India

શેખપુરા હાઉસથી આશ્રમ સુધી,પ્રશાંત કિશોરે કેમ બદલ્યું પોતાનું રાજકીય ઠેકાણું?

બિહારની રાજનીતિમાં નવા પ્રયોગની તૈયારી, હવે ‘બિહાર નવ નિર્માણ આશ્રમ’માંથી ચાલશે જન સુરાજનો સમગ્ર કારભાર

દેશના જાણીતા ચૂંટણી વ્યૂહકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે ફરી એકવાર બિહારની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. વર્ષો સુધી પટનાના વૈભવી ‘શેખપુરા હાઉસ’માંથી રાજકીય કામગીરી સંચાલિત કરનાર પ્રશાંત કિશોરે હવે પોતાનું મુખ્ય રાજકીય ઠેકાણું બદલીને આશ્રમમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર હવે પટનાની બહાર આવેલા “બિહાર નવ નિર્માણ આશ્રમ”માંથી પોતાની રાજકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ચલાવશે. તેમની આ ચાલને માત્ર સરનામું બદલવાનું પગલું નહીં પરંતુ રાજકીય સ્ટ્રેટેજીમાં મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

“આગામી વિધાનસભા ચૂંટણી સુધી આશ્રમ જ મારો નિવાસ”
પ્રશાંત કિશોરે દરભંગામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ હવે પટનાના જૂના નિવાસસ્થાનમાંથી બહાર આવી ચૂક્યા છે અને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી સુધી “બિહાર નવ નિર્માણ આશ્રમ”માં જ રહેશે. તેમણે કહ્યું કે આ આશ્રમ માત્ર નિવાસ માટે નહીં પરંતુ જન સુરાજ પાર્ટીના આગામી રાજકીય અભિયાનનું કેન્દ્ર બનશે. અહીંથી પાર્ટીની બેઠકો, ટ્રેનિંગ, વ્યૂહરચના અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કરવામાં આવશે.

શું હતું ‘શેખપુરા હાઉસ’?
પ્રશાંત કિશોર અત્યાર સુધી પટના એરપોર્ટ નજીક આવેલા પ્રખ્યાત ‘શેખપુરા હાઉસ’માંથી રાજકીય પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આ વિશાળ બંગલો જન સુરાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ BJP સાંસદ ઉદય સિંહના પરિવારની માલિકીનો હોવાનું જણાવાય છે. બિહારની રાજનીતિમાં આ બંગલો ઘણા મહત્વપૂર્ણ રાજકીય મીટિંગ્સ અને વ્યૂહરચનાઓનું કેન્દ્ર રહ્યો હતો. અનેક મોટા નેતાઓ અહીં પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરવા આવતા હતા.

હવે આશ્રમમાંથી ચાલશે ‘જન સુરાજ’નું મિશન
પ્રશાંત કિશોરે જે “બિહાર નવ નિર્માણ આશ્રમ” પસંદ કર્યો છે તે IIT-પટના નજીક આવેલો છે અને લગભગ 15 બિઘા જમીન પર વિકસાવવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ, અહીં હજુ બાંધકામનું કામ ચાલી રહ્યું છે છતાં પ્રશાંત કિશોરે પહેલેથી જ ત્યાં રહેવાનું શરૂ કરી દીધું છે. આશ્રમમાં માટી અને ઘાસફૂસના માળખાં, ખુલ્લું વાતાવરણ અને સામાન્ય જીવનશૈલી પર ભાર મુકાયો છે. જન સુરાજ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ આશ્રમને ભવિષ્યમાં પાર્ટીના કાયમી ગ્રાસરૂટ સંગઠન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.

વૈભવી બંગલાથી સાધારણ જીવન તરફનો સંદેશ
રાજકીય વિશ્લેષકો પ્રશાંત કિશોરની આ ચાલને એક મોટા પ્રતિકાત્મક સંદેશ તરીકે જોઈ રહ્યા છે. એક તરફ બિહારના મોટા નેતાઓ સરકારી બંગલા અને વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે, ત્યારે પ્રશાંત કિશોરે આશ્રમમાં રહેવાનો નિર્ણય લઈને “જમીન સાથે જોડાયેલા નેતા”ની છબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પગલાથી તેઓ સામાન્ય લોકો અને ગ્રામ્ય મતદારો વચ્ચે વધુ નજીક પહોંચવા માંગતા હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ચૂંટણીમાં નિષ્ફળતા બાદ નવી રાજકીય શરૂઆત?
પ્રશાંત કિશોરે 2024માં રાજકીય કન્સલ્ટન્સી છોડીને “જન સુરાજ પાર્ટી” બનાવી હતી. જોકે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી સફળતા મળી નહોતી.ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળ્યા બાદ હવે પ્રશાંત કિશોર નવા મોડલ અને નવા સંગઠનાત્મક પ્રયોગ સાથે આગળ વધવા માંગે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આશ્રમમાં શિફ્ટ થવાનો નિર્ણય આગામી ચૂંટણી માટે લાંબા ગાળાની તૈયારીનો ભાગ હોઈ શકે છે.

જન સુરાજ માટે ‘ગ્રાસરૂટ પોલિટિક્સ’ પર ફોકસ
જન સુરાજ પાર્ટી હવે ગામડાં, યુવાનો, શિક્ષણ, રોજગાર અને સ્થળાંતર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ચર્ચાઓમાં પણ પ્રશાંત કિશોરના નવા પ્રયોગ અંગે લોકો અલગ-અલગ અભિપ્રાયો આપી રહ્યા છે. કેટલાક લોકો તેને બિહાર માટે વૈકલ્પિક રાજકારણની શરૂઆત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને માત્ર રાજકીય ઈમેજ બિલ્ડિંગનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

બિહારની રાજનીતિમાં ફરી ચર્ચાના કેન્દ્રમાં PK
એક સમય દેશના મોટા રાજકીય વ્યૂહકાર તરીકે ઓળખાતા પ્રશાંત કિશોર હવે પોતાની રાજકીય ઓળખ મજબૂત બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.શેખપુરા હાઉસ છોડીને આશ્રમમાં શિફ્ટ થવાનો તેમનો નિર્ણય બિહારની રાજનીતિમાં નવી ચર્ચાઓ અને નવા રાજકીય સંકેતો આપી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આશ્રમમાંથી શરૂ થયેલું આ નવું રાજકીય અધ્યાય આગામી ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીને કેટલી મજબૂતી અપાવે છે.

Most Popular

To Top