Dakshin Gujarat

‘દસ્તાનની અધૂરી દાસ્તાન’: 80 કરોડનો ખર્ચ, છતાં છ વર્ષે રેલવે ઓવરબ્રિજની કામગીરી ટલ્લે

પલસાણા: વાહનોથી ધમધમતા કડોદરા (Kadodara) -બારડોલી (Bardoli) માર્ગ પર આવતી દસ્તાન ફાટક (Dastan Fatak) પર 2016માં રેલવે ઓવરબ્રિજની (Railway Over bridge) કામગીરી શરૂ કરાઇ હતી અને કામ 2018માં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજે આ બ્રિજની કામગીરી 2022માં પણ પૂર્ણ નહીં થતાં ભારતીય હિતરક્ષક પાર્ટીએ ફરી બાંય ચઢાવી છે અને ફરી એકવાર બ્રિજના મુદ્દે આંદોલનની (Movement) ચીમકી આપી છે.

સરકાર પર તીખા પ્રહાર કરતાં ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યા હતા કે, આ વિકાસને શરમ નથી આવતી. એટલે અમારી પાર્ટીએ બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરડાની સાફસફાઈ અભિયાન ચલાવવાની જરૂર પડી છે. આવા શાસનથી ભગવાન બચાવે. દસ્તાન ફાટક પર બની રહેલો બ્રિજ આમ તો આ બ્રિજ 2016માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ઉદઘાટન કરી 2018માં બ્રિજ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ અફસોસ 80 કરોડના ખર્ચે જે બ્રિજની કામગીરી 2016માં શરૂ કરાઇ હતી એની સમયમર્યાદા પૂર્ણ થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. જેના કારણે વાહનચાલકો ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે.

જ્યારે જ્યારે ભારતીય હિતરક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનીલ સોનવણેની આગેવાનીમાં આંદોલન થયાં છે ત્યારે તેમની અને કાર્યકરોની પોલીસે અટક કરી છે. પરંતુ ફરી એકવાર ભારતીય હિતરક્ષક પાર્ટી અધ્યક્ષે 16 એપ્રિલથી દસ્તાન ખાતે આંદોલનની ચીમકી આપી છે. અને હાલમાં બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરડાની સફાઈ કરી સરકારને મેસેજ આપ્યો હતો કે, જે જવાબદારી તમારી છે, તે ભારતના નાગરિક તરીકે સાફસફાઈ અમે કરી રહ્યા છીએ. સુરત જિલ્લામાં એવા ઘણાં વિકાસનાં કામો છે, જે અધૂરાં રહી ગયાં છે અને જનતા પરેશાન છે.

દસ્તાન રેલવે ઓવરબ્રિજ હોય કે પછી કીમ રેલવે ઓવરબ્રિજ, આજે પણ સમયમર્યાદા પૂર્ણ થયા પછી કામ પૂર્ણ થયાં નથી. જેના કારણે આમ જનતા કહે છે કે, સરકારનો વિકાસ ગાંડો થયો છે. તો ભારતીય હિતરક્ષક પાર્ટી કહે છે કે, સરકારના આ વિકાસને કોઈ શરમ પણ નથી. પણ અમે પ્રજાની સુખાકારી માટે જ્યાં સુધી દસ્તાન રેલવે ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી આંદોલન, ધરણાં કરતા રહીશું.

Most Popular

To Top