Madhya Gujarat

આણંદ જિલ્લાના ડોક્ટર્સ પડતર માગણી સંદર્ભે હડતાળ પર ઉતર્યાં

આણંદ : આણંદ જિલ્લાના સરકારી ડોક્ટર્સ દ્વારા સોમવારના રોજ પડતર માગણી સંદર્ભે હડતાળનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું હતું. જેના કારણે પીએચસી, સીએચસીમાં ઇમરજન્સી કેસ કે ઓપીડી લેવામાં આવી નહતી. આ ઉપરાંત જિલ્લાના 114 જેટલા ડોક્ટર વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ભેગા થયા હતા અને દેખાવો યોજ્યાં હતાં. આ અંગે ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિયેશનના આણંદ સેક્રેટરી ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે , આણંદ જિલ્લાના પીએચસી, સીએચસી સહિતના 114 જેટલા ડોક્ટર અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર ઉતર્યા છે. ભથ્થા, પેન્શન સહિતની પડતર માગણી સંદર્ભે છેલ્લે સરકાર સાથે બેઠક યોજાઈ ત્યારે ડોક્ટરોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી બાંયધરી અપાઈ હતી. પરંતુ 31મી માર્ચ 2022 સુધીમાં ઠરાવ કરવાનું જે વચન આપ્યું હતું તે કર્યું નથી.  આશ્ચર્યજનક બાબત એ છે કે, 20મી જાન્યુઆરીએ હડતાળના એલાન સંદર્ભે મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ ડોક્ટરો,  ડેન્ટલ કેડરના તમામ પ્રશ્નો અને માગણીઓનો સ્વીકાર કરાયો છે . જોકે આ જાહેરાતના અમલ માટે ઠરાવ કે પરિપત્ર કરાયા નથી , તેવો દાવો તબીબોએ કર્યો છે . અમલીકરણ અને વહીવટી બાબતોના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા છે, કેન્દ્રના પગાર પંચ મુજબ લાભો આપવામાં વિલંબ કરાય છે. સરકાર દ્વારા ખાતરી અપાઈ છે પરંતુ  વિશ્વાસ નથી એટલે જ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન અપાયું છે.

Most Popular

To Top