Business

રશિયા મામલે બેલ્જિયમ સરકારના પ્રતિનિધિની આ વાતથી સુરતના હીરા ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો

સુરત(Surat) : ડાયમંડ ટ્રેડિંગના (Diamond Trading) હબ તરીકે દુબઈના (Dubai) વધી રહેલા વર્ચસ્વ વચ્ચે સોમવારે ભારતમાં બેલ્જિયમના (Belgium) કોન્સ્યુલ જનરલ (Consul General) પી બ્રસલ્સમેનની આગેવાની હેઠળ બેલ્જિયમના પ્રતિનિધિમંડળે સુરતના GJEPCના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાત લીધી હતી.સુરતના ઉદ્યોગકારોએ વિઝા રિન્યુઅલ (Visa Renewal ) માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન (Biomatrix ) કરાવવાની પળોજણમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી. બેલ્જિયમની બેંકો ત્યાં નવા ઉદ્યોગકારોને ધિરાણ નહીં આપતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરા તેમજ હીરા જડિત આભૂષણનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ રજૂઆત કરી હતી કે, વિઝાના નવીનીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન બિનજરૂરી અને ચિંતાજનક બને છે. તેમણે બ્રસલ્સમેનને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી હતી.

GJEPCના આસિસ્ટન્ટ ડિરેક્ટરે ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનાં તથ્યો અને આંકડા પર પ્રેઝન્ટેશન આપતા 2 દેશ વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી. કોન્સ્યુલ જનરલે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડનાં અને આભૂષણના નિર્માતા દ્વારા બનાવવામાં આવેલા માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે સભ્યોને બેલ્જિયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને વધારવા પ્રોત્સાહિત કરવા સાથે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ડાયમંડનો બિઝનેસ તેમની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપે છે. બેલ્જિયનની બેંકો વેપારને સમર્થન આપી રહી નથી અને નવા પ્રવેશકર્તા માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી નાણાં મેળવવાનું મુશ્કેલ બની ગયું છે, એ પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી. બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે. જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે.

પ્રાદેશિક સમિતિના સભ્યો અને SIDC બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં SNZ જેવા GJEPC દ્વારા બનાવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી કે, આ સુવિધાઓથી બંને દેશને ફાયદો થશે.

બેલ્જિયમની સરકારે રશિયન રફ ડાયમંડ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી
બેલ્જિયમના વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે, બેલ્જિયમની સરકારે રશિયન રફ ડાયમંડના (Russian Rough Diamond) વેપાર પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. ભારત ડિમાન્ડ કરશે એટલી રફ સપ્લાય આપવા બેલ્જિયમ તૈયાર છે. બેલ્જિયમના વડાપ્રધાને રાષ્ટ્રીય રેડિયોને જણાવ્યું હતું કે, હું ઔપચારિક રીતે કહેવા માંગું છું કે આપણા દેશે ક્યારેય હીરાને લગતા કોઈપણ પગલાંમાં અવરોધ ઊભો કર્યો નથી. આપણા દેશે આ સંદર્ભમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. તેમણે રેડિયો વનને કહ્યું હતું કે, એલેકઝાન્ડર ડી ક્રૂની ફેડરલ સરકાર યુરોપિયન યુનિયન સાથે છે, પણ યુક્રેન-રશિયા યુદ્ધને લઇ હીરા ઉદ્યોગ પર કોઈ પ્રતિબંધ મૂકશે નહીં. વિઝા રિન્યુઅલ માટે દર 5 વર્ષે બાયો મેટ્રિક વેરિફિકેશન અને બેલ્જિયમની બેંકો નવા ઉદ્યોગકારોને ધિરાણ નહીં આપતી હોવાની ફરિયાદ છે.

Most Popular

To Top