Comments

નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?

એક ગૌરવશાળી રાજકીય પ્રકરણનો કરુણ અંત! બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતીશકુમારની રાજકીય વફાદારીને રેતીની જેમ વારંવાર બદલવાની વૃત્તિ હોવા છતાં તેમની રાજકીય અને વહીવટી સિદ્ધિઓને ઓછી આંકવી ન જોઈએ. તે બિહારના ઇતિહાસમાં એક કડવો પણ રસપ્રદ રાજકીય પ્રકરણને પ્રતિબિંબિત કરે છે, જે કદાચ ધોળા દિવસે કરવામાં આવેલો એવો અત્યંત ખરાબ પ્રકારનો રાજકીય દાવપેચ છે જેની સામે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેની જ સક્રિય ભાગીદારીથી આ પૂર્ણ થયું.

 તેઓ માત્ર આ રાજકીય ષડયંત્રનો હિસ્સો જ ન બન્યા, સ્વેચ્છાએ કે અનિચ્છાએ (એ તો સમય જ બતાવશે), પરંતુ તેમણે રાજકીય ક્ષેત્રના કેટલાક નિયમો ફરીથી લખવાનો પણ પ્રયાસ કર્યો. તે રાતોરાત ગઠબંધન બદલવા કરતાં પણ એક ડગલું આગળની વાત હતી, જેના માટે વિચિત્ર તથા કેટલીક વાર નબળા તર્ક આપીને બધું જ ‘બિહારના કલ્યાણ’ પર આધારિત કરી દેવામાં આવ્યું.

 ખેર, નીતીશબાબુ આખરે સંસદના ઉપલા ગૃહ, જે લોકપ્રિય રીતે રાજ્યસભા તરીકે ઓળખાય છે, તેના માનનીય સભ્ય બની ગયા છે. બિહાર જેવા રાજકીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક રાજ્યની મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવાના બદલામાં તેમને આ પદ મળ્યું છે. જો તેમને ટાંકીને આવેલા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ બનવું એ તેમની રાજકીય કારકિર્દીના સંધ્યાકાળમાં તેમની પ્રબળ ઇચ્છા હતી, જેના માટે તેમને મુખ્યમંત્રીપદ છોડવામાં કોઈ વાંધો નહોતો. આ તેમના નજીકના સાથીઓ માટે પણ ભારે આશ્ચર્યજનક છે, સિવાય કે જેમના પર કેન્દ્રમાં સત્તામાં રહેલાં લોકો સાથે મળીને તેમને પટનાથી નવી દિલ્હી મોકલવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. દુઃખદ પરિમાણો ધરાવતા આ રાજકીય એપિસોડના કેન્દ્રમાં ભાજપના હવે લોકપ્રિય ‘ઓપરેશન લોટસ’નું નવું સ્વરૂપ છે, જેનો સીધો ઉદ્દેશ ચૂંટણી દ્વારા અથવા અન્યથા સત્તા કબજે કરીને પક્ષના પદચિહ્નોનો વિસ્તાર કરવાનો છે.

હાલની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે ચિંતાનો વિષય અને ઊંડી તપાસનો વિષય છે. કુમાર જેવા ચતુર, સક્ષમ અને પ્રામાણિક રાજકીય નેતા ‘ઓપરેશન લોટસ’ના નવા સ્વરૂપની જાળમાં કેવી રીતે ફસાયા? છેવટે, તેમની અંદર રહેલો સમાજવાદી નેતા દાયકાઓથી ભાજપનો સાથી રહ્યો છે અને તેમના અન્ય વૈચારિક સાથીદારો જેમ કે પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસની જેમ તેમના પર પણ કેસરી પક્ષના વિકાસમાં મદદ કરવાનો આરોપ મૂકી શકાય છે.

આ પૃષ્ઠભૂમિમાં સાથી પક્ષને થાળીમાં ધરીને મુખ્યમંત્રીપદ સોંપવાને બદલે તેમને રાજ્યસભામાં મોકલવા કરતાં તેઓ વધુ સારા વ્યવહારના હકદાર હતા.કુમારની મદદ અને સહાય વિના ભાજપ માટે વર્તમાન સ્થિતિએ પહોંચવું શક્ય ન હોત. ભલે ગમે તે કારણો હોય. પોતાના વધુ ચતુર સમાજવાદી મિત્રો, લાલુપ્રસાદ યાદવ અને સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન (જો કે પાસવાન બાદમાં થોડા સમય માટે કેસરી છાવણીમાં જોડાયા હતા)ને પછાડવા માટે. રાજ્યસભાના નવનિયુક્ત સભ્ય પાસે ભાજપ સાથે હાથ મિલાવવા સિવાય કોઈ વિકલ્પ દેખાયો નહીં, જે અંતે તેમના પતનનું કારણ સાબિત થયું છે.

કુમારની નિષ્કલંક છબીએ તેમની સમગ્ર રાજકીય કારકિર્દીમાં તેમને સારી સ્થિતિમાં રાખ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી તરીકે હોય કે કેન્દ્રીય મંત્રી તરીકે, પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા, જેના કારણે તેમને ‘સુશાસન બાબુ’નું બિરુદ મળ્યું હતું. પરંતુ અંતે વ્યવહારુ અને તોડજોડવાળી રાજનીતિની અનિશ્ચિતતાઓએ તેમના મૂલ્ય-આધારિત રાજકીય આધાર પર વિજય મેળવ્યો હોય તેમ લાગે છે. ચોક્કસપણે, કુમારનું મુખ્યમંત્રીપદેથી હટવું અને દિલ્હીની સફર ખૂબ જ સાદગીપૂર્ણ રહી છે. દેખીતી રીતે, તેનાથી તેમને કે તેમના સમર્થકોને કોઈ ખુશી મળી નથી.

તે જ સમયે તેમની નબળી પડતી સ્થિતિએ જનતા દળ (યુ)ના ભવિષ્ય પર પણ એક મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂક્યું છે, કારણ કે,ભાજપના વ્યૂહરચનાકારો તેના રાજકીય આધાર પર નજર રાખી રહ્યા છે. ઓડિશાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કુમારે એ બાબતે ચિંતિત થવું જોઈએ. કારણ કે, ત્યાં પણ સમાન વ્યૂહરચનાકારોએ ભાજપના જૂના અને વિશ્વાસુ સાથી, બીજુ જનતા દળને સક્રિયપણે ખૂણામાં ધકેલી દીધું હતું.

પક્ષના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયક માત્ર તેમના જૂના સાથીના હાથે ચૂંટણીમાં હાર બાદ ઘાયલ નથી, પરંતુ વધુ આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે તેમના પ્રખ્યાત પિતા, ઉચ્ચ કક્ષાના રાજકીય નેતા, સ્વતંત્રતા સેનાની અને ફાઇટર પાઇલટ, બીજુ પટનાયકને ભાજપના એક સામાન્ય નેતા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેણે કથિત રીતે તેમને સીઆઈએ એજન્ટ તરીકે વર્ણવ્યા હતા, પરંતુ દબાણ આવતાં તેઓએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

કુમારને એ વાતનું શ્રેય આપવું જોઈએ કે,તેમણે તેમના જૂના મિત્રો યાદવ અને પાસવાનથી વિપરીત, ખાસ કરીને તેમના પોતાના પરિવારમાં વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું નથી. કારણ કે, તે બંનેનાં સંતાનો હવે તેમના રાજકીય પક્ષોને નિયંત્રિત કરી રહ્યા છે. એવી રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે અથવા ઊભી કરવામાં આવી છે, જ્યાં લાચાર કુમારને તેમના પુત્રને રાજકારણમાં લાવવાની ફરજ પડી છે, જ્યારે એવું નથી લાગતું કે સત્તાની બાગડોર સંપૂર્ણ રીતે તેમના હાથમાં છે.

નીતીશકુમારના સ્થાને મુખ્યમંત્રી તરીકે ભાજપના ઉમેદવાર તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ખાસ કરીને બિહારનાં લોકો માટે બહુ સારા સંકેત નથી, જેમણે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નીતીશકુમારના નામે શાસક ગઠબંધનને બીજી વાર સત્તામાં બેસાડ્યું હતું. જો બિહારનાં લોકો વિશ્વાસઘાતની લાગણી અનુભવે અને રાજ્યમાં સત્તાના વર્તમાન પરિવર્તન માટે તેમને જવાબદાર ગણાવે તો આશ્ચર્ય થવું જોઈએ નહીં. ગમે તે હોય, ચૌધરી માટે કુમારના પગરખામાં પગ મૂકવો એ મુશ્કેલ કાર્ય છે. તેમની શૈક્ષણિક લાયકાત અને વ્યક્તિગત ટ્રેક-રેકોર્ડને લીધે પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા હોવાથી, શું તેમનામાં સ્વતંત્ર નિર્ણયો લેવાની અને નવી દિલ્હીના દબાણનો પ્રતિકાર કરવાની ક્ષમતા છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન છે.

તેમ છતાં, કુમારનો તેમની રાજ્યસભામાં જવાની ‘મહત્ત્વાકાંક્ષા’ પૂરી કરવાનો ‘લાભ’ બિહારનાં લોકો માટે ચોખ્ખું નુકસાન છે કારણ કે, ચૌધરી ભાજપ-આરએસએસના દાયરામાં બહારના વ્યક્તિ હોવાથી આગામી મહિનાઓમાં સંઘ પરિવારના જૂના અને વફાદાર નેતા આ પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top