ભારતીય સમાજમાં લગ્ન અંગે જે વ્યવસ્થા છે એના કરતાં જાણે એક જુદા જ પ્રકારની વ્યવસ્થા આવનારા દિવસોમાં ધીમે પગલે આવી રહી હોય એવું લાગે છે. જેના માટે ખાસ કરીને વડીલોએ તૈયાર રહેવું પડશે. યુવાન અને યુવતીઓ હવે લગ્ન પહેલાં પરસ્પર સમજૂતીથી રિલેશનશિપમાં સાથે રહેવાનું પસંદ કરે છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર લીવ-ઇન રિલેશનશિપમાં પુખ્ત વયનાં છોકરા અને છોકરી લગ્ન કર્યા વિના પણ એમની ઈચ્છાથી પારિવારિક વ્યાવહારિક જીવન જીવી શકે છે. કાયદો ભલે એ માટે સંમતિ આપતો હોય એમ છતાં કોઈ પણ માતા-પિતા પોતાના દીકરો કે દીકરી લગ્ન વિના સાથે રહેતાં હોય તો તેને સાહજિકતાથી સ્વીકારી શકતાં નથી.
નાછૂટકે અને નિ:સહાય થઈને વડીલોએ સ્વીકાર કરવો પડે એ અલગ વાત છે. ઘણાં યુવાનો અને યુવતીઓ એવું માને છે કે લગ્ન કરીને દુઃખી થવા કરતાં લીવ-ઇન રિલેશન એ યોગ્ય વિકલ્પ છે. તાજેતરનાં વર્ષોમાં આ ખ્યાલ ફક્ત મેટ્રો સિટીમાં જ નહીં પરંતુ મિની મેટ્રો સિટીમાં પણ સામાન્ય બનતો જાય છે. લિવ-રિલેશનશિપમાં લગ્ન પહેલાં યુવાન અને યુવતી સાથે રહીને એકબીજાને સમજવા કે ઓળખવા પ્રયત્ન કરે છે પછી ઠીક લાગે તો લગ્નગ્રંથીથી જોડાય છે અથવા નહીં ફાવે તો છૂટાં પડી જાય છે. આ નૂતન ખ્યાલ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી.
નવસારી – ડૉ.જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે