Gujarat

પોલીસે માત્ર બે અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા

વર્ષ 2007થી ગુમ થયેલા હજારો લોકોને શોધવા પોલીસે રાજ્યવ્યાપી ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ

ગાંધીનગર

ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે, જેમાં માત્ર બે અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.

આ ઓપરેશન મિલાપને કારણે, કોઈ ગુમ થયેલી દીકરી ઘરે પરત ફરી છે તો, કોઈ માતા પોતાના સંતાન સાથે વર્ષો પછી ફરી મળી છે. કોઈ પરિવારે દાયકાઓ પહેલાં સ્વજનને મળવાની આશા છોડી દીધી હતી, તેને આખરે પોતાના પ્રિયજન ક્યાં રહે છે તેની માહિતી મળી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, રાજ્યભરના પોલીસ સ્ટેશનો દ્વારા 7 મે થી 21 મે દરમિયાન કુલ 701 લોકોનો શોધી કાઢવામાં આવ્યા છે. તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. છેલ્લા બે અઠવાડિયામાં મળી આવેલા 701 લોકોમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, આ અભિયાન હજુ ચાલુ રહેશે.

Most Popular

To Top