Surat Main

સુરતમાં કોરોનાની જેટ ગતિ : 6 માસમાં 1199, હવે 6 દિવસમાં 2728 કેસ

સુરત(Surat): શહેરમાં કોરોનાએ (Corona) ફરી એકવાર અજગરી ભરડો લઈ લીધો છે. કોરોના કેસની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને હજી આવનારા દિવસોમાં કોરોનાના કેસ તમામ રેકોર્ડ બ્રેક (Record Brack) કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. શહેરમાં કોરોનાની બીજી લહેર વખતે પણ કેસની સંખ્યા વધવામાં ઘણી વાર લાગી હતી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. શહેરમાં વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. તેમ છતાં સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. નિષ્ણાતોના મત પ્રમાણે આ લહેરમાં હળવાં લક્ષણો રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. પરંતુ શહેરમાં હવે હોસ્પિટલાઈઝેશન પણ વધી રહ્યું છે. જેથી શહેરીજનો વધુ ને વધુ સાવચેતી રાખે તેવી અપીલ સતત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં બીજી લહેર પૂર્ણ થયા બાદ પ્રતિદિન માત્ર પાંચથી ઓછા કેસ નોંધાતા હતા. અને છેલ્લા 6 માસમાં શહેરમાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલ હતો. પરંતુ ત્રીજી લહેરની શરૂઆત થતાં જ છેલ્લા 6 માસમાં નોંધાયેલા કેસ કરતાં ડબલ કેસ તો છેલ્લા 6 જ દિવસમાં નોંધાઈ ચૂક્યા છે.

શહેરમાં 1 જુલાઈથી 31 ડિસેમ્બર દરમિયાન કુલ 1199 કેસ નોંધાયા હતા. કારણ કે, શહેરમાં બીજી લહેર પૂર્ણ થયા બાદ પ્રતિદિન કોરોનાના 2થી 3 જેવા જ કેસ નોંધાતા હતા અને આરોગ્ય તંત્ર માટે બિલકુલ શાંતિનો માહોલ હતો. તેમજ શહેરીજનો પણ બિમધાસ્ત માહોલમાં હતા. પરંતુ હવે કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. સંક્રમણ થવાનો દર ખૂબ જ ઝડપી થયો છે. અને શહેરમાં છેલ્લા 6 જ દિવસમાં એટલે કે, 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી દરમિયાન જ 2728 કેસ નોંધાઈ ચૂક્યા છે.

ડિસેમ્બરમાં પોઝિટિવિટી રેટ 1થી 2 ટકા જેટલો હતો, જે હવે વધીને 6.5 ટકાએ પહોંચ્યો
શહેરમાં છેલ્લા 6 માસથી કોરોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાતા હતા. જેથી પોઝિટિવિટી રેટ પણ ખૂબ જ ઓછો હતો. ડિસેમ્બરના અંતમાં પોઝિટિવિટી રેટ 1 જ ટકા હતો. પરંતુ જાન્યુઆરી માસની શરૂઆતથી જ કોરોનાના કેસમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. આથી પોઝિટિવિટી રેટ વધીને 6.5 ટકા પર પહોંચ્યો છે. આવનારા દિવસોમાં આ રેટ વધશે તેમ જાણવામાં આવ્યું છે.

શહેરમાં ટેસ્ટિંગ વધારી 17,000 કરાયું
શહેરમાં હવે ટેસ્ટિંગ પણ સઘન કરાયું છે. મનપા દ્વારા બીજી લહેર વખતે પણ 3-ટી એપ્રોચ પર કામ કરવામાં આવ્યું હતું. 3-ટી એટલે (ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ) પર હાલમાં પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં જેટલા પણ પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. તેમનાં ટ્રેકિંગ ઝડપથી કરવામાં આવી રહ્યાં છે અને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં શહેરમાં પ્રતિદિન 7000 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા અને તેમાં વધારો કરાયો છે અને હવે પ્રતિદિન 17,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top