SURAT

સુરતમાં શેઠાણીએ નાનકડી વાતમાં નોકરાણીની છાતી અને ગુપ્તાંગ પર ડામ દીધા

સુરત (Surat) : સુરતમાં ગજબ ઘટના બની હતી. અહીં એક શેઠાણીએ પોતાની નોકરાણીની છાતી અને ગુપ્તાંગના ભાગે ગરમ સળીયાથી ડામ દઈ દીધા હતી. શેઠાણી એટલી ગુસ્સે ભરાઈ હતી કે તેણે સગીર વયની નોકરાણીને ઢોર માર પણ માર્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કેસ ચાલી જતા શેઠાણીને 1 વર્ષની સખત કેદની સજા તેમજ 5 હજારનો દંડ કરાયો હતો.

  • રાંદેરના ચિસ્તીયા એપાર્ટમેન્ટમાં રહેતી સમીના ડાંગરાએ સગીર નોકરાણીને માર માર્યો હતો
  • રાંદેર પોલીસે સમીના સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી
  • સમીનાને 1 વર્ષની કેદની સજાનો હૂકમ કોર્ટે કર્યો

આ કેસની વિગત મુજબ રાંદેર રોડ ઉપર ચિસ્તીયા એપાર્ટમેન્ટમાં રહેતા સમીના મન્નાર હાજી ઇબ્રાહીમ ડાંગરાએ પોતાના એપાર્ટમેન્ટમાં રહેતી એક સગીરાને ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ ઉપરાંત ગરમ સળીયા વડે સગીરાને છાતી તેમજ અન્ય ગુપ્ત ભાગે ડામ આપીને ગંભીર ઇજા કરી હતી, આ ઉપરાંત તેણીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સગીરા સમીના ડાંગરાના ઘરે તેણીના બાળકો રમાડવાનું કામ કરતી હતી, પરંતુ તે વાંસણ માંજતી હોવાથી સમીનાએ ડામ આપ્યા હતા. આ બાબતે રાંદેર પોલીસે સમીના સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુનિલ પટેલએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચૂકાદો આપતા કહ્યું કે, આ કેસમાં આરોપી મહિલા છે, મહિલાને પોતાનો ગુનો કરવા અંગેનો પસ્તાવો હોવાનું દેખાય છે, જેનાથી તેઓની વાસ્તવિક નિર્દોષતા દેખાઇ આવે છે, શિક્ષાની જે વિચારસરણીઓ છે તેમાંની એક વિચારસરણી સુધારાત્મક છે, જેનો મુખ્ય હેતુ ગુનેગારો જન્મથી ગુનેગાર હોતા નથી અને એટલે આરોપીની દરકાર કરી તે ભવિષ્યમાં બીજો કોઇ ગુનો ન કરે અને વ્યવસ્થિત નાગરીક બની શકે. આ કેસમાં આરોપીને સજામાં ઉદારતા રાખવામાં આવે તો તેનો દૂરઉપયોગ કરશે તેવું જણાતુ નથી, પરંતુ આ ગુનો જોતા આરોપીને પ્રોબેશનનો લાભ પણ આપી શકાય તેમ નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીને 1 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.

Most Popular

To Top