Dakshin Gujarat

દ. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, 17મી સુધી નવસારી-વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર: બંગાળના અખાત પરથી સરકીને અરબ સાગર તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ છે, ભારે મોટો વ્યાપ ધરાવતી આ સિસ્ટમ મુંબઈ અને કોંકણથી ઉપર આવી રહી છે, જેના પગલે હવે નૈઋત્યનું ચોમાસુ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી અને વલસાડને સ્પર્શ કરે તવી સંભાવના રહેલી છે. જ્યારે આગામી 17મી જૂન સુધી અતિભારે વરસાદનું હવમાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.

  • બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેસર સિસ્ટમ સક્રિય, હવે મુંબઈથી ચોમાસું સિસ્ટમ આગળ વધવાની સંભાવના
  • લો પ્રેસર ચોમાસું સિસ્ટમને ધક્કો મારે બસ એટલી વાર, તે પૂર્વે રાજ્યમાં ગરમીનો ઉપાડો, કંડલા એરપોર્ટ 44 ડિગ્રીમાં તપ્યું

આ ઉપરાંત હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં 14થી 20મી જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. હાલમાં ચોમાસાની ધરી મુંબઈ પાસેથી પસાર થઈ રહી છે, જો કે લો પ્રેસર સિસ્ટમ તેને ધક્કો મારીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ સુધી પહોંચાડે તેવી સંભાવના છે. જેના કારણે ગુજરાતમાં હવે ચોમાસુ સિસ્ટમ સક્રિય થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ ચોમાસુ ગુજરાતમાં સક્રિય થાય તે પહેલા આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદ – ગાંધીનગર સહિત રાજ્યમાં ગરમીનો પારો ઉંચે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમ તથા શુષ્ક પવનની અસર હેઠળ ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા સુધી પહોંચ્યું છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે દિવસ દરમ્યાન અમદાવાદમાં 42 ડિ.સે., ડીસામાં 41 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 38 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટમાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 44 ડિ.સે., ભાવનગરમાં 42 ડિ.સે., રાજકોટમાં 41 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 42 ડિ.સે., મહુવામાં 39 ડિ.સે. અને કેશોદમાં 37 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ઉમરગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો
સુરત, બારડોલી: દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદ વીજળીના કડકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. બારડોલી તાલુકામાં આજે વહેલી સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પડેલા આ વરસાદી છાંટાએ ચોમાસું બેસવાની તૈયારીના સંકેત આપ્યા છે.

  • બારડોલીમાં મેઘરાજાની પધરામણી, વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • ખેરગામ, ચીખલી, વાંસદા, નવસારી અને જલાલપોરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • ડાંગ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ, વીજળી વેરણ

શુક્રવારે વહેલી સવારે થયેલા અમીછાંટણાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને ઉનાળાની ગરમીથી રાહત મળી હતી. જોકે, આ વરસાદ માત્ર થોડી મિનિટો પૂરતો જ થયો હતો. દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક જળવાઈ રહી હતી. આ પ્રિ-મોન્સૂન વરસાદને કારણે ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે, કારણ કે આનાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી ખરીફ પાકની વાવણી માટે અનુકૂળ વાતાવરણ બનશે. સ્થાનિક લોકો પણ ગરમીમાંથી રાહત થતાં હાશકારો વ્યક્ત કર્યો હતો.

ડાંગ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતાની સાથે જ રાત્રિ દરમિયાન જિલ્લાના ઘણા વિસ્તારોમાં વીજળી વેરણ થઈ હતી. અનેકર જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. તો ગિરિમથક સાપુતારા ખાતે વરસાદ બાદ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. નવસારી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. ખેરગામ, ચીખલી, વાંસદા, નવસારી અને જલાલપોરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સંઘપ્રદેશ દમણમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ મહેર કરી હતી. જેને કારણે રીંગણવાડાથી કચીગામ તરફ જતાં રસ્તા પર કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જ્યારે વલસાડ જિલ્લામાં મોડી રાતે જ વરસાદની શરૂઆત થઈ હતી. ઉમરગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડવાની સાથે પવનને કારણે પતરાં પણ ઊડ્યાં હતાં. તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા સાથે વીજ પ્રવાહ ખોરવાયો હતો. જ્યારે વરસાદને કારણે વાપીના નવા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતાં. જો કે, મોડી રાત્રિના વરસાદી માહોલ જામ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો.

Most Popular

To Top