National

અયોધ્યા નેશનલ હાઈવે પર ઓવરટેક કરતા બસ ડિવાઈડર પર પલટી: 3 લોકોના પગ કપાતા મોત

અયોધ્યા: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં અયોધ્યા(Ayodhya) નેશનલ હાઈવે(National Highway) પર એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતી વખતે એક ખાનગી બસ(Bus) બેકાબૂ થઈને ડિવાઈડર પર પલટી ગઈ હતી. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. બસમાં 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં 20 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી 10 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતનાં પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

  • અયોધ્યામાં નેશનલ હાઈવે 27 પર બસ પલટી
  • દુર્ઘટનામાં 3નાં મોત તો 20થી વધુ મુસાફરો ઘાયલ
  • બસ દિલ્હીથી બાંસી અને સિદ્ધાર્થનગર જઈ રહી હતી

સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સાથે જ ઘાયલોને મદદ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર મુસાફરોને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાન નંબર પ્લેટવાળી આ બસ દિલ્હીથી બાંસી અને સિદ્ધાર્થનગર જઈ રહી હતી. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ૩ લોકોના પગ કપાયા
હાઈવે નજીક રહેતા એક યુવકે જણાવ્યું હતું કે, અકસ્માતનાં પગલે બસ ડિવાઈડર પર પલટી ગઈ હતી. કેટલાક લોકો અકસ્માત બાદ કાચ તોડીને બસમાં ઘૂસી ગયા હતા. તેઓએ અંદર જતા જ જે દ્રશ્ય જોયું તેને જોઇને જ ચોંકી ઉઠ્યા હતા. લોકોએ જોયું કે અકસ્માતનાં પગલે ૩ લોકોના પગ કપાઈ ગયા હતા. જ્યારે બેના તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અક્સ્માતમાં પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ બસને સીધી કરાઈ હતી. અકસ્માત મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ નીતીશ કુમારે જણાવ્યું હતું કે, ઘાયલોને દરેક શક્ય તેટલી મદદ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ અગાઉ ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત
હાલમાં જ 3 એપ્રિલના રોજ યુપીના હરદોઈ જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી તે જ સમયે અચાનક કાર ધીમી ગતિએ ચાલવા લાગતા પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે કારને જોરથી ટક્કર મારી હતી. જેથી કાર ટ્રકમાં ફસાઈ ગઈ હતી અને દૂર દૂર સુધી ખેંચાઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ ટ્રકને રોકી હતી. જેના કારણે કારમાં સવાર લોકો સલામત રીતે બહાર આવી ગયા હતા. અને મોટી જાનહાની ટળી હતી.

Most Popular

To Top