SURAT

કોર્ટમાં પણ કોરોનાનો ભય થવા લાગ્યો : બપોરે ત્રણ વાગ્યે જ કોર્ટ કેમ્પસ ખાલી

સુરત(Surat): શહેરમાં વધતા જતા કોરોનાના (Corona) કેસ વચ્ચે સુરતની કોર્ટ (Court) કેમ્પસમાં પણ કોરોનાનો ભય દેખાવા માંડ્યો છે. જ્યાં સાંજે પાંચ વાગ્યે પણ કોર્ટ પાર્કિંગ (Parking) ભરેલું રહેતું હતું અને કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હતા ત્યાં બપોરે ત્રણથી ચાર વાગ્યામાં જ કોર્ટ કેમ્પસ (Campus) ખાલી જોવા મળી રહ્યું છે. એક તરફ સુપ્રીમ કોર્ટે તમામ કેસોનું ઓનલાઇન હીયરિંગ શરૂ કરી દીધું છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ માત્ર જરૂરિયાત મુજબના વકીલોને જ બોલાવીને હાઇકોર્ટમાં પણ વર્ચ્યુઅલ હીયરિંગ શરૂ કરી દેવાયું છે. પરંતુ હાલમાં સુરતની જિલ્લા કોર્ટમાં ઓફલાઇન હીયરિંગ શરૂ જ રહેતા કેટલાક વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સુરત જિલ્લા વકીલમંડળના પ્રમુખ રમેશ કોરાટે જણાવ્યું હતું કે, આવતીકાલે આ મામલે કાઉન્સિલ સભ્યોની મીટિંગ યોજવામાં આવી છે. જેમાં જરૂરી લાગે તે પ્રમાણે રજૂઆત કરીને યોગ્ય ઠરાવ પણ કરવામાં આવશે.

  • એક વકીલ અને તેના પરિવારના બે સભ્યને એકસાથે કોરોના પોઝિટિવ આવતાં વકીલોમાં ખળભળાટ
  • સુપ્રીમ કોર્ટે તમામ કેસોનું ઓનલાઇન હીયરિંગ શરૂ કરી દીધું
  • સુરતની જિલ્લા કોર્ટમાં ઓફલાઇન હીયરિંગ શરૂ જ રહેતા કેટલાક વકીલોમાં નારાજગી

લાજપોર જેલમાં આવતા-જતા કેદીઓ હોટસ્પોટ બને તેવી શક્યતા

વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેમને સમયાંતરે કોર્ટમાં હાજર કરવામાં આવે છે. પરંતુ આ કેદીઓને પણ આગામી દિવસોમાં વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. જો કેદીઓને કોર્ટમાં લાવવામાં આવે અને કોઇને પોઝિટિવ આવે તો તેઓ કોર્ટમાં હોટ સ્પોર્ટ બને તેવી સ્થિતિ છે. આ ઉપરાંત હવે પોલીસ દ્વારા પણ જે-તે ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓને રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જેલમાં મોકલી રહ્યાની વિગતો પણ મળી છે.

Most Popular

To Top