Vadodara

પાણીગેટ શાકમાર્કેટની બહાર ઓટલાના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા : વડોદરા શહેરમાં મેયર અને મ્યુ.કમિશનરની મુલાકાત બાદ દબાણો હટાવવાની કામગીરીનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. પરંતુ મંગળબજારની દુકાનો બહાર દબાણો યથાવત રહેતા કામગીરી સામે સવાલો ઊઠવા પામ્યાં છે. બીજીતરફ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં દબાણો થતા દબાણ શાખાની ટીમ પાણીગેટ શાકમાર્કેટ ખાતે ત્રાટકી હતી. જ્યાં ઓટલા પર ગેરકાયદેસર ઊભા કરાયેલા લારી પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જો ફરીથી દબાણો કરવામાં આવશે તો કાર્યવાહી કરવા દબાણ ધારકોને અંતિમ ચેતવણી પણ આપી હતી.

તાજેતરમાં જ વડોદરા મહાનગર પાલિકાના મેયર , ડે. મેયર, મ્યુ.કમિશનરે પાલિકાના અધિકારીઓ અને પોલીસને સાથે રાખી મંગળબજાર, લહેરીપુરા વિસ્તારમાં ઓચિંતી મુલાકાત કરી જાહેર માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા ગેરકાયદેસર દબાણો કરતા લારી ગલ્લા, પથારા ધારકોને દબાણો નહીં કરવા સૂચના આપી હતી. તેમજ જો ફરીથી દબાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. પરંતુ આ કાર્યવાહી બાદ પણ દબાણો યથાવત જોવા મળ્યા છે. જ્યારે બીજી તરફ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં પણ દબાણો કરવામાં આવ્યા હોવાની માહિતીને આધારે પાલિકાની દબાણ શાખા અને ટીમ એકશનમાં આવી હતી.

પોલીસ બંદોબસ્તને સાથે રાખી પાણીગેટ શાક માર્કેટ ખાતે પહોંચતા દબાણ ધારકોમાં નાસભાગ મચી હતી. જ્યારે શાકમાર્કેટ બહાર ઓટલા ઉપર ગેરકાયદેસર પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે દબાણ શાખાના અધિકારીઓ દ્વારા માત્ર લોખંડના સળીયા કબજે કરી સંતોષ માન્યો હતો તેમજ દબાણ બાળકોને જો ફરીથી અહીં દબાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. દબાણ શાખાની બે જુદી જુદી ટીમો દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જે પૈકીની બીજી એક ટીમે મંગળ બજાર લેરીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા કાર્યવાહી પૂર્વે દબાણો સમેટાઈ ગયા હતા. જ્યારે બીજીતરફ અતિભરચક ગિર્દી ધરાવતા એવા મંગળબજારમાં આવેલી દુકાનો બહાર વેપારીઓ દ્વારા લટકણીયા સહિતના દબાણો યથાવત જોવા મળ્યા હતા.

Most Popular

To Top