Gujarat

‘વન નેશન, વન ઈલેક્શન’નો અમલ 2032 સુધીમાં શક્ય : પી.પી. ચૌધરીએ એકસાથે ચૂંટણીથી દેશના 7 લાખ કરોડનો ખર્ચ બચી શકશે

ગાંધીનગર,
‘વન નેશન, વન ઈલેક્શન’ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી પી ચૌધરીએ જણાવ્યું છે કે જો 2029 સુધીમાં સમિતિની ભલામણો પર ચર્ચા અને નિર્ણય લેવાશે તો દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’નો અમલ 2032માં થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી અથવા તેની ટર્મ પર તેની કોઈ અસર નહીં થાય.

ગાંધીનગર મુલાકાત દરમિયાન મીડિયા અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે ચર્ચા કરતાં પી પી ચૌધરીએ જણાવ્યું હતું કે ‘વન નેશન, વન ઈલેક્શન’થી દેશના અંદાજે 7 લાખ કરોડ રૂપિયા બચી શકે છે અને આ બચત વિકાસ કાર્યોમાં વાપરી શકાશે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે આ વ્યવસ્થાથી દેશના GDPમાં આશરે 1.6 ટકા જેટલો વધારો થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આ વિધેયક હાલમાં સંસદની વિચારણા હેઠળ છે અને તેને આખરી સ્વરૂપ આપવા માટે સંયુક્ત સંસદીય સમિતિ રચવામાં આવી છે. સમિતિ દેશભરમાં જઈને પ્રજાના અભિપ્રાયો મેળવી રહી છે. તેમણે કહ્યું હતું કે રાજકીય પક્ષોને વિધેયક અંગે મતભેદ હોઈ શકે, પરંતુ પ્રજાનો અભિપ્રાય સર્વોપરી રહેશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે મતદારો ખૂબ જ જાગૃત છે અને તેઓ લોકસભા તથા વિધાનસભા ચૂંટણીમાં અલગ-અલગ રીતે મતદાન કરવાની સમજ રાખે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ સરકાર અવિશ્વાસ પ્રસ્તાવથી પડી જાય તો તેના માટે પણ વિધેયકમાં જોગવાઈ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં નવી સરકાર બાકીની અવધિ પૂરતી જ કાર્ય કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમિતિએ અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો અને પૂર્વ ન્યાયમૂર્તિઓ સહિત અનેક નિષ્ણાતોના અભિપ્રાયો સાંભળ્યા છે. ગુજરાત સરકાર તરફથી પણ મહત્વપૂર્ણ રજૂઆતો મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.પી પી ચૌધરીએ અંતે કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજાવું દેશના હિતમાં છે અને આખરી અહેવાલ તૈયાર કરતી વખતે પ્રજાની ભાવનાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે.

Most Popular

To Top