World

પાકિસ્તાને એક ડેમ બનાવવા રૂ. 9 અબજ ફંડ ઊભું કર્યું ને તેની જાહેરાતો પાછળ ખર્ચ્યા રૂ. 14 અબજ!

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની (Pakistan) સંસદે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારને ઉચ્ચ ન્યાયિક પદ પર તેમના સમય દરમિયાન સ્થાપિત દિયામેર-ભાષા ડેમ ફંડ (Fund) અંગે સમજૂતી આપવા માટે બોલાવ્યા છે. 2018માં ડેમ પાણીની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરશે તેમ કહીને તેમણે પ્રોજેક્ટ માટે ક્રાઉડ-ફંડિંગ શરૂ કર્યું હતું. જ્યારે હાલમાં પાકિસ્તાન આપત્તિજનક પૂરના કારણે સર્જાયેલી સ્થિતિથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ડેમના નિર્માણ માટે એકત્ર કરાયેલા ભંડોળ પર એક કૌભાંડ બહાર આવ્યું છે, જે ઇમરાન ખાન અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારના ભૂતપૂર્વ વહીવટ પર આંગળી ચીંધે છે.

સિંધુ નદી પર દિયામેર-ભાષા ડેમના નિર્માણ માટેના એકત્ર કરાયેલા ભંડોળ પર પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે, વિનાશક પૂરના કારણે પાકિસ્તાનની મોટા ભાગની ફળદ્રુપ જમીન પરનાં સેંકડો ગામો ડૂબી ગયાં છે, જેમાં 1,500 લોકો માર્યા ગયા છે. જેમાંથી લગભગ અડધાં બાળકોનો સમાવેશ થાય છે. તેમ જ 3.3 કરોડથી વધુ લોકો ઘરોવિહોણા થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ”તાજેતરના ઈતિહાસમાં દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડનારું પૂર છે અને પૂરનાં પાણીને ઓછું થવામાં ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે.” દરમિયાન, સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી)એ પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (સીજેપી) મિયાં સાકિબ નિસારને ઉચ્ચ ન્યાયિક પદ પર તેમના સમય દરમિયાન સ્થાપિત દિયામેર-ભાષા ડેમ ફંડ અંગે સ્પષ્ટતા આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

તત્કાલીન સીજેપી નિસાર જુલાઈ 2018માં ફંડ શરૂ કરીને દિયામેર-ભાષા અને મોહમંદ ડેમ માટે દાન એકત્ર કરવાની પહેલ કરી હતી. જે પછીથી તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન આ પ્રોજેક્ટમાં જોડાયા હતા અને તેને દેશની પાણીની અછતને દૂર કરવા માટે એક સંયુક્ત સાહસ બનાવ્યું હતું. પીએસીના સદસ્ય અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના બરજીસ તાહિરે ડોનના અહેવાલ મુજબ દાવો કર્યો હતો કે, દાન માટે 9 અબજ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ 14 અબજ રૂપિયા તેની જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.

ડેમના નિર્માણ માટે વિવિધ માર્ગોમાંથી દાન આવ્યું હતું. વાઇસ અહેવાલ આપે છે કે, સેનાએ 1 અબજ રૂપિયા આપવા માટે તેમના પગારનો એક ભાગ છોડી દીધો હતો. વધુમાં, રાજ્યોના કર્મચારીઓનો પગાર કાપવામાં આવ્યો હતો, જે સીધા ડેમ માટે દાન તરીકે ગયો હતો. દેશની ક્રિકેટ ટીમ અને અન્ય પ્રખ્યાત સંગીતકારોએ પણ યોગદાન આપ્યું હતું. 2018માં પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટન સરફરાઝ અહમદે જાહેરાત કરી હતી કે, દરેક ખેલાડી 2-2 લાખ રૂપિયા અને ટીમ કુલ 32 લાખ રૂપિયાનું યોગદાન આપશે. જાણીતા ગાયક આતિફ અસલમે 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
જોકે, ચીફ જસ્ટિસ સાકિબ નિસારની નિવૃત્તિ બાદ જેમણે ખૂબ જ ઉત્સાહ સાથે સાહસ શરૂ કર્યું હતું એ તમામ પક્ષોએ ફંડમાં રસ ગુમાવ્યો હતો અને દાન લગભગ શૂન્ય થઈ ગયું હતું.

Most Popular

To Top