Madhya Gujarat

આણંદ અમૂલ ડેરીનું ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર

આણંદ : આણંદ અમૂલ ડેરી દ્વારા 2021-22 દરમિયાન થયેલા દૂધના વ્યવસાયની વિગતો બહાર પાડી છે. જેમાં અમૂલ ડેરીનું ટર્ન ઓવર પ્રથમ વખત રૂ.10 હજાર કરોડને પાર થયું છે. જેના પગલે પશુપાલકોની પણ આવકમાં વધારો થશે. આણંદ અમૂલ દ્વારા દર વરસે ખેડૂતોને અપાતા અંતિમ ભાવ જૂન મહિનામાં જાહેર કરવામાં આવતાં હતાં. પરંતુ આ વખતે પ્રથમ વખત નાણાકીય વર્ષ પુરૂ થયાના ચોથા દિવસે જ જાહેર કરી દીધાં છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી છે. આણંદ અમૂલ ડેરી માટે 2021-22 કપરૂં વરસ રહ્યું હતું. તેમ છતાં ટર્ન ઓવર વધીને પ્રથમ વખત 10,229 કરોડ સુધી પહોંચી ગયો છે. ગત વર્ષે રૂ.8598 કરોડની તુલનામાં આ ટર્ન ઓવર 19 ટકા વધ્યું છે. જેના પગલે ચાલુ વર્ષે ગત વર્ષના 835.51ની સરખામણીમાં રૂ.837.22 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ મળશે. આ વરસે 2020-21માં દૂધના અંતિમ ભાવની રકમ 320 કરોડ હતી, જેને વધારીને રૂ.350 કરોડ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 9 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાં વર્ષ દરમિયાન સરેરાશ 29.80 લાખ કિલોગ્રામ પ્રતિદિન લેખે 108.79 કરોડ કિલોગ્રામ ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યું છે. જોકે, વર્ષ દરમિયાન સંઘ દ્વારા અમૂલ પેદાશો જેવી કે ચીઝ, પનીર, માખણ, ઘી, દૂધનો પાવડર, ફ્લેવર્ડ મિલ્ક, આઇસ્ક્રીમ અને ચોકલેટના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના
આણંદ અમૂલ દ્વારા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બે ગણું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ 1200 દૂધ મંડળીઓમાંથી 30 લાખ લીટર પ્રતિદિન દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. જેને બે ગણું કરવા આરડામાં પશુ સુધારણા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેમાં વિર્યડોઝ વધારવા, ભ્રુણપ્રત્યારોપણ, લીંગ નિર્ધારિત વિર્યનો ઉપયોગ કર્યો છે અને 2700થી વધુ ઉચ્ચ વંશાવલી ધરાવતી પાડી – વાછરડીનો જન્મ થયો છે. 965 જેટલા ડિજિટલ કાવ બેલ્ટનો ઉપયોગ કર્યો છે. પાડી – વાછરડી ઉછેરને વધુ વેગવંતુ બનાવવા માટે 76 હજાર જેટલી પાડી – વાછરડી ઉછેર કરવા માટે 75 ટકા સબસિડીથી કાફ કીટ સભાસદોને પુરી પાડ્યાં છે. પશુના સ્વાસ્થ્ય માટે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત પશુ માવજતને ધ્યાનમાં રાખી આયુર્વેદિક પશુપૂરક આહારનું કંજરી ખાતે ઉત્પાદન શરૂ કર્યું છે. જેના થકી દૂધ ઉત્પાદન વધશે.

નાણા વ્હેલા મળવાથી ખેડૂતોને ઉપયોગી બનશે
અમૂલના સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વરસે જૂનમાં અંતિમ ભાવ ખેડૂતોને આપવામાં આવતો હતો. પરંતુ આ વખતે એપ્રિલ માસમાં જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિસાગર અને ખેડાના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે, આ ઉપરાંત આગામી મે મહિના દરમિયાન લગ્ન સિઝન હોવાથી ખેડૂતોને વ્હેલી તકે નાણા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક વર્ષમાં દોઢ સો કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કર્યું
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી દૂધ સંપાદન કરતા અમૂલ ડેરી દ્વારા 2021-22 દરમિયાન સરેરાશ 41 કિલોગ્રામ પ્રતિ દિન લેખે વર્ષમાં 150 કરોડ કિલોગ્રામ ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યું છે. તેમાંય 16મી ફેબ્રુઆરી 2022ના રોજ 51 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કર્યું હતું. જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે. વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રાહકોની અપેક્ષા મુજબની ગુણવત્તા પણ જાળવી રાખી છે.
દરેક રાજ્યમાંથી દૂધની આવક વધી છે
આણંદ અમૂલ સંઘ ચરોતર ઉપરાંત કલકત્તા, પૂના તથા મુંબઇ સહિતના વિસ્તારમાં લે-વેચ કરે છે. જેમાં પણ સંતોષકારક વધારો થયો છે. આ ઉપરાંત અદ્યતન ટેકનોલોજી, ખર્ચમાં ઘટાડો અને ધંધામાં કરેલા વધારાને કારણે શક્ય બન્યો છે. પરંતુ સભાસદોને વધુને વધુ દૂધના સારા ભાવો આપી શકીએ તેવા પ્રયત્નો ચાલુ રહેશે.

Most Popular

To Top