Vadodara

લેટ લતીફ કર્મચારીઓના વાંકે વિદ્યાર્થીઓ પરેશાન

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસમાં મોડા આવતાં કર્મચારીઓના વાંકે કામ અર્થે આવેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા  હતા. જેની સામે વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે લેટ લતીફ સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
એમ.એસ.યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે સવારથી જ વિદ્યાર્થીઓ પોતાના કામ અર્થે આવતા હોય છે. આમ તો હેડ ઓફિસમાં કર્મચારીઓનો આવવાનો સમય 10:30 વાગ્યાનો છે. એટલે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી હેડ ઓફિસ ખાતે  ડિગ્રી સર્ટી,સ્કોલરશીપ અને એડમિશન સહિત વિવિધ મુદ્દે હેડ ઓફિસ જતા હોય છે. જોકે કેટલાક લેટ લતીફ કર્મચારીઓના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. આજે પણ વિદ્યાર્થીઓ પોતાના કામ અર્થે હેડ ઓફિસ ખાતે આવ્યા હતા. 10:30 થી લાઈનમાં  ઉભા રહ્યા હતા. જોકે યુનિવર્સિટી હેડ ઓફિસના કર્મચારીઓ સાડા અગિયારની આસપાસ પહોંચતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. લેટ લતીફ કર્મચારીઓના વાંકે વિદ્યાર્થીઓ હેરાન થતા વિદ્યાર્થી આગેવાન સહિત વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો અને મોડા આવતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ આ મુદ્દે વીસીને  પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કોના બાપની દિવાળી, ખાલી ઓફિસમાં પંખાઓ ચાલુ હતા

હેડ ઓફિસમાં ચાલતી લાલીયાવાડીનો વધુ એક નમૂનો પણ સામે આવ્યો હતો હેડ ઓફિસની કચેરી ખાલી હતી પરંતુ પંખાઓ ચાલુ હતા ઓફિસની બહાર કામ અર્થે આવેલા વિદ્યાર્થીઓ કર્મચારીઓ આવે તેની રાહ જોઈ જોઈ રહ્યા હતા તે સમયે કચેરીમાં કર્મચારી હાજર ન હોવા છતાંય પંખાઓ ચાલુ રહેતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી વિદ્યાર્થીઓની ફી ના પૈસા લેટ લતીફ કર્મચારીઓ લીલાલેર કરતા હોવાના આક્ષેપ કરી કારણ વગર વીજળીનો ઉપયોગ ન કરવો એટલું સામાન્ય જ્ઞાન પણ કર્મચારીઓમાં નથી તેમ જણાવ્યું હતું ત્યારે ઓફિસમાં પંખા ચાલુ રાખવા સામે કડક કાર્યવાહી થાય તેવી પણ વિદ્યાર્થીઓ લાગણી વ્યક્ત કરી હતી.

રાજમાતાને પણ રજૂઆત કરવામાં આવશે

યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે લેટ લતીફ કર્મચારીઓ અને કારણ વગર વીજળી ના દુર ઉપયોગ મુદ્દે વિદ્યાર્થી આગેવાન દ્વારા રાજમાતાને રજૂઆત કરાશે. વિદ્યાર્થી આગેવાને આ મુદ્દે જણાવ્યું હતું કે હેડ ઓફિસમાં સરકારી કર્મચારીઓએ ફરજ પર સમયસર આવવું જોઈએ. મોડા આવવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તેમજ કિંમતી સમય પણ વેડફાય છે ત્યારે આ મુદ્દે રાજમાતાને રજૂઆત કરી કાર્યવાહી કરવા વિનંતી કરાશે.

Most Popular

To Top