Vadodara

માંજલપુરમાં ઘરમાંથી રૂા.89 હજારની માલમત્તાની ચોરી

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર દરવાજાને તાળુ મારી ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો આવી મકાનમાંથી કુલ રૂ.89 હજારની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. આ મામલે માંજલપુર પોલીસે ઘરફોડ ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, માંજલપુર વિસ્તારની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા વિનોદ નન્નઈ ગીરી(ઉ.વ.28) રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને તેમના પત્ની મકરપુરા જીઆઈડીસીમાં આવેલ લીજ્જત પાપડમાંથી લોટ ઘરે લાવી પાપડ વણવાનું કામ કરે છે. ગત રોજ રાત્રે તેઓ 10 વાગ્યાની આસપાસ તેમના મકાનની નીચે આવેલા રસોડાના દરવાજાને તાળુ મારી ઉપલા માળે જઈ સુઈ ગયા હતા.

દરમિયાન સવારે પોણા સાત વાગે વિનોદભાઈ ઉઠ્યા હતા. ત્યારે તેમના રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જેથી વિનોદભાઈએ તેમના ઘરની બાજુમાં રહેતા કાકાને બોલાવી દરવાજો ખોલાવ્યો હતો. અને ઘરની નીચે જઈ તપાસ કરતા દરવાજાને મારેલુ તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને રસોડામાં મુકેલી તીજોરીનો દરવાજો ખુલ્લો હતો. તથા બધો સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં હતો. તીજોરીમાં રાખેલ સામાન ચકાસતા અંદરથી રોકડ રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.89500 ચોરી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંજલપુરમાં અવારનવાર ગઠીયાઓ દ્વારા ચોરીના બનાવો બનતા રહે છે. માંજલપુર પોલીસ દ્વારા ગઠીયાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.  

Most Popular

To Top