Gujarat

અમદાવાદ એરપોર્ટ પર 26 લાખના ડોલર સાથે પેસેન્જર ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પર હવાલા મારફત વિદેશમાં નાણાં મોકલવાની ષડયંત્ર બહાર આવ્યું છે. સ્પાઈસ જેટની ફ્લાઈટ દ્વારા અમદાવાદથી દુબઈ જઈ રહેલા એક શંકાસ્પદ પ્રવાસી પાસેથી એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ ૨૮,૮૦૦ યુએસ ડોલર (ભારતીય મૂલ્ય અંદાજે રૂ. ૨૬ લાખ) જપ્ત કર્યા છે.
ડી.આર.આઈ.ની બાતમીના આધારે કસ્ટમ અધિકારીઓએ પ્રવાસીની પૂછપરછ અને બેગેજ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાં કપડાંની અંદર તથા હેન્ડબેગમાં છૂપાવેલા ડોલર મળી આવ્યા હતા. અધિકારીઓ સમક્ષ પ્રવાસી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં હવાલા મારફત દુબઈમાં કોઈ વ્યક્તિને રકમ સોંપવાની હોવાની કબૂલાત કર્યાની માહિતી મળી છે.

એરપોર્ટ ખાતેના કસ્ટમના સૂત્રો અનુસાર ડિસે. 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન અંદાજે રૂ. ૨૫ કરોડથી વધુ મૂલ્યની વિદેશી ચલણી નોટો જુદા જુદા કેસોમાં જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી નાર્કોટિક્સ, સોનાની દાણચોરી અને ફોરેન કરન્સી હેરાફેરીના કેસોમાં વધારો નોંધાતા કસ્ટમ સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
તાજેતરમાં જ ૩ ફેબ્રુઆરીએ જેદ્દાથી અમદાવાદ આવેલી ચાર મહિલાઓ અને એક ટ્રાવેલ એજન્ટને પણ કસ્ટમ અધિકારીઓએ ઝડપી લીધા હતા. તે કેસમાં પાલનપુરના એજન્ટ દ્વારા કુવેટમાં હવાલાથી ચુકવણી કરી અંદાજે રૂ. ૧.૫૨ કરોડના દાગીના મહિલાઓને સોંપવામાં આવ્યા હતા.કસ્ટમ વિભાગ હાલ ઝડપાયેલા મુસાફરની ભૂમિકા, હવાલા નેટવર્ક અને અન્ય સંડોવાયેલા માફિયાઓની વધુ તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર વધતી ગેરકાયદે સોનું, ગાંજો, ચલણી નોટોની દાણચોરી- હવાલા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top