Madhya Gujarat

ખેડાના માલધારી સમાજમાં પશુપાલક વિરોધી બિલથી રોષ

નડિયાદ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન પાસ કરાયેલાં પશુ-માલધારી વિરોધી બિલના વિરોધમાં ખેડા જિલ્લા માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ગત સત્ર દરમિયાન તારીખ ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ સરકાર દ્વારા રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાઈસન્સ લેવા અને પકડાયેલાં પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યભરના માલધારીઓ તેમજ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલાં ખેડા જિલ્લાના માલધારીઓએ સોમવારના રોજ પશુપાલક વિરોધી કાળા કાયદાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે, સામાજીક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. કોરોનાના કપરાં કાળમાં પશુપાલકોએ દૂધની કિંમતમાં ભાવવધારો કર્યાં વિના, રાત-દિન એક કરીને સમાજને દૂધ પહોંચાડ્યું હતું. ગુજરાત શ્વેતક્રાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે, તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે. માલધારી સમાજ ખુબ જ ભોળો સમાજ છે. જેનો ફાયદો ઉઠાવી સરકાર દ્વારા પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન કરી રહી છે. જોકે, સરકારની આ નિતીનો અમે વિરોધ કરીશું. તેમ છતાં જો સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી બિલ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં સરકારને પરિણામ ભોગવવું પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

આણંદમાં પશુ રાખવાના લાયસન્સનો વિરોધ કર્યો
આણંદ : આણંદ જિલ્લા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ, સજાની જોગવાઇ સંદર્ભે પસાર કરેલા બિલનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આણંદ જિલ્લા માલધારી સમાજે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવાના કાયદાકીય બિલનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યક્ત કરે છે. સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, કોરોનાના કાળ દરમિયાન ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરૂરિયાત એવા દૂધ પુરૂ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વદારો કર્યા વગર રાત દિવસ એક કરીને માલધારી સમાજે દૂધ પહોંચાડ્યું છે. આ કાયદાનો સમગ્ર સમાજ ખૂબ જ આક્રોશ સાથે વિરોધ દર્શાવી રહ્યા છીએ. માલધારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી હોય સહયોગ પણ કર્યો છે. પશુઓ અને ગાય માતા જ અમારી સાચી મુડી  અને સંપત્તિ છે. આથી, સમગ્ર માલધારી સમાજની વિનંતી છે કે ફરજીયાત લાયસન્સ માટેનો જે કાયદો લાવવાનો છે તેને મુલત્વી રાખવામાં આવે. તેવી માગણી કરી હતી.

Most Popular

To Top