્યાય જેવું વર્તન કરે તો સહન કરતી નહીં.’ પીહુએ વિચાર્યું કે આ લોકો તો માત્ર ચિંતા કરે એટલે આટલી સલાહો આપે છે. પીહુ ઓફિસમાં ગઈ તેનો પહેલો પ્રોજેક્ટ અને કામ મળ્યું.

કામમાં કઈ સમજ ન પડતા તે તેની ટીમ લીડર પાસે ગઈ તો તેણે ‘આટલું નથી આવડતું…’ એમ કહીને મજાક ઉડાડી અને કઈ ન શીખવ્યું. પીહુ થોડી ટેન્શનમાં આવી ગઈ. ઘરે જઈ તેણે મમ્મીને વાત કરી, મમ્મીએ કહ્યું, ‘આવું તો થશે કોઈ મદદ કરશે પણ મોટાભાગના નહીં કરે તું જાતે શીખ અને માર્ગ કાઢ અથવા તારા મિત્રોને પૂછ.’ પીહુએ આખી રાત જાગીને કામ કઈ રીતે કરવું તે શીખી લીધું અને બીજે દિવસે ઓફિસમાં જઈને પોતાનું કામ બરાબર કર્યું.  ટીમ લીડરે વિચાર્યું હતું કે આજે પણ તે મને પૂછવા આવશે ત્યારે થોડું વધુ ખીજાઈને પછી શીખવાડીશ પણ પીહુએ પોતાનું કામ બરાબર કરી લીધું. સાંજે પ્રોજેક્ટ હેડે પૂછ્યું, ‘પીહુ તને આ બધું કોણે શીખવાડ્યું.

તારી ટીમ લીડરે?’ પીહુ કઈ ન બોલી… ન હા કે ન ના…તેણે મનમાં વિચાર્યું ભલે ટીમ લીડરે મદદ ન કરી પણ તેમણે મદદ ન કરી એટલે મેં મારી જાતને પુશ કરી વધુ મહેનત કરી જાતે શીખ્યું અને મને બધું આવડી ગયું. ટીમ લીડર પણ ચૂપ જ રહી.  ઘરે જઈને તેણે મમ્મીને કહ્યું, ‘મમ્મી મેં ટીમ લીડરની ફરિયાદ પ્રોજેક્ટ હેડને ન કરી તે સારું કર્યું ને…’ મમ્મીએ કહ્યું, ‘હા દીકરા, આમ તો તે સારું કર્યું પણ હવે પછી યાદ રાખજે આપની સાથે જે કઈ ખોટું થાય અને તેમાંથી આપણે આપણો રસ્તો કાઢી લઈએ તે બહુ સારી વાત છે, પણ આ તારી પહેલી જોબ છે આગળ આવું ઘણું થશે એટલે જે થાય તે સારી રીતે જણાવી દેવું જરૂરી છે.

કોઈને માઠું પણ ન લાગે …તું બધાની ફરિયાદ કરે છે તેમ પણ ન લાગે તે રીતે જણાવી દેવાની આવડત પણ તારે કેળવવી પડશે, આ કોમ્પિટીશનની દુનિયામાં આ બધું પણ શીખવું પડશે. બીજે દિવસે પીહુએ ટીમ લીડરને બધાની સામે મીટીંગમાં થેન્કયુ કાર્ડ આપ્યું અને કહ્યું, ‘તમે ચેલેન્જ આપી કે જાતે શીખો અને કરો એટલે જ હું આ કામ જાતે શીખીને કરી શકી.’ કોઈને ખરાબ ન લાગ્યું પણ બધાને સાચી વાતની ખબર પડી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top