Top News

More Posts

   The Latest

Most Popular

surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન હોવાથી શવ્વાલનો પહેલો ચાંદ તા.14-05-21ને શુક્રવારે ગણવો. એવીજ રીતે સુરત રૂયતે હિલાલ(ચાંદ) કમિટીના પ્રમુખ મીર સૈય્યદ ફિરોઝ મીર સૈય્યદ ઇબ્રાહિમે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે હિજરી સન 1442ના માહે શવ્વાલ મુબારકનો ચાંદ અંગ્રેજ તા.12-05-21ના બુધવારે સાંજે દેખાયો નથી. તેથી ચાંદની પહેલી તારીખ 14-05-21 શુક્રવારની ગણવી. એટલે કે રમજાન ઇદ ( ramzan eid) ( ઇદુલ ફિત્ર)ની ઉજવણી શુક્રવારે કરવામાં આવશે. કોરોના સંક્રમણની બીજી લહેરને જોતા મુસ્લિમ ધર્મગુરૂઓએ રમજાનઇદની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે. તથા ગરીબોને ઉદાર હાથે જકાત, સદકાનું દાન કરવા પણ અપીલ કરી છે.કોરોનાને લીધે રાંદેર ઇદગાહનું સંચાલન કરનાર ટ્રસ્ટ રાંદેર મહેફિલે ઇસ્લામ કુતુબખાના ચાલુ વર્ષે પણ ઇદની નમાજ રાંદેર ઇદગાહમાં નહીં યોજવાની જાહેરાત કરી છે.ટ્રસ્ટના મંત્રી ઐય્યુબ મોહંમદ યાકુબ અલીએ જણાવ્યું હતું કે કોવિડ-19 ( covid 19) ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી ઇદગાહ મેદાનમાં ઇદુલફિત્રની નમાજ થશે નહી.

દાઉદી વ્હોરા સમાજે બુધવારે રમજાન ઇદની સાદગીથી ઉજવણી કરી
કોરોના સંક્રમણની બીજી લહેરમાં શહેરના દાઉદી વ્હોરા સમાજે આજે બુધવારે સાદગી ભર્યા માહોલમાં રમજાનઇદની ઉજવણી કરી હતી. સમગ્ર રમઝાન માસ દરમિયાન દાઉદી વ્હોરા સમાજે સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે આપેલા માનવતાના કલ્યાણના મેસેજને અનુસરી ગરીબોને ઉદાર હાથે દાન આપ્યુ હતું. તથા કોરોના સંક્રમણથી પીડિત સંસ્થાઓને સહાય પૂરી પાડી હતી. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ઝાંપાબજારની મસ્જિદે મોઅઝ્ઝમમાં ગણતરીના લોકોએ જ્યારત કરી હતી. આ પ્રસંગે સૈયદના સાહેબે સંપૂર્ણ વિશ્વમાંથી કોરોના સંક્રમણની વબાનો નાશ થાય અને માનવ જાતનું કલ્યાણ થાય તેવી દુઆ ગુજારી હતી તથા આવા કપરા સમયે દેશના લોકોની સેવા કરવા માટે આહ્વાન કર્યુ હતુ.

To Top