Vadodara

વેપારી પાસેથી રૂપિયા પડાવવા સક્રિય થયેલા તત્વોમાં મહોલ્લા મિટિંગોનો દોર

વડોદરા: વડોદરા શહેરમાં અશાંતધારા વિસ્તારમાં દુકાનો ,મકાનો લે વેચના સોદામાં વેપારીઓને બાનમાં લઈ રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક અસંનિષ્ઠ તત્વો કોર્પોરેશનના મળતીયાઓ મારફતે વેપારી નાણાં આપે તો કોઈ અડચણ નહીં અને નહીં આપે તો કોર્પોરેશન અને પોલીસ મથકમાં ખોટી ફરિયાદ કરી વેપારીઓને હેરાન પરેશાન કરતા હોય છે. આ સમગ્ર મામલે ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ હડકંપ મચ્યો છે. વડોદરા શહેરના નવા બજારમાં હિન્દુની દુકાન ખરીદનાર વેપારી પાસેથી નાણાં પડાવવાનું કાવતરું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું.આ મામલામાં રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક સ્થાનિક આકાઓ કોર્પોરેશનના મળતીયાઓ મારફતે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા.

જેમાં તેઓની વિરુદ્ધ ખોટી અરજીઓ ,ફરિયાદો કરી તેઓની દુકાન પણ સિલ કરાવી દીધી હતી.કેટલાક અસનિષ્ઠ તત્વોએ રૂપિયા પાંચ લાખ સુધીની વેપારી પાસે માંગણી પણ કરી હતી.જે સમગ્ર ઘટનાનો અહેવાલ ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવતા હડકંપ મચ્યો છે.કેટલાક રાજકીય પીઠબળો તેમજ સ્થાનિક અસનિષ્ઠ તત્વોના પગ નીચેથી જમીન સરકી જતી હોવાની પોતાના માથે આવે તે પહેલાં જ હવે મહોલ્લા બેઠકનો દોર શરૂ થયો છે.નવાબજારમાં વેપારી પાસે પૈસા પડાવવા ચાલતા ગોરખધંધામાં પહેલા પાંચ વ્યક્તિઓ સામેલ હતા.પરંતુ જે બાદ સત્ય ઉજાગર થતા જ આ પાંચ વ્યક્તિઓ પર સમગ્ર ટોપલો ભેરવાશે જેવો ઘાટ ઉભો થતા હવે એક સ્થાનિક અગ્રણીના કહેવા પર હવે અન્ય લોકોને ભેગા કરી મિટિંગોનો દોર શરૂ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.મહત્વની બાબત તો એ છે કે નવાબજારના વેપારી હુસેનભાઈની દુકાનને સિલ મારવાની જે કાર્યવાહી કરવામાં આવી તે કાયદા વિરુદ્ધની કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ સરકાર કહે છે ઘર વસાવો ,સ્વાવલંબી થાવ,આત્મનિર્ભર બનો તો બીજી તરફ અહીં વેપારીઓને ધંધો ,મજૂરી કરવા દેતા નથી.વડોદરા મહાનગરપાલિકાના ચારેય ઝોનમાં આવેલ આવાસોમાં પણ હિન્દૂ મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકો રહે છે.આવા આવાસોમાં મકાન ફેર બદલ થતા હોય છે.ત્યાં અશાંતધારા કાયદો કેમ લાગુ પડતો નથી તેવા સવાલો પણ તંત્ર સામે ઉઠવા પામ્યા છે.જ્યારે બીજી તરફ સિલ મારવાની કાર્યવાહી કરવા ગયેલા અધિકારીને પણ ખબર નથી કે સિલ કેમ માર્યું.કાયદાકીય પ્રકારે સિલ મારી જે નોટિસ લગાવવામાં આવે છે તેમાં ચોક્કસ કારણ અને સૂચન લખવામાં આવે છે.પરંતુ આ કિસ્સામાં તો રાજકીય પીઠબળ અને કેટલાક તત્વો જે વચેટીયાઓની ભૂમિકા ભજવી પાલિકાના મળતીયાઓ મારફતે આવા કાર્ય કરાવતા હોવાની માહિતી મળવા પામી છે.

ફતેગંજ સયાજીગંજના અમુક વિસ્તારોને અશાંત ધારામાં સમાવવા માંગ
વડોદરા શહેરમાં ફરી એકવાર અશાંતધારા નું ભૂત ધૂણ્યું છે શહેરના ફતેગંજ અને સયાજીગંજના અમુક વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરવા માટે યુવા અગ્રણી વિકાસ દુબેએ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમજ ફતેગંજ વિસ્તારમાં વધતા જતા અસામાજિક પ્રવૃતિ સામે પણ વિરોધ નોંધાવ્યો હતોઇ. શહેરના પ્રતિષ્ઠિત ગણાતા ફતેગજ અને સયાજીગંજના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારાનો વિસ્તાર વધારવા વિકાસ દુબે સહિત સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે સયાજીગંજ અને ફતેગંજ પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અશાંત ધારો લાગુ નથી જ્યાં લઘુમતી કોમના કેટલાક તત્વો બજાર કિંમત કરતા ઊંચા ભાવે મિલકતો ખરીદી રહ્યા છે પરિણામે આ વિસ્તારોમાં પણ અસામાજિક પ્રવૃત્તિમાં વધારો થવાની દહેશત છે પૂર્ણિમા કો-ઓપરેટીવ સોસાયટી હાઉસિંગ સોસાયટીમાં રહેતા હરજીત સિગે પોતાનું મકાન અમિન શેખ નામના વ્યક્તિને વેચાણ આપ્યું છે જેમાં સોસાયટીની એનોસી પણ નથી મુસ્લિમ લઘુમતિ કોમના વ્યક્તિને મકાન આપવાથી હિન્દુઓના સ્થળાંતરની શક્યતાને પણ નકારી શકાતી નથી ત્યારે  સયાજીગંજ અને ફતેગંજ પોલીસ મથક વિસ્તારના અમુક વિસ્તારોને પણ અશાંત ધારામાં સમાવેશ કરવો જોઈએ જેથી આવનારા સમયમાં અંધાધૂંધી ફેલાઈ ન શકે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ રક્ષણની માંગણી કરાઈ
પાલીકા દ્વારા જેની દુકાન સીલ મારવામાં આવી છે. તે દુકાન ધારકને કેટલાક અસામાજીક તત્વો હેરાન કરતા હતા કે જેઓ આજવા રોડ અમન સોસાયટીમાં રહેતા રેહાના અબ્બાસભાઈ વ્હોરા(ઉ.વ.66)એ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે, મે વર્ષ 2021માં અન્ય શખ્સ પાસેથી નવાબજાર ખાતે દુકાન ખરીદ્યા બાદ તેના દરેક હક્કના કાગળો મારા નામ પર થયા હતા. તે દુકાનમાં મે અને મારો પુત્ર હાર્ડવેર અને સેનેટરીનો ધંધો કર્યે છે. ત્યારે તે દુકાનની આસપાસના કેટલાક અસાજીક તત્વો તે દુકાન ખોલવા દેતા નથી તથા ધંધો પણ કરવા દેતા નથી. જેથી આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતી જળવાઈ રહે તે હેતુસર અમારી દુકાન ખાતે પોલીસ રક્ષણ પુરૂ પાડવા તેમજ અસામાજીક તત્વો વિરૂદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે.

Most Popular

To Top