Top News

More Posts

   The Latest

Most Popular

અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો અધિકાર અને જવાબદારી સિક્કાની બે બાજુ જેવાં છે. જો મીડિયા દ્વારા તેને મળેલી આઝાદીનો દુરુપયોગ કરવામાં આવે તો સરકારને સેન્સરશીપ લાદવાની ફરજ પડે છે. સરકાર પણ મીડિયાના દુરુપયોગનું બહાનું કાઢીને તેને મોઢે તાળું મારવા કાયમ આતુર હોય છે.

ભારતમાં અખબારો અને ટી.વી.ના કાર્યક્રમો ઉપર સરકારનો એક પ્રકારનો કાબૂ હતો, પણ સોશિયલ મીડિયા હજુ સુધી આઝાદી ભોગવતું હતું. ભારતમાં સોશિયલ મીડિયાનો ઝડપી વિકાસ થયો, પણ આપણી સરકાર તેના પર નિયંત્રણ મેળવવા કાયદાઓ ઘડવાની બાબતમાં પાછળ રહી ગઈ હતી.

સોશિયલ મીડિયાની જેમ ઓવર ધ ટોપ (ઓટીટી) મીડિયાએ પણ હવે કાઠું કાઢ્યું છે. ઓટીટી મીડિયામાં જે સિરિયલો બતાડવામાં આવે છે તે બિભત્સતાનાં તમામ ધારાધોરણોનો ભંગ કરનારી હોય છે. આ સિરિયલો પ્રજાની ધાર્મિક લાગણીઓ પણ દુભવતી હોવાનું જોવા મળ્યું છે.

વળી ટ્વિટર અને વ્હોટ્સ એપ જેવાં માધ્યમો પર સરકારની નીતિઓની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવે છે તેને કારણે પણ સરકાર નારાજ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધની કન્ટેન્ટ રોકવા માટે સરકાર પાસે કોઈ અસરકારક હથિયાર નહોતું. હવે સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી મીડિયાના ગળામાં ધૂંસરી નાખવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે.

આ નિયમો દ્વારા સોશિયલ મીડિયા તથા ન્યૂઝ પોર્ટલો ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પણ સરકારી નિયંત્રણ હેઠળ આવી જશે. દાખલા તરીકે વ્હોટ્સ એપ પર કોઈ સરકારવિરોધી સંદેશો મૂકવામાં આવશે તો સરકાર તેના સંચાલકોને કહેશે કે આ સંદેશો ક્યાંથી પેદા થયો છે તે જણાવો.

વ્હોટ્સ એપના સંચાલકોને ૭૨ કલાકમાં તે સંદેશાના ઉદ્ગમસ્થાનની માહિતી સરકારને આપવી પડશે. આ રીતે વ્હોટ્સ એપના સંદેશાની ગુપ્તતાનો ભંગ થશે. સરકાર તેનો ઉપયોગ વિરોધીઓને હેરાન કરવા માટે કરી શકે છે. જો કે નવા નિયમો થકી બિભત્સતા પર નિયંત્રણ આવશે, એવી આશા પણ રાખી શકાશે.

વર્તમાનમાં કોઈ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવી હોય તો સેન્સર બોર્ડ સમક્ષ તેને રજૂ કરવી પડે છે અને સર્ટિફિકેટ લેવું પડે છે. ટી.વી.ની ચેનલ પર કોઈ પણ સિરિયલ રજૂ કરવી હોય તો તેના માટે પણ નિયમો છે.

આ નિયમોનો ભંગ કરનારા પર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. કોઈ પણ અખબાર પ્રસિદ્ધ કરવું હોય તો તે માટે પણ પ્રેસ કાઉન્સિલના નિયમો માનવા પડે છે. પરંતુ આ નિયમો ઓનલાઇન અખબારો અને ન્યૂઝ પોર્ટલોને લાગુ પડતા નથી. હવે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો મુજબ જે નિયમો અખબારોને લાગુ પડે છે તે ટી.વી.ની ન્યૂઝ ચેનલોને અને ઇન્ટરનેટ પરના ન્યૂઝ પોર્ટલોને પણ લાગુ પડશે.

કોઈ પણ ઓનલાઇન મીડિયા પર આપણા દેશની સાર્વભૌમતા અને અખંડતા ઉપર પ્રહાર કરે તેવા કાર્યક્રમો કે સમાચારો બતાડી શકાશે નહીં. જે સમાચારોથી દેશની સુરક્ષા ખતરામાં આવી પડે કે આપણા પડોશી દેશો સાથેના સંબંધો કથળે તેવા કાર્યક્રમો પણ બતાડી શકાશે નહીં.

જે સમાચારો કે કાર્યક્રમો દ્વારા દેશમાં પણ હિંસા પ્રજ્વળી ઊઠે તે બતાડી શકાશે નહીં. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની લાગણી દુભવે તેવા કાર્યક્રમો કે સમાચારો પણ પ્રસારિત કરી શકાશે નહીં. વળી કોઈ પણ મીડિયામાં કોઈ પણ વ્યક્તિને પૂર્ણપણે કે આંશિકપણે નગ્નાવસ્થામાં બતાડી શકાશે નહીં.

કોઈ પણ જાતની જાતીય ક્રીડાને તેમાં સ્થાન નહીં હોય. કોઈ પણ મહિલાના ફોટોમાં છેડછાડ કરીને તેને નગ્નાવસ્થામાં બતાડી શકાશે નહીં. વર્તમાનમાં ઓટીટી પ્લેટફોર્મ પર જે અશ્લીલતાનું પૂર આવ્યું છે તે આ નિયમથી કદાચ કાબૂમાં આવી શકશે.

સરકારે ડિજિટલ મીડિયા માટે જે નિયમો નક્કી કર્યા તેનો અમલ કરવાની જવાબદારી પણ તે મીડિયાના સંચાલકો ઉપર જ નાખી છે. તેના માટે ત્રિસ્તરી વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. પહેલા તબક્કામાં કાર્યક્રમ બનાવનાર જ નિયમોનું પાલન કરીને કાર્યક્રમો બનાવશે.

બીજા તબક્કામાં તે મીડિયાના સંચાલકો દ્વારા સેન્સર બોર્ડ જેવી સંસ્થા બનાવવામાં આવશે, જેના અધ્યક્ષ કોઇ રિટાયર્ડ જજ હશે. જો કોઈ પણ પ્લેટફોર્મ પર સરકારી ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવશે તો તેની ફરિયાદ આ સંસ્થા સમક્ષ કરવાની રહેશે. ફરિયાદ કરવામાં આવે તેના ૨૪ કલાકમાં કાર્યક્રમ હટાવી લેવાનો રહેશે.

જો મીડિયાની સંસ્થા ફરિયાદનો નિકાલ કરવામાં નિષ્ફળ જાય તો સરકાર દ્વારા તેના માટે મંચ બનાવવામાં આવશે. સરકાર દ્વારા ફરિયાદોના નિવારણ માટે ઉચ્ચ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. તેના સમક્ષ કોઈ પણ ફરિયાદનો ૭૨ કલાકમાં નિકાલ કરવામાં આવશે. જો સરકારી અધિકારી પણ ફરિયાદનો નિકાલ ન કરી શકે તો કોર્ટમાં ફરિયાદ કરવાની રહેશે.

વર્તમાનમાં ભારતમાં ફેસબુક, ટ્વિટર, યુ ટ્યૂબ, વ્હોટ્સ એપ,ઇન્સ્ટાગ્રામ, એમેઝોન વગેરે મીડિયા બહુ પાવરફુલ બની ગયા છે. જો આ તમામ મીડિયાનો સરવાળો કરવામાં આવે તો તેના વપરાશકારોની સંખ્યા ભારતની વસતિ કરતાં પણ વધી જાય છે. સરકાર પણ તેનું નિયંત્રણ કરવામાં કઠિનાઇનો અનુભવ કરી રહી છે.

તાજેતરમાં જ્યારે નવી દિલ્હીની સરહદ પર કિસાન  આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેના સમર્થનમાં ટ્વિટર પર સંદેશાઓનો ધોધ ચાલતો હતો. સરકારે ટ્વિટરના સંચાલકો પર કિસાનોના આંદોલનને લગતા ૧૫૦૦ હેન્ડલો દૂર કરવા માટે દબાણ કર્યું હતું.

ટ્વિટરે શરૂઆતમાં સરકારની માગણી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, પણ સરકાર દ્વારા દબાણ વધારવામાં આવતાં છેવટે તેણે ૧૫૦૦ હેન્ડલો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

થોડા સમય પહેલાં ફેસબુક, યુ ટ્યૂબ અને ટ્વિટર પર કોરોનાને કાવતરું ગણાવતા સંદેશાઓનો મોટો પ્રવાહ વહેતો થયો હતો. તેમાં મુખ્યત્વે ડો. બિશ્વરૂપ ચૌધરી અને ડો. તરુણ કોઠારીના વીડિયો હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવિદ-૧૯ સાધારણ ફ્લુથી વિશેષ બીમારી નથી; પણ મલ્ટિનેશનલ કંપનીઓ પોતાની વેક્સિન વેચવા તેને ભયંકર સ્વરૂપ આપી રહી છે.

ભારત સરકારે આ વીડિયો સામે ફરિયાદ કરીને તેને સોશિયલ મીડિયામાંથી હટાવી લેવાની ફરજ પાડી હતી. નવા નિયમો દ્વારા સરકારને કોઈ પણ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની સત્તા મળી જાય છે.

આ કાર્યક્રમ દેશના હિતોની વિરુદ્ધ છે, તેવો આક્ષેપ કરીને તે તેને બ્લોક કરાવી શકે છે. સરકાર આ નિયમોનો ઉપયોગ ભિન્ન મતને કચડવા માટે પણ કરી શકે છે. તેના વડે જો નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઝૂંટવાઇ જાય તો તેમણે કોર્ટના દરવાજા ખટખટાવવા પડશે.

કોઈ પણ મીડિયા પર લાદવામાં આવતી સેન્સરશિપ બેધારી તલવાર જેવી હોય છે. જો સરકાર મીડિયા પર સેન્સરશીપ ન લાદે તો તેનો ઉપયોગ દેશના ટુકડા કરવા માટે અને યુવા પેઢીને ગુમરાહ કરવા માટે થઈ શકે છે.

જો સરકારને સેન્સરશીપ લાદવાની સત્તાઓ આપવામાં આવે તો તેનો ઉપયોગ ભિન્ન મતને કચડવા માટે પણ થઈ શકે છે. ભિન્ન મત લોકશાહીનો પ્રાણ છે. જો સરકારની કોઈ નીતિ પ્રજાનું અહિત કરનારી હોય તો પ્રજાને તેનો વિરોધ કરવાનો અધિકાર છે.

દિશા રવિના કેસમાં બન્યું તેમ સરકાર ભિન્ન મત ધરાવનારને દેશદ્રોહી ગણાવીને જેલમાં પૂરી શકે છે. ડિજિટલ મીડિયા માટે જે નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે તેના થકી સરકારને ઘણી બધી સત્તાઓ મળી જશે. આ સત્તાનો ઉપયોગ તે સમરમુખત્યાર બનવા માટે પણ કરી શકે છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
To Top