Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં બાવળની જેમ વ્યાજખોરો ઉગી નીકળ્યા છે. હજારો લોકો માત્ર જરૂરિયાત મંદોને નાની રકમ (Amount) આપી વ્યાજ (Interest) પેટે મોટી રકમ વસુલી લેતા હોય છે. બીજી તરફ વ્યાજખોરો તેમના વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી વ્યાજે રૂપિયા લેનાર આપઘાત કરવા માટે મજબુર બનતા હોય છે. નવસારીમાં રીક્ષા સ્ટેન્ડ, રોયલ એસ્ટેટના ધંધામાં, ડાયમંડના ધંધામાં, શાકભાજી માર્કેટમાં, પાથરણાવાળા સહીત ઘણી જગ્યાએ લોકો વ્યાજનો ધંધો ચલાવી રહ્યા છે. વ્યાજખોરો જરૂરિયાત મંદ પાસેથી આપેલી રકમનું 10 ટકા થી 40 ટકા સુધીનું વ્યાજ વસુલે છે. પરંતુ જરૂરિયાતમંદ લોકોને રૂપિયાની જરૂરિયાત એટલી વધુ હોય છે કે તેઓ ઊંચા વ્યાજ દરે પણ રકમ લેવા મજબુર બનતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરો સામે પોલીસ પગલા ભરશે કે કેમ તે જોવું રહ્યું.

આયુર્વેદિક દવાની પ્રોડક્ટ્ લેવા માટે રૂપિયાની જરૂર પડી
નવસારીમાં વ્યાજખોર દંપતીએ વેપારીને 18 હજાર રૂપિયા વ્યાજે આપ્યા બાદ વેપારી પાસેથી 90 હજાર રૂપિયા વસુલ્યા હતા. ગેરકાયદેસર નાણા ધીરધારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી વેપારીએ વ્યાજખોર દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, વિજલપોર ગાયત્રી સંકુલમાં દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઈ મગનભાઈ ડાભીએ દોઢેક વર્ષ પહેલા આયુર્વેદિક દવાની પ્રોડક્ટ્ લેવા માટે રૂપિયાની જરૂર પડતા પ્રવિણભાઈએ નવસારી કારવાડ ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન ગયાપ્રસાદ પુરોહિતનો સંપર્ક કરી તેમની પાસેથી 3 હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી અશ્વિનભાઈએ રકમ પરત નહીં થાય ત્યાં સુધી રોજ 150 રૂપિયા વ્યાજના જમા કરાવવા પડશે તેમજ બે કોરા ચેક આપવા પડશે

18 હજાર રૂપિયા વ્યાજે આપીને 90 હજાર વસુલ્યા
તેવી વાત કરતા પ્રવિણભાઈને રૂપિયાની જરૂર હોવાથી અશ્વિનભાઈ પાસેથી 3 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું ગત 6ઠ્ઠી જાન્યુઆરી 2023 સુધી કુલ 81,750 રૂપિયા અશ્વિનભાઈ અને તેમની પત્ની જ્યોતિબેનને રોકડા આપ્યા હતા. ચાર મહિના અગાઉ પ્રવિણભાઈએ અશ્વિનભાઈ પાસેથી 13 હજાર રૂપિયા લીધા હતા. જેનું મહીને 4 હજાર રૂપિયા વ્યાજ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ એક મહિના પહેલા પ્રવિણભાઈને 2 હજાર રૂપિયાની જરૂર પડતા તેમણે અશ્વિનભાઈ પાસેથી ત્રણ દિવસના 300 રૂપિયા વ્યાજ આપવાનું નક્કી કરી 2 હજાર રૂપિયા લીધા હતા. જેના વ્યાજના રૂપિયા પ્રવિણભાઈએ અશ્વિનભાઈ અને તેમની પત્ની જ્યોતીબેનને રોકડામાં ચૂકવ્યા હતા.

વ્યાજ આપવામાં મોડું થાય તો ઘરે આવી ધમકી આપતા
પ્રવિણભાઈએ અશ્વિનભાઈ પાસેથી કુલ 18 હજાર રૂપિયા લીધા હતા. જેના વ્યાજ પેટે 90,650 રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. પ્રવિણભાઈ કોઈક વાર વ્યાજ આપવામાં મોડું કરતા ત્યારે અશ્વિનભાઈ અને તેમની પત્ની જ્યોતિબેન ફોન પર તેમજ ઘરે આવી વ્યાજે લીધેલા રૂપિયા પુરેપુરા ચૂકવી દેવાની ધાક-ધમકી આપતા હતા. હાલમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણા ધીરધારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી પ્રવિણભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અશ્વિનભાઈ અને જ્યોતિબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.જે. ચૌધરીએ હાથ ધરી છે.

નવસારી જિલ્લામાં 11 વ્યાજખોર વિરુદ્ધ 9 ગુના નોંધાયા
નવસારી : હાલમાં રાજ્ય સરકારે સમગ્ર રાજ્યની પોલીસને ગેરકાયદેસર નાણાં ધીરધાર પ્રવૃત્તિ રોકવા માટે આદેશ આપ્યા છે. જેથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર પ્રવૃત્તિ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. જે અભિયાનને પગલે નવસારી જિલ્લામાં ઊંચા વ્યાજ દર વસુલ કરનાર સામે લોકોએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં નવસારી ટાઉન પોલીસ મથકે 2, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે 2, ગણદેવી પોલીસ મથકે 3, મરોલી પોલીસ મથકે 1 અને વિજલપોર પોલીસ મથકે 1 ગુના મળી કુલ 9 ગુનાઓ ગેરકાયદેસર નાણાં ધીરધાર પ્રવૃત્તિ હેઠળ નોંધાયા છે.

To Top