Sports

સનરાઇઝર્સનો મુંબઇ સામે માત્ર ત્રણ રને વિજય

મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહી રમાયેલી મેચમાં રાહુલ ત્રિપાઠીની આક્રમક અર્ધસદી તેમજ પ્રિયમ ગર્ગ અને નિકોલસ પૂરન સાથેની તેની અર્ધશતકીય ભાગીદારીઓની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે મૂકેલા 194 રનના લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સ 7 વિકેટે 190 રન સુધી જ પહોંચતા સનરાઇઝર્સ હૈદરાબાદનો 3 રને વિજય થયો હતો.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી મુંબઇને રોહિત શર્મા અને ઇશાન કિશને આક્રમક શરૂઆત અપાવી હતી, જો કે સારી શરૂઆતને તેઓ મોટી ઇનિંગમાં ફેરવી શક્યા નહોતા અને 95 રને પહેલી વિકેટ ગુમાવ્યા પછી તેમણે ઝડપભેર વિકેટ ગુમાવતા મુંબઇનો સ્કોર 5 વિકેટે 144 રન થયો હતો. 18મી ઓવરમાં ટિમ ડેવિડે ચાર છગ્ગા સાથે 26 રન બનાવીને મુંબઇને જીતની નજીક મૂક્યું હતું પણ તે રનઆઉટ થતાં બાજી પલટાઇ અને સનરાઇઝર્સ 3 રને મેચ જીત્યું હતું.

મુંબઇએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી સનરાઇઝ્રર્સનો ઇનફોર્મ બેટ્સમેન અભિષેક શર્મા શરૂઆતમાં જ આઉટ થયો હતો. જો કે પ્રિયમ ગર્ગે તે પછી રાહુલ ત્રિપાઠી સાથે મળીને 10ની એવરેજથી રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 78 રનની ભાગીદારી થઇ હતી. ગર્ગ 26 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો. તે પછી ત્રિપાઠી અને નિકોલસ પૂરન વચ્ચે 76 રનની ભાગીદારી થઇ હતી. પૂરન 38 રન કરીને આઉટ થયો હતો, જ્યારે ત્રિપાઠી 44 બોલમાં 76 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે પછી એડન માર્કરમ, કેન વિલિયમ્સન ક્રિઝ પર હોવા છતાં તેઓ 200 પાર પહોંચી શક્યા નહોતા અને અંતે છ વિકેટે 193 રને તેમનો દાવ પુરો થયો હતો.

Most Popular

To Top