Dakshin Gujarat

વલસાડમાં વીજકરંટ લાગતા 7 ભેંસના મોત, વીજ કર્મચારીઓની બેદરકારી સામે આવી

વલસાડ: (Valsad) વલસાડના તિથલ રોડ (Tithal Road) સ્થિત પાલીહીલમાં રૂરલ જીઇબીની (GEB) બેદરકારીને પગલે 7 ભેંસને વીજ કરંટ (Electric Current) લાગતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્તા ભારે ચકચાર મચી જવા પામી હતી. વીજ તાર લટકેલી હાલતમાં હોવાથી ભેંસને વીજ કરંટ લાગતા 7 ભેંસના (Buffalo) ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

  • વીજ કર્મચારીઓની ગંભીર બેદરકારી : વલસાડમાં વીજકરંટથી 7 ભેંસના મોત
  • પાલિહીલ નજીક ચરવા ગયેલી ભેંસો લટકેલા વીજ તારને અડી જતાં મોત નિપજ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના ભાગડાવડા ગામે આવેલા પાલિહીલ-3 નજીક ખુલ્લી જગ્યામાં 7 જેટલી ભેંસ ચરવા માટે આવી હતી. તે દરમિયાન નજીકમાં વીજ તાર લટકેલી હાલતમાં હોવાથી ભેંસને વીજ કરંટ લાગતા 7 ભેંસના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં પશુઓના માલિકોને ભારે આર્થિક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના બાદ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો હતો. ઘટના બન્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી જઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી આ અંગે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ગુનો દાખલ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

રૂરલ GEBના અધિકારીઓ સુધારવાનું નામ લેતા નહીં હોવાના આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ઠેકઠેકાણે અસંખ્ય ફરિયાદનો નિકાલ થયો નથી. જેના કારણે ગ્રાહકોમાં પણ રૂરલ GEB પ્રત્યે ભારે નારાજગી ફેલાયેલી જોવા મળે છે. આ અગાઉ પણ આવા નાના મોટા અકસ્માતો બનવા પામ્યા છે. તેમ છતાં રૂરલ GEBના અધિકારીઓ સુધારવાનું નામ લેતા નથી, તેવા આક્ષેપો થઈ રહ્યા છે. નિર્દોષ 7 ભેંસના અકસ્માતે જીવ ગુમાવવાની ઘટનાથી લોકોમાં વધુ નારાજગી ફેલાયેલી જોવા મળી રહી છે.

આમડપોર ગામે ઝાડ કાપતી વખતે ઇલેક્ટ્રિક થાંભલો વાગતા યુવાનનું મોત
નવસારી : આમડપોર ગામે ઝાડ કાપતી વખતે ઇલેક્ટ્રિક થાંભલો યુવાનને વાગતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ભનવાડી (બુટલાવ) ગામે નરેશભાઈ બાલુભાઈ હળપતિ (ઉ.વ. 39) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 7મીએ બપોરે નરેશભાઈ નવસારી તાલુકાના આમડપોર ગામે શીતલ વાડી ફળિયા ખાતે સતીષભાઈ માહ્યાવંશીની વાડીમાં લાકડા કાપતા હતા. દરમિયાન ઝાડ કાપતી વખતે ઝાડ બંધ વીજ-લાઈનના તાર ઉપર પડતા નજીકનો સિમેન્ટનો ઇલેક્ટ્રિક થાંભલો નરેશભાઈના માથાના ભાગે તેમજ પગના ઘુટીના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મુકેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.

Most Popular

To Top