Editorial

ચીનની અવળચંડાઇઓ ચાલુ જ છે: અરૂણાચલના વિસ્તારોને ચીની નામો!

આપણને બે અવળચંડા પાડોશીઓ મળ્યા છે – ચીન અને પાકિસ્તાન. અને તેમાંથી ચીને હાલ છેલ્લા કેટલાયે સમયથી ઉપાડો લીધો છે અને ભારત સાથેની સરહદે તે જાત જાતના ઉધામાઓ કરી રહ્યું છે. ગલવાનમાં લાંબી મડાગાંઠ પછી ૨૦૨૦ના મે મહિનાથી લડાખમાં ચીન સાથે ભારતને સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં એક વાર તો બંને દેશોના સૈનિકો વચ્ચે લોહીયાળ લડાઇ પણ થઇ જેમાં ભારતના અનેક સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. લશ્કરી અને રાજદ્વારી મંત્રણાઓના અનેક દોર છતાં લડાખના કેટલાક વિસ્તારોમાં હજી પણ બંને દેશોના લશ્કરો સામ સામે ખોડાયેલા છે ત્યારે ચીને હાલમાં એક નવું ગતકડું કર્યું છે. જો કે આ સાવ નવું પણ નથી. ૨૦૧૭માં પણ તે આવું કરી ચુક્યું છે. ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળો માટે ચીની નામો જાહેર કર્યા છે.  ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશના વધુ ૧૫ સ્થળો માટે ચીની અક્ષરો, તિબેટિયન અને રોમન કક્કાવારી મુજબ નામો તેણે જાહેર કર્યા છે, જે અરૂણાચલ પ્રદેશને ચીન પોતાના દક્ષિણ તિબેટ પ્રદેશ તરીકે દાવો કરે છે.

ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા હાલ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી. તેણે જાહેર કર્યું હતું કે તેણે ઝાંઘાનમાં ૧૫ સ્થળોના નામોનું અધિકૃતિકરણ ચીની અક્ષરો, તિબેટિયન અને રોમન કક્કાવારીમાં કર્યું છે એમ સરકાર સંચાલિત અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું. અરૂણાચલ પ્રદેશનું ચીની નામ ઝાંગાન છે. ચીનની કેબિનેટ સ્ટેટ કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલ ભૌગોલિક નામોને અનુરૂપ આ પગલું ભરવામાં આવ્યું છે એ મુજબ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું. જે ૧૫ સ્થળોને આ સત્તાવાર નામો આપવામાં આવ્યા છે તેમના ચોક્કસ અક્ષાંસ અને રેખાંશ પણ જાહેર કરવામાં આવ્યા છે. જે સ્થળોને આ નામો આપવામાં આવ્યા છે તેમાંથી આઠ રહેણાક સ્થળો છે, ચાર પર્વતો છે, બે નદીઓ છે અને એક પહાડી ઘાટ છે એ મુજબ આ અહેવાલમા જણાવાયું છે. અરૂણાચલ પ્રદેશના સ્થળોને ચીન દ્વારા આપવામાં આવેલ સ્ટાન્ડર્ડાઇઝડ નામોનો આ બીજો બેચ છે.

સ્ટાર્ન્ડડાઇઝ્ડ નામોનો પ્રથમ બેચ આ પહેલા ૨૦૧૭માં જારી કરવામાં આવ્યો હતો. હાલ જે આઠ રહેણાક સ્થળોને આ નામો આપવામાં આવ્યા છે તેમાં કોના કાઉન્ટીમાં બે નામો સેગકેઝોંગ અને ડેગલુંગઝોંગ છે, ન્યિંગચીની મેડોગ કાઉન્ટિમાં મિગપેઇન અને શેનાનની લુન્ઝે કાઉન્ટીમાં એક સ્થળને અપાયેલા મેજાગ નામનો સમાવેશ થાય છે. ચાર પર્વતોને વામો રી, દેઉ રી, લુન્ઝુબ રી અને કુનમિંગઝિન્ગઝે ફેંગ નામો આપવામાં આવ્યા છે. બે નદીઓને શેનયોગ્મો હે અને દુલેઇન હે નામો આપવામાં આવ્યા છે અને કોના કાઉન્ટીમાં આવેલ એક પર્વતીય ઘાટને સે લા નામ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અરૂણાચલ પ્રદેશને પોતાના દક્ષિણ તિબેટ વિસ્તાર ગણાવીનો પોતાનો દાવો તેના પર કરે છે જ્યારે ભારત આ દાવાને મક્કમપણે નકારી કાઢીને અરૂણાચલ પ્રદેશને પોતાનો અખંડ ભાગ ગણાવે છે. ચીન કદાચ એમ માનતું હશે કે અરૂણાચલના વિસ્તારોને ચીની નામો આપવાથી તેના પરના તેના દાવાને કાયદેસરતા મળી જશે.

ભારતના વિદેશ મંત્રાલયે ચીનના આ પગલા સામે સ્વાભાવિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીન અરૂણાચલના વિસ્તારોની ચીની નામો આપે તેથી કંઇ અરૂણાચલ ચીનનું થઇ જતું નથી. અરૂણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને રહેશે એમ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે. તો  પોતાના પગલાનો બચાવ કરતા ચીને દાવો કર્યો હતો કે આ વિસ્તાર એ દક્ષિણ તિબેટનો ભાગ છે અને પ્રાચીન સમયથી ચીનનો એક પ્રદેશ છે. ભારતના રિએકશન પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિઆને એક નિવેદન આપ્યું હતું કે ઝાન્ગાન(અરૂણાચલ પ્રદેશને ચીન આ નામથી ઓળખાવે છે) ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશના ભાગરૂપે છે. તે પ્રાચીન કાળથી ચીનનો પ્રદેશ રહ્યો છે એમ તેમણે ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર કહ્યું હતું.  આ અગાઉ ઝાઓએ કહ્યું હતું કે તિબેટનો દક્ષિણ ભાગ એ તિબેટના સ્વાયત્ત પ્રદેશનો ભાગ છે અને તે ચીનના પરંપરાગત પ્રદેશોમાંનો એક છે. ચીનની વંશીય લઘુમતિઓ આ વિસ્તારમાં લાંબા સમયથી વસતી આવી છે અને કામ કરતી આવી છે અને ઘણા સ્થળોના નામ બદલી નાખવામાં આવ્યા છે એ મુજબ પ્રવકતાએ જણાવ્યું હતું. ચીનના આવા દાવાઓથી કંઇ અરૂણાચલ પ્રદેશ તેને મળી જવાનો નથી, પરંતુ ચીનની અવળચંડાઇઓ અને ચાલબાજીઓ જોતા ભારતે સતત સાવધ તો રહેવું જ પડશે.

Most Popular

To Top