SURAT

ટેક્સટાઈલ, સ્ક્રેપ, પેકેજ્ડ ફૂડ અને કંફેક્શનરીની 25 પેઢીમાં દરોડા: 20 બોગસ નીકળી

સુરત: (Surat) સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી તેઓને નશ્યત કરવા કડક હાથે કાર્યવાહી કરી રહ્યું છે. શનિવારે સ્ટેટ જીએસટી સુરત દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં નોંધાયેલી 25 જેટલી શંકાસ્પદ પેઢીઓનાં સ્થળ પર સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. એ પૈકી 20 કંપનીઓનાં રજિસ્ટ્રેશન (Registration) બોગસ નીકળ્યાં હતાં. જીએસટી વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરતાં નોંધણીના સ્થળે કંપનીઓ મળી આવી ન હતી. સુરત વિભાગ દ્વારા ચકાસણીની કામગીરી કરવામાં આવતાં ટેક્સટાઈલ, સ્ક્રેપ, પેકેજ્ડ ફૂડ અને કંફેક્શનરીની 25 પેઢીઓમાંથી 20 કંપનીઓ બોગસ નીકળી છે. આ 20 પેઢીઓ થકી 184.10 કરોડનાં બિલો ઇસ્યુ કરી 32.06 કરોડની વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) પાસઓન પણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ કાર્યવાહીમાં 20 પેઢીઓ બોગસ મળી આવેલી છે. આ બોગસ પેઢીઓ પૈકી 19 પેઢીઓના ડોક્યુમેન્ટસ ફોર્જડ જણાયા છે તથા 1 પેઢીનાં ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થયો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ચકાસણીની કામગીરીમાં 19 પેઢીનાં માલિકો અને સરનામાઓનાં સ્થળે કંપનીઓ મળી આવી નથી. આ બોગસ પેઢીઓ મારફતે 184.10 કરોડનાં બિલ ઇસ્યુ કરી 32.06 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરી સરકારની તિજોરીને ફટકો મારવામાં આવ્યો છે. આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર રીયલ ટેક્ષપેયર એટલે કે બેનીફીશયરી સુધી જીએસટી સિસ્ટમથી પંહોચી શકાય છે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. વિભાગ દ્વારા ગત ગુરુવારે પણ સુરત શહેર અને બારડોલીમાં સાગમટે દરોડા સ્ટેટ જીએસટીની ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા 11 સ્થળો પર પાડવામાં આવ્યાં હતાં. આ સર્ચ દરમિયાન વર્ક્સ કોન્ટ્રાક્ટર, આર્કીટેક્ટ, પેકેજ્ડ ફૂડ તથા કંફેક્શનરીનાં વેપારીઓની 1.20 કરોડની કરચોરી પકડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

11 સ્થળે 11 ટીમ દ્વારા તપાસ કરવામાં આવી
સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ અને સિસ્ટમ બેઝડ એનાલીસીસના આધારે સુરત તથા બારડોલી ખાતે આર્કીટેક્ટ, વર્ક્સ કોન્ટ્રાક્ટર, પેકેજ્ડ ફૂડ તથા કંફેક્શનરી આઈટમ્સ સાથે સંકળાયેલી પેઢીઓના ધંધાના અને રહેઠાણનાં સ્થળો ઉપરાંત ગોડાઉન મળીને કુલ 11 સ્થળોએ અલગ-અલગ 11 ટીમો દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી.

સ્ટેટ જીએસટી દ્વારા ટેક્ષ ચોરી રોકવા અભિયાન શરૂ કરાયું
સ્ટેટ જીએસટી દ્વારા ટેક્ષ ચોરી રોકવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ડીપાર્ટમેંટ પાર્ટીઓના રિટર્ન તેમજ ઈન્ટેલિજન્સ યુનિટની મદદથી કરચોરી કરનારાઓની માહિતી મેળવી રહ્યું છે. તાજેતરમાં જ વિભાગ દ્વારા સુરત શહેરના સોપારી તથા કેમિકલ સાથે સંકળાયેલા વેપારીઓના કેસોમાં તપાસ દરમિયાન મોટી રકમની કરચોરી પકડી પાડી હતી. સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ તપાસની કાર્યવાહી દરમિયાન એવી વિગતો મળી હતી કે, આર્કિટેક્ટ સહિતની આ પેઢીઓ પૈકી કેટલીક પેઢીઓ દ્વારા GST નંબર લીધા વિના જ ધંધો કરવામાં આવી રહ્યો હતો. જ્યારે કેટલીક પેઢી દ્વારા કરવામાં આવતા વેચાણોનાં પ્રમાણમાં વેરો ભરવામાં આવતો ન હતો. આ સ્થળોએથી મળી આવેલા બિન-હિસાબી ડોક્યુમેન્ટ ચકાસતાં વેપારીઓએ આવા વ્યવહારો ઉપર વેરો નહીં ભરી મોટાં પ્રમાણમાં કરચોરી કરી સરકારી લેણાંનું મોટું નુકસાન પહોંચાડ્યું હતું. તપાસ ટીમો દ્વારા ત્યારે આવા બિન-હિસાબી વ્યવહારોની ચકાસણીમાં મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી પાડી ટેક્સ પેટે 1.20 કરોડની વસુલાત કરી છે.

Most Popular

To Top