SURAT

વિવર્સના વીજ પ્રશ્નો ઉકેલવા ઊર્જા મંત્રીનો DGVCLને દરેક ડિવિઝનમાં નોડલ ઓફિસર નિમવા આદેશ

સુરત : કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત (Surat) જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાના વિવર્સ એસોસિયેશનોના પ્રમુખો પ્રતિનિધિઓના વીજ પ્રશ્નો અંગે આજે વિવર્સ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ બેઠકમાં મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સૌને સાથે રાખીને પ્રશ્નોનું હકારાત્મક દિશામાં ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરી રહી છે. સુરત શહેરની ફરતે બની રહેલા આઉટર રિંગરોડના પ્રત્યેક 10 કિ.મી. વિસ્તારમાં 66 કે.વી. સબ સ્ટેશનોનું નિર્માણ થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને આડે હાથ લેતા ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, સાયણ, પીપોદરા, સચિન, લસકાણા વિસ્તારના ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પાવર ટ્રીપિંગનો સમયમર્યાદામાં નિકાલ થવો જોઈએ. નવા સબ સ્ટેશનોનું નિર્માણ, નવા ટ્રાન્સફોર્મરો, ઓવર લોડ અંગે નોટિસો પાઠવ્યા બાદ દંડનીય કાર્યવાહી થાય, ટ્રાન્સફોર્મરોની ફરતે પ્રોટેક્શન કેપ લગાડવામાં આવે તેવી રજુઆતો બાબતે તેમણે તાકીદે સંબધિત અધિકારીઓને કાર્યવાહી કરવાની સુચના આપી હતી.

આ ઉપરાંત ખાનગી ઈન્ડસ્ટ્રીઝને ડીઆઈસીસી યોજના હેઠળ આવરી લેવાની રજુઆત સંદર્ભે સર્વેની કામગીરી કરવા અધિકારીઓને સુચનાઓ આપી સત્વરે વિભાગીય કચેરીઓ, ડિવીઝન વાઈઝ રજુઆતો, ફરિયાદો સાંભળવા માટે તત્કાલ નોડલ અધિકારી નિમણૂંક કરવા ડીજીવીસીએલના અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત માસ મેન્ટેનન્સનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું. સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે વિવરોના પ્રશ્નો ઉકેલવા ઊર્જા મંત્રીએ દરેક ડિવિઝનમાં નોડલ ઓફિસર નિમવા આદેશ આપ્યો છે. વીજળીના ઝાટકા, વીજ ભાર વધારો, તત્કાલિક અરજીનું નિરાકરણ લાવવા અધિકારીઓને આદેશ આપ્યાં છે. બેઠકમાં ડીજીવીસીએલના એમ.ડી.સ્નેહલ ભાપકર, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયા, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, પીપોદરા, સાયણ, લસકાણા એસોસિયેશનના પ્રમુખો, પ્રતિનિધિઓ, જેટકો, ડીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉર્જા મંત્રીએ જરૂરી સ્ટાફ અને માલસામગ્રીની વ્યવસ્થા કરવાની કડક સૂચના આપી
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ ફરિયાદ કરી હતી કે, છેલ્લા 3 માસથી નવા વીજ જોડાણ, હયાત વીજ જોડાણના લોડમાં વધારો કરવા તથા વીજ જોડાણની નવી અરજીઓ વીજ કંપની સ્વીકારાતી નથી. ફોગવાની રજુઆત પછી ઉર્જા મંત્રીએ જ્યાં સ્ટાફ અને માલસામગ્રી જેવી કે ટ્રાન્સફોર્મર, કૅબલ અને થાંભલાના અભાવે કામ અટકતું હોઈ ત્યાં જરૂરી સ્ટાફ અને આ માલસામગ્રીની વ્યવસ્થા કરવાની કડક સૂચના આપી હતી.

Most Popular

To Top